આદતો ઇબાદતોની
આદતો ઇબાદતોની આજ બદલાઈ રહી છે.
જાત આખી જાતમાંથી આજ વટલાઈ રહી છે.
એ ગયા એવી અદાથી, શું થયું પાછું અચાનક,
એમના પાછા વળ્યાની વાત ચરચાઈ રહી છે.
સફરમાં સંગાથની સાંકળ નડે એવું નહિં બને-
હા,સનમની ચૂપકીદીની જાળ વિખરાઈ રહી છે.
નાક વચ્ચે છે છતાં કેવો મઝાનો સંપ છે, અહિં-
આંખ રૂએ એક તો બીજી ય છલકાઈ રહી છે.
યાર સાથે યારના આ યારની રંગરેલિયાંઓ,
એમની આંખોંમાં ચશ્મેદીદ ઝડપાઈ રહી છે.
શ્વાસમાં વિશ્વાસ હોવો છે જરૂરી જિવનમાં,પણ-
આંધળા અવિશ્વાસની જ ઊણપ જણાઈ રહી છે.
ચાલવું પડશે, હવે બે હાથથી એવી શીખામણ,
પગ નથી જે અપંગના એને જ કહેવાઈ રહી છે.
કા’નની ભૂરાશમાં રાધા ભળી છે રતુંબડી, ને-
આજ એ ઘનશ્યામ થઈને સઘળે પુજાઈ રહી છે.
રાત નિકળી છે ભિખારણ જેમ અજવાળું કમાવા,
ચાંદનું છે પાત્ર કરમાં ને ભિક્ષા માંગી રહી છે.
અય મનુજ,એ જાય છે,અભિસાર કરવા કે છિનાળું
માનુનીની ચાલ થી આ વાત પરખાઈ રહી છે.
ગઝલ બંધારણઃ (અખંડ) રમલ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦-૨૪-૨૦૦૯