May 23rd 2020

“ કેટલા વાગ્યા ? ”

મેઘાએ ભાઈના અંતિમસંસ્કારના દિવસે ધીરૂભાઇની એક સુંદર વાત કરી હતી કે ભાઇ ને જમવા બોલાવીએ કે આરતી માટે બોલાવીએ તો ભાઇ, પહેલું એ જ પૂછતાં કે, “કેટલા વાગ્યા?”
અને, એ ઉપરથી એ જ વિષયને નજરમાં રાખી મેં આ કાવ્ય લખ્યું છે,
તે હું અહીં રજૂ કરું છું

જિવન જિવતાં કાંટા ફૂલને કેટલા વાગ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

દેવ સેવાના સમયે આ બેચેની કેવી ?
ખાવા ટાણે કોઈની ગેરહાજરી કેવી ?
એવું લાગ્યું, એમના રૂમના બારણા ઉઘડ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

હવે લાગશે ગુ. સા. સ.ની મીટીંગ ખાલી,
સીનીયર્સની સભાની ય રોનક ઠાલી,
એવું લાગ્યું, સીડીઓ પરથી પગલાં ઊતર્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

ઓફિસ રૂમના ફરનિચરનું આ દુઃખ કેવું ?,
ખુરશી પર હવે ભાર નથી એ જ દુઃખ એનું,
એવું લાગ્યું, પુસ્તકોના પાના ફફડ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

જિવન જિવતાં કાંટા ફૂલને કેટલા વાગ્યા,
હવે આ ઘરમાં કોણ પૂછશે, “કેટલા વાગ્યા ?”

અસ્તુ,
ભાઇના ચરણોમાં અર્પણ,

મનોજ મહેતા – ‘મનુજ’ હ્યુસ્તોનવી
સૌજન્યઃ ગુજરાતી સહિત્ય સરિતા
ભાઇને ભાવભરી વિદાય

May 23rd 2020

જિંદગી

ધીરુ’ભાઇ’ની “ બગીચાનાં ફૂલ ” નામની પ્રકાશિત પુસ્તિકાના પાના નંબર ૧૨૯ માંથી ‘ભાઇ’એ લખેલી વિચાર કણિકાઓ મેં જોઇ અને એ ઉપરથી એક છાંદસ રચના કરવાનો મને વિચાર આવ્યો.
અને એમ જ ‘ભાઇ’ના વિચારોના મોતીઓને પરોવીને, મેં આ એમના જ સર્જનની, એમને ગમે એવી, માળા બનાવી છે, તે આજ તેમને હ્યુસ્ટન સાહિત્ય સરીતા વતી અર્પણ કરું છું.
‘ભાઇ’ને પ્રભુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય એવી અભ્યર્થના કરું છું, અને
આપ્ સહુને ‘ભાઇ’ના સુંદર વિચારોનું ગુઢત્વ તથા માર્મિકતા દર્શાવતું એક ગીત હવે પ્રસ્તૂત કરું છું.

જિંદગીને માણવી જ હોય તો જિંદગી ને જોવી પડે છે.
જાણવી પડે, પિછાણવી પડે, જાળવવી પડે, જિરવવી પડે છે.

જીવતાં ના કોઈ કરે યાદ, પણ, મર્યા પછી યાદ સૌ કરે છે,
જીવતાં ના કોઈ ધરે દીપક, પણ, મર્યા પછી દીપ સૌ ધરે છે,
જાણવી પડે, પિછાણવી પડે, જાળવવી પડે, જિરવવી પડે છે.

મારું મારું કરતા ગયો ઊપર, પણ, મારું ના થયું કોઈ ક્યારે,
કારણ, હું કોઇનો ના થયો તો, હવે, મારું ના રહ્યું કોઇ ક્યારે,
જાણવી પડે, પિછાણવી પડે, જાળવવી પડે, જિરવવી પડે છે.

કોડિયું છે નાનું, તારા નાના, છતાં, આપતા રહે છે, એ પ્રકાશ,
તેમ નાનો માનવ આ , હું પણ, હવે આપતો રહીશ, એ પ્રકાશ,
જાણવી પડે, પિછાણવી પડે, જાળવવી પડે, જિરવવી પડે છે.

જિંદગીને માણવી જ હોય તો જિંદગી ને જોવી પડે છે.
જાણવી પડે, પિછાણવી પડે, જાળવવી પડે, જિરવવી પડે છે.

‘ભાઇ’ ના ચરણમાં અર્પણ,
કલ્પના મહેતા તથા
મનોજ મહેતા- ‘મનુજ’ હ્યુસ્તોનવી’
તરફથી
ભાવભરી વિદાય
૦૪/૦૮/૨૦૨૦