March 5th 2014

હસતો રહ્યો

વરસો લગી કારણ વિના અંધાર પર હસતો રહ્યો.(૨)
મહેકતી આંખની સજેલી ધાર પર હસતો રહ્યો.
વરસો લગી…હસતો રહ્યો.

મારગ માં અમથા મળેલા ગમ હજુ પણ યાદ છે,(૨)
ખાલી મઢેલા સ્મિત મહીંના ખાર પર હસતો રહ્યો.(૨)
મહેંકતી…….હસતો રહ્યો
વરસો લગી… હસતો રહ્યો.

પક્ષી છું પણ પીંછાના કો’ ભારથી ડરતો રહ્યો,(૨)
હું જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો.(૨)
મહેંકતી…હસતો રહ્યો
વરસો લગી… હસતો રહ્યો.

આ વિશ્વનાં રૂપ-ચક્રો કેટલું હાંફ્યા કરે,(૨)
કોને કહું, આધારહીન? આ ધાર પર હસતો રહ્યો.(૨)
મહેંકતી………હસતો રહ્યો
વરસો લગી… હસતો રહ્યો(૩)
-વિશ્વદીપ બારડ
( મારા પરમ મિત્ર શ્રી વિશ્વદીપભાઇની લખેલી આ સુંદર રચના છે, જેને માટી, ચાકડો અને કુંભકારના મારા સાહસમાં સમાવિષ્ઠ કરવામાં આવી હતી અને મારા કંઠે એને નવાજિત કરીને ગુજરાતી સાહિત્ય સરીતાના સભ્યગણ સમક્ષ પેશ કરવામાં આવી હતી, અસ્તુ. – ‘મનુજ’ હ્યુસ્તોનવી)