October 20th 2007

અચરજ ભરી તરસ

તમને મળવા અમને પળ છે.
પળની લંબાઈ તો છળ છે.

અચરજ ભરી આ તરસ કેવી,
આગળ પાછળ મૃગજળ છે.

લોકો કેવાં કામ કરે છે,
આખા શહેરમાં ખળભળ છે.

ઊંઘ ન આવે તો લાગે છે,
બિસ્તરમાં આ અઢળક સળ છે.

આવે તો જાવા ના દેશો,
લક્ષ્મી ખુદ જાતે ચંચળ છે.

સપના વિણવા સૂવું પડે છે,
આંખ ખુલે ને સામે ભળ છે.

શુકન અપશુકન થતા રહે છે,
પગ મુકીએ ત્યાં દળદળ છે.

ખેલ ખતમ ને વાગે છે,એ-
વેશ બદલવાનું ભુંગળ છે.

એણે શનિની વાત કરી,તો-
‘મનુજ’ કહે મને મંગળ છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૨૦/૨૦૦૭

ગઝલ-છંદઃ ફાઈલાતુન {ગાગાગાગા}

October 19th 2007

આકાર-નિરાકાર

વાત મારી તમારી નથી, બસ હવે.
જો, બધાને પડ્યો છે મહીં રસ હવે.

હા, રડારોળ તો દીલ માં ચાલુ છે,
સુણ, જૉકર બન્યાની હસાહસ હવે.

પાપ અહીંયા કર્યે જાય છે, એટલાં-
જાય ન્હાવા પછીથી બનારસ હવે.

હાડ પીંજર સમા, હાલતાં ચાલતાં,
આગ સ્પર્શી ગઇ, એક દિવસ હવે.

બીજ બોયાં પછી જળ ન પાયું કદી,
કેમ નો આવશે ફસલમાં કસ હવે,

રાખ, આકાર ને રૂપ રંગ જુદા,
જાણુ છું, તું નિરાકાર છે બસ હવે.

સત્ય ને કાળ ને સુંદરમને ભજો,
જીવ તું શીવ થઇ અનંતે વસ હવે.

ધડકનો સ્વાસનો એક્તારો બની,
જિવન-સંગીતનો પીરસે રસ હવે.

આવનારી ઘડી, હાલની આ ઘડી-
ને કહેતી રહે, ‘મનુજ’ ખસ હવે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૧૭/૨૦૦૭
ગઝલ- ફાઇલુન { ગાલગા }

October 6th 2007

સરસ્વતી વંદના

હે કૃપાનીધિ મા સરસ્વતી, ચરણોમાં તારા નમું સદા,
શ્રદ્ધાના પુષ્પો કરે ધરી, શરણે હું તારા રહું સદા.

તુજ હાથમાં વીણા વસે, પુસ્તક, સ્ફટિક માળા મળે,
પધ્માસને તું આરૂઢે, સમીપે મયૂર કેકા કરે,
તું છે શુભ્રવસ્ત્ર વિભુષિણી, દર્શન હું તારા કરું સદા.

તુજ આંખ અમી વર્ષા કરે, આશિષ જ્ઞાન દીવા કરે,
સંજ્ઞાનું જ્ઞાન તું જ દે, પ્રજ્ઞાનું દાન તું જ દે,
અજ્ઞાનનો કૂપ પરહરી, તુજ જ્ઞાન સિંધુ તરું હું સદા.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૨૯/૨૦૦૩