કુંપળ ખીલી નથી
ખોયેલ મારી જિંદગી, મુજને જડી નથી.
મરવા મને ફૂરસત હજી સહેજે મળી નથી.
કરતા રહ્યા સીતમ અને જીવાડતા રહ્યાં,
દિલમાં દુઆની પણ કમી, જોવા મળી નથી.
રાખી હતી ખ્વાહિશ અમે, ઉપવન બનાવવા,
રણની કિન્તુ આ રેતમાં, કુંપળ ખિલી નથી.
આંખો મહીં અંગાર છે, દિલમાં બધે પત્થર,
લાવા સમી આવી કૃતિ, જગમાં જડી નથી.
એના મરણની આ સભા ને એ સુતો હતો,
ખુદની પ્રશસ્તિ આટલી, ક્યારે સુણી નથી.
કેવો હતો રાજા સ્વયં, સોનું બની ગયો,
એને હજુ માણસ થવા, યુક્તિ મળી નથી.
જ્યારે ગયા છો આપ મુજ દુનિયા તજી,પુષ્પો!
તકદીર પરની પાંદડી, બિલકુલ ખસી નથી.
જોવા મથ્યો દરપણ મહીં, કોને હું આટલું,
વરસો થયા ઊભો જ છું, છાયા મળી નથી.
બે વાત યાદ રહી જશે, આખા જિવન સુધી,
સીડી ઉપર તું ચઢી ખરી, પાછી વળી નથી.
રસતા ભલે છૂટા પડ્યા, આગળ મળી ગયા,
પણ, તું પડી છૂટી છતાં, આવી મળી નથી.
આવો નહીં તો આવવા, કોશિશ કરી જુઓ,
સંગનાં ઉમંગની શ્રદ્ધા, ઓછી થઈ નથી.
આ માંડવો ને પિયરિયા, આંસુ બની ગયા,
ડોલી ‘મનુજ’ એમાં વહી, પાછી ફરી નથી.
– ‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૯-૧૨-૨૦૧૦
છંદ બંધારણઃ
ગા ગા લ ગા, ગા ગા લ ગા, ગા ગા લ ગા લ ગા
આશા છે કે આપ સહુને આ કૃતિ પણ અન્ય કૃતિઓની જેમ ગમશે.
સૂચનો, સુધારા વિગેરે જણાવશો.