January 2nd 2015

માંગણી

આદત આ કેવી પડી છે ગજબની, કરો માંગણીને હું આપું છું તમને.

કાપી લીધા હાથ મારા તમે ને, છતાં હાથ માંગ્યો, હું આપું છું તમને.
.

આકાશે ઉંચા ચઢાવ્યા તમોને, અપાવ્યા સિતારા ને ચંદ્ર તમોને,

સાગર ખુંદાવ્યા જગતના બધાય, અપાવ્યા પરવાળાં ને મોતી બધા ય

ખાધું પીધું રાજ કીધું અમારું, હવે જાન માંગ્યો, હું આપું છું તમને.
.

પોતાનો માની મને જાણતા’તા, પછી પારકો હું અચાનક થયો’તો,

સરકાવ્યો મુજને બદનથી તમારા, સરપ કાંચળી ને તજે એમ મુજને,

સગપણના સાચા ત્રિભેટે મળ્યા છો, ફરી સાથ માંગ્યો, હું આપું છું તમને.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૦૧/૨૦૧૫

( અને એક કવિતાને ઈસુના નવા વર્ષે સુંદર આકાર મળી ગયો.)

October 26th 2014

અંતર

નજરથી સવાલો વધાર્યા કરો છો.
અબોલા લઈને સતાવ્યા કરો છો.

ચમનના કદી એ ખિલેલા સુમનને-
કિતાબો મહીં બસ દબાવ્યા કરો છો.

ઝુકેલી નજરને તમે પણ નક્કામી,
અમસ્તાં અમસ્તાં નચાવ્યા કરો છો.

ગગનમાં વિહરતા અગોચર પક્ષીને-
જુવારા બતાવી પટાવ્યા કરો છો.

ત્વચા શ્વેત છે, ને બનીને કસાઈ
દલિત શામળાને સતાવ્યા કરો છો.

ચિતામાં સળગતા સજીવન બદનને-
સુહાગી વિંઝણો ઝુલાવ્યા કરો છો.

પરત આવવાનો કર્યો વાયદો, પણ-
તારિખ પર તારિખ પડાવ્યા કરો છો.

કતારો ખડી છે તરસ્યાં જનોની,
મૃગજળ બધાને બતાવ્યા કરો છો.

તમે ફૂંક મારી પ્રયત્નો કરો છો,
ઈંધણ બળેલું જલાવ્યા કરો છો.

ભલે શિર, શિરસ્તા યવનના હશે,પણ-
વતનની જ માટી ચઢાવ્યા કરો છો.

અંતર વધ્યું છે ને વધાર્યા કરો છો,
‘મનુજ’ને ખભે દર્દ વધાર્યા કરો છો.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૨૫/૨૦૧૪

અને એક જુની અર્ધી લખયેલ ગઝલ.. આજે પુરેપુરાં વાઘા પહેરી ને સંપુર્ણ રીતે સજ્જ બનીને આપની સમક્ષ આવી ગઈ.
અખંડ મુતકારિબ છંદઃ લગાગા લગાગા લગાગા લગાગા.

March 5th 2014

હસતો રહ્યો

વરસો લગી કારણ વિના અંધાર પર હસતો રહ્યો.(૨)
મહેકતી આંખની સજેલી ધાર પર હસતો રહ્યો.
વરસો લગી…હસતો રહ્યો.

મારગ માં અમથા મળેલા ગમ હજુ પણ યાદ છે,(૨)
ખાલી મઢેલા સ્મિત મહીંના ખાર પર હસતો રહ્યો.(૨)
મહેંકતી…….હસતો રહ્યો
વરસો લગી… હસતો રહ્યો.

પક્ષી છું પણ પીંછાના કો’ ભારથી ડરતો રહ્યો,(૨)
હું જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો.(૨)
મહેંકતી…હસતો રહ્યો
વરસો લગી… હસતો રહ્યો.

આ વિશ્વનાં રૂપ-ચક્રો કેટલું હાંફ્યા કરે,(૨)
કોને કહું, આધારહીન? આ ધાર પર હસતો રહ્યો.(૨)
મહેંકતી………હસતો રહ્યો
વરસો લગી… હસતો રહ્યો(૩)
-વિશ્વદીપ બારડ
( મારા પરમ મિત્ર શ્રી વિશ્વદીપભાઇની લખેલી આ સુંદર રચના છે, જેને માટી, ચાકડો અને કુંભકારના મારા સાહસમાં સમાવિષ્ઠ કરવામાં આવી હતી અને મારા કંઠે એને નવાજિત કરીને ગુજરાતી સાહિત્ય સરીતાના સભ્યગણ સમક્ષ પેશ કરવામાં આવી હતી, અસ્તુ. – ‘મનુજ’ હ્યુસ્તોનવી)

February 28th 2014

પુનર્જન્મ !

II મૃત્યુ II

ત્સુનામી ઓ ત્સુનામી !
અનેક્ને કર્યા અનામી !

તારી ગોદે લીધા કેટલાં, પોટલાં મૃત્યુના,
ગણતા થાકી જવાય એટલા, ઓટલા મૃત્યુના!

પેઢી ઉપર પેઢીને તેં ગાયબ કરી દીધી,
આજીવિકાની નૌકાઓને નાબુદ કરી દીધી,
ટાપુ ઉપર પાણી ફેરવી નકશો બદલી નાંખ્યો,
જળ તળેથી ભૂમિ કાઢી, રસ્તો કોરી કાઢ્યો,
કોની સાથે કરવા બેઠા, વેપલા મૃત્યુના !

II જીવન II

ત્સુનામી ઓ ત્સુનામી !
જિર્ણોધ્ધારને સલામી !

ભલે કર્યો તેં કે’ર પણ, વસી રહી છે ઝિંદગી,
સહુની અથાક care બાદ, પાછી વળી છે ઝિંદગી !

કણ કણ તો થઈ એકત્ર, વિશાળ રૂપને ધારે,
મણ મણના આ સંગથન, ધૂપમાં છાંવ લાવે,
બણબણતા એ જ્વર સમસ્ત, દૂમ દબાવી ભાગે,
ગણગણતા સહુ સ્નેહ-ભ્રમર, સહકારને વધારે,
દેશથી પરદેશથી, આવી રહી છે, ઝિંદગી !

‘મનુજ’ હ્યુસ્તોનવી
લ.તા.- જાન્યુઆરી ૧૧, ૨૦૦૫
પ્ર. તા.- ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૪

( ઘણા સમય પહેલાં, ઇન્ડોનેશિયામાં આવેલા ત્સુનામી બાદ લખાયેલી આ રચનાએ આખરે શબ્દ દેહે web જગતમાં અવતરણ કર્યું, તેનો આનંદ વ્યક્ત કરી ને વિરમું છું )

February 26th 2014

કથિરનું કાંચન

ઝિંદગી ના મળી માંગી એવી.
ને, છતાં નહોતી નાંખી દેવી.

કાગળ સમો ભલે હું ગણાયો,
ફૂલ થઇ હાટ જો માંડી કેવી!

દિવસથી હું ભલે તરછોડાયો,
ધ્રૂવ થઇ રાહ મેં ચિંધી કેવી!

જામને પૂરો ઉતારતા પહેલા,
યોગ્ય છે, સુરા ચાખી લેવી!

ચાંદનો મોહ છોડી હવે, તો-
આંખ તુજ પર બિછાવી કેવી!

પત્થર ભલે સમજતા રહો,પણ-
મૂરતિ દૈવી બનાવી કેવી!

ચાલ વર્ષામાં ભીનાં થઈએ,
આશ દુષ્કાળમાં આવી કેવી?

બોલવું જ હોય સાચું હવે, તો-
બોતલ જ નીચે ઉતારી લેવી!

‘મનુજ’ મૃત્યુથી ડગ્યો નહીં, તો-
ઝિંદગીને ય સંભાળી કેવી!

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૨૫/૨૦૧૪
અને આમ જ એક વધુ રચના સ્ફૂરી અને ફળીભૂત થઇ, કેવી!

February 18th 2014

મા સરસ્વતી વંદના

ઓ મા સરસ્વતી તું મને જ્ઞાન દે!

તારી ભક્તિનાં વરદાન દે!———-

ધારે વિણા, માળા, પુસ્તક તું,

પદ્મ આસન પર આરૂઢે તું,

ઓ મા તારા શરણમાં સ્થાન દે!

તારી ભક્તિનાં વરદાન દે!

ઓ મા સરસ્વતી તું મને જ્ઞાન દે!———-

અજ્ઞાનનાં તું તિમીર વિદારે,

જ્ઞાન વિજ્ઞાનનાં ઓજસ ફેલાવે,

ઓ મા મને સુબુધ્ધિ ભાન દે!

તારી ભક્તિનાં વરદાન દે!

ઓ મા સરસ્વતી તું મને જ્ઞાન દે!———-

– ‘મનુજ’ હ્યુસ્તોનવી

૦૫/૧૬/૨૦૦૩

– અને એક પ્રાર્થના થોડા સમય પહેલા રચી હતી, જે આજે જગતને અર્પણ…!

February 14th 2014

Returned દિલ

દિલ વળ્યું પાછું બધે ટકરાઇને.
Tom, Harry, Dickથી રીસાઇને.

છાસવારે થાય Romeo dump,
Julietoના webમાં વિંટાઇને.

પ્રેમમાં Day-Tradersની જેમ, આ-
થાય ઊભા, પડી ને પછડાઇને.

Michael જોયો અને લાગ્યું મને,
મોર આવ્યો make-up કરાઇને.

appointment તો હતી, પણ તે છતાં-
જાય પાછા doorને ખખડાઇને.

ના કહી, તો sword લીધી હાથમાં-
મ્યાનમાં મૂકી, ગીલેટ કરાઇને.

grassમાં હું needleને શોધી શકું,
God એવી sence આપ, છુપાઇને.

હા કહી, તો ગોળનું ગાડું મળ્યું,
Ants ને Flysથી ઊભરાઇને.

Jesusને જે હસુસ કે’ છે, ‘મનુજ’-
તે બધા કો’ શું કહે June Julyને.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૧૪/૨૦૧૪
(છંદ વિધાનઃ ગાલગા ગાગાલગા ગાગાલગા)
-અને, એક ગુજlish રચના શક્ય બની ગઇ.
માફ કરશો, આજે વેલેન્ટાઇન ડે ના દિવસે બિલકુલ અજાણતામાં લખાઇ ગયેલી રચના.

February 14th 2014

ઘુમક્કડ

ઘુમક્કડ
એકલો બસ એકલો ચાલ્યા કરૂં.
ધ્રૂવનો તારો થઈ ચમક્યા કરૂં.

હોંશ છે બસ ભેદવા તિમીરને,
સૂર્ય સમ ભીતર ભલે સળગ્યા કરૂં.

પાપડી ભેગી ઇયળ બફાઇ છે,
સ્વાદ એનો પણ પછી માણ્યા કરૂં.

ચાલતા પગ આવશે ગોઠણ સુધી,
વામન થઇ વિરાટ ડગ માંડ્યા કરૂં.

જામ ટુટતાં જો શુકન થતાં હશે-
થાય છે કે આઇના તોડ્યા કરૂં.

મંઝિલો ફરતી રહે ભલે, છતાં-
મૃગજળોથી તરસ હું ખાળ્યા કરૂં.

ધમણ છું પણ દેવતા સંગે રહું,
પ્રાણ પરની રાખને ફૂંક્યા કરૂં.

છે અરીસામાં અમારૂં જ વદન,
ને, પ્રતિબિંબિત નયન શોધ્યા કરૂં.

નજરના ઈંધણ ભિનાં સળગે નહીં,
ને, ધુમાડે આંખને ભીંજ્યા કરૂં.

હાથમાંની લકિર જો ભણે ભવિષ,
લાવ, ખંજરથી નવી પાડ્યા કરૂં.

એક કરતાં એક ચઢિયાતાં મળ્યા,
ધરમના અંગરક્ષકો ઢાળ્યા કરૂં.

‘મનુજ’ને એક રમકડું બનાવ્યો,તો-
લાડ સાથે લાત પણ પામ્યા કરૂં.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૧૩/૨૦૧૪
(છંદ વિધાનઃ પ્રત્યેક પ્રથમ પંક્તિ-ગાલગા ગાગાલગા લગાલગા
પ્રત્યેક દ્વિતિય પંક્તિ-ગાલગા ગાગાલગા ગાગાલગા
મારા અભ્યાસ, મહાવરા અને જાણકારી અનુસાર, ઘણા શાયરોએ આ પ્રમાણે ઉપર-નીચેની પંક્તિઓમાં સહેજ માત્રા/માત્રાઓનો ફરક રાખીને ગઝલોની રચનાઓ કરી છે.
આ માહિતી જો કદચિત ખોટી હોય તો તેને મારી ભૂલ ગણી, માફી આપી અથવા નવો તજૂર્બો ગણીને પણ અપનાવી લેશો.)

February 12th 2014

અરે અરે…!

ચાંદમાં પણ ડાઘ છે, અરે અરે!
વ્યર્થ તું ચિંતા કરે, અરે અરે!

અધર ચાંપી અધર પર ચુમી ભરી,
વાદળીએ ચાંદને, અરે અરે!

મશ્કરાને શિર વિરોધ નંધાવ્યો,
હાઇ હિલના સેંડલે, અરે અરે!

ના ગમ્યુંતો એમણે ચઢાવિયો,
ધ્વજ બનાવી વાંસડે, અરે અરે!

રાઇ, કોકમ, કાચલી નથી, છતાં-
દાળમાં કૈં કાળું છે, અરે અરે!

ઘાવ જાણે કેટલા પડ્યા હશે,
વાતમાં શું દરદ છે, અરે અરે!

ભ્રમર શું ચંપા તરફ જરા હસ્યો-
બાગમાં અફવા ઉડે, અરે અરે!

હા, બિલાડીએ જણ્યા ગલૂડિયાં,
ગામમાં પંચાત છે, અરે અરે!

એક દી’ જાવાનું છે ‘મનુજ’,કિન્તુ-
લાકડા આજે વિણે, અરે અરે!

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૧૧/૨૦૧૪
(છંદ રચનાઃ ગાલગા ગાગાલગા લગાલગા)

December 23rd 2013

ના, નથી કરી…!

સાવિત્રીનો પતિ, અમરત મોટા દવાખાનાના ખાટલે પડ્યો હતો. એમ જ કહો ને કે એ તો ‘ભુંગળીઓનો સ્વામી થઈ ગયો છે, મારો નહીં.’ એવું સાવિત્રીને લાગતું હતું. જ્યાં જુઓ ત્યાંથી, એના શરીરમાં ભુંગળીઓ જ ભુંગળીઓ નાખેલી હતી. ડોક્ટરોએ પણ એના જીવવાની આશા છોડી દેવા સલાહ આપી હતી. એને કહેવામાં આવ્યું હતું કે ‘ અમરતનું તો મગજ જ મરી ગયું છે.’

હજુ હમણાં જ એ દવાખાને આવી હતી ને અચાનાક એણે અમરતના રૂમમાં ઉચાટ ભરી ચહેલ પહેલ અનુભવી. જાત જાતની સિસોટીઓના અવાજો વચ્ચે ડોક્ટરો, નર્સો તથા અન્ય લોકોની આવન જાવન વધી. હજુ હમણાં જ વેઈટીંગ રુમમાંથી ધસી આવેલા એના સસરા અને જેઠે, એને વેઈટીંગ રુમમાં જઈ રાહ જોવા માટે કહ્યું. એના જીવમાં ફરી ધ્રાસકો પડ્યો. અને એ ધીમા પગલે વેઇટીંગ રુમમાં ગઈ. એને લાગ્યું કે એનું હ્ર્દય જ બેસી ગયું હતું. મન સુન્ન થઈ ગયું હતું. અને, એવો જ સુનકાર પછી અમરતના રુમમાં પણ છવાઈ ગયો. ડોક્ટરો, નર્સો, ને પછી તો બધા જ રુમમાંથી નિકળી ગયા અને પોત પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા.

બે ડોક્ટરો, નર્સ, એના અમરતના બાપા અને એનો જેઠ વાતો કરતા કરતા વેઈટીંગ રુમમાં આવ્યા. અને એને જેની દહેશત હતી તે જ વાત ફરી પાછી નિકળી. સહુના કહેવા પ્રમાણે હવે તો ‘ભુંગળીઓ પાછી કાઢી લેવી જોઈએ..’ એવું કાંઈક… કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો અને એ અંગેની રજા લેવા માટે જ આ બધા એની પાસે આવ્યા હતા. એને ખબર હતી કે એનું પરિણામ શું આવશે. એણે હ્રદય પર પથરો મૂકી દીધો અને આંખોએ એનું કામ કરી દીધું. બધા જ રુમમાંથી બહાર ગયા અને એને ખાત્રી થઈ ગઈ કે અમરતની અને એની પોતની પણ જીંદગી હવે એના હાથ માંથી બહાર નિકળી ગઈ હતી.

અને એમ જ થયું. એક કલાકમાં જ તો બધું પતી ગયું. એને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે એણે બધાને એની ચુડીઓના ટૂકડા બતાવી દીધા. એટલામાં, હાલની સર્વ પરિસ્થીતિથી અજાણ એવાં, એના સાસુમા, ધરમકુંવરબાએ વેઈટીંગ રુમમાં પ્રવેશ કર્યો. એની બાજુમાં બેસતાં પ્રેમથી બોલ્યાં, ‘જો ને આ આવતા થોડું મોડું થઈ ગયું. આ અમરતે પેલું નવું કબાટ બનાવડાવ્યું હતું ને…એ મૂકવા ગોપાળ આવ્યો હતો. પણ અલી, આ રઘવાટમાં તને પૂછવાનું તો ભૂલી જ ગઈ કે આ આજે કડવા ચોથ છે, તે તેં કરી છે ને?

રોકાયેલા આંસુ ફરી ધસી આવ્યાં, એ ફક્ત એટલું જ બોલી શકી, ‘ ના, નથી કરી…!

—— **********—— ૧૨/૨૨/૨૦૧૩

« Previous PageNext Page »