November 8th 2007

સમયની વાત

નજર એ છો બધે ભટકે, હું કાજળ થઇ સમાયો છું.
હ્ર્દયના એ લહૂની હું, બની રતાશ છુપાયો છું.

સિતમ સહેવા હવે તો બસ મને આદત પડી ગઇ છે,
સમય પજવી ગયો છે ને હવે મુજથી સતાયો છું.

ખતમ થઇ જિન્દગાની એમના બસ એક જ બોલ પર,
અને, બીજો શબદ સુણવા હવે જીવંત રખાયો છું.

મનાવાને ઘણા યે આવિયા ને હાથ ધોવાયાં,
કરું કેવી રીતે વાકિફ કે હું ખુદથી રિસાયો છું.

ચમનમાં આટલી મસ્તી અને કલશોર આ શાનો?
ખયાલ આયો પછી કે હું બની વસંત વધાયો છું.

નિરાશા ખુદ હવે આશા વિના ફફડી રહી’તી,ને-
બનીને ધ્રૂસકું એક ડૂસકામાંથી વિલાયો છું.

ચગેલો હું ગગનમાં ખૂબ ઊંચે ઉન્નત મસ્તકે,
કપાઇને ખજાનામાં કૃપણને ઘર લવાયો છું.

સળગતી આગને ભડકાવતા પહેલાં તમે સમજો,
દિશામાં હું તમારી થઇ પવન ધસમસ ફુંકાયો છું.

દશા મારી સમજવી હોય તો સમજો કહે ‘મનુજ’,
ભરેલો જામ છું ખાલી થતાં પાછો ભરાયો છું.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૮/૨૦૦૭
ગઝલ- છંદઃ મફાઈલુન (લગાગાગા)

November 7th 2007

આભાર (મુક્તક)

પળ પળ આભાર સમું કૈંક કહ્યા કરે છે,
આભારનો આ ભાર, બસ, વહ્યા કરે છે,
એના આભારમાં કદી ભાર હશે, તો-
કૃતજ્ઞતાનું ઝરણું દિલે વહ્યા કરે છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭

November 7th 2007

નિવૃત્તી (મુક્તક)

જે કંઇ કામ કરે છે, પાર પડે છે,
જામ ભર્યો નથી ને નશો ચડે છે,
સફળતા મિડાસની જેમ વળગી છે;
સોનાનો કોળિયો જ ગળે નડે છે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭

November 7th 2007

પ્રવૃત્તી (મુક્તકો)

સમય નથી અને કામો વધ્યા કરે છે,
સીડી ચઢતાં સોપાનો વધ્યા કરેછે,
ધનની જેમ આહીં સમય વપરાય છે;
અને, સ્વાધિન ગુલામો વધ્યા કરે છે.

સમય નથી ને કામો બાકી છે,
નાચવું છે, પણ, ફરસ વાંકી છે,
ઘાંચીનો બેલ ફર્યા કરે છે;
ઘાણીમાં તલ ભરવાં બાકી છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭