May 23rd 2020

આખરી પળે (ભજન)

શ્રી હરિ જ લઈ જશે, ધામ આખરી પળે.
એ જ રૂદિયે પૂરશે, હામ આખરી પળે.

હું વિચારતો હતો, કેટલો શ્રીમંત હતો,
રાજ કરતો ઠાઠથી, કેટલો ધીમંત હતો,
મિથ્યા હવે એ થયા, કામ આખરી પળે…

યાદ આવ્યાં તે કર્યા, પ્રભુના સ્મરણો ઘણા,
સમય જો મળી ગયો, કર્યા સુકૃત્યો ઘણા,
આશ છે મળશે હવે, શ્યામ આખરી પળે…

ઢળ્યાં નીર નયનના, શમ્યાં તાપ જોમના,
ખુટ્યાં શ્વાસ ધમણના, રુઠ્યાં તેજ વ્યોમના,
ઠામમાં ભળી જશે, ઠામ આખરી પળે…

નામ એના છે ઘણા, રૂપ એના છે ઘણા,
છે નિરાકારી છતાં, આકારો ય છે ઘણા,
‘મનુજ’ કે’ છે રામ- રામ, રામ આખરી પળે…

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૧૨/૨૦૨૦