October 26th 2014

અંતર

નજરથી સવાલો વધાર્યા કરો છો.
અબોલા લઈને સતાવ્યા કરો છો.

ચમનના કદી એ ખિલેલા સુમનને-
કિતાબો મહીં બસ દબાવ્યા કરો છો.

ઝુકેલી નજરને તમે પણ નક્કામી,
અમસ્તાં અમસ્તાં નચાવ્યા કરો છો.

ગગનમાં વિહરતા અગોચર પક્ષીને-
જુવારા બતાવી પટાવ્યા કરો છો.

ત્વચા શ્વેત છે, ને બનીને કસાઈ
દલિત શામળાને સતાવ્યા કરો છો.

ચિતામાં સળગતા સજીવન બદનને-
સુહાગી વિંઝણો ઝુલાવ્યા કરો છો.

પરત આવવાનો કર્યો વાયદો, પણ-
તારિખ પર તારિખ પડાવ્યા કરો છો.

કતારો ખડી છે તરસ્યાં જનોની,
મૃગજળ બધાને બતાવ્યા કરો છો.

તમે ફૂંક મારી પ્રયત્નો કરો છો,
ઈંધણ બળેલું જલાવ્યા કરો છો.

ભલે શિર, શિરસ્તા યવનના હશે,પણ-
વતનની જ માટી ચઢાવ્યા કરો છો.

અંતર વધ્યું છે ને વધાર્યા કરો છો,
‘મનુજ’ને ખભે દર્દ વધાર્યા કરો છો.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૨૫/૨૦૧૪

અને એક જુની અર્ધી લખયેલ ગઝલ.. આજે પુરેપુરાં વાઘા પહેરી ને સંપુર્ણ રીતે સજ્જ બનીને આપની સમક્ષ આવી ગઈ.
અખંડ મુતકારિબ છંદઃ લગાગા લગાગા લગાગા લગાગા.