January 30th 2024

પ્રભુ શ્રી રામ આવ્યા છે

જૂઓને અયોધ્યા નગરીમાં, ભારત વર્ષના સહુ રુદિયામાં,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

રામજી તો છે નહિ ભૂતકાળ, રામજી છે સકળ અનંતકાળ,
રામજી છે વચન ને વિશ્વાસ, રામજી છે દુષ્ટોનો વિનાશ,
ભજી લો, સેંકડો વર્ષો પશ્ચાત, કરી લો નામ એનું આત્મસાત,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

વર્ષોનો વનવાસ પણ વેઠ્યો, શબરીના બે બોર પણ ચાખ્યા,
મા સીતાનો વિરહ પણ વેઠ્યો, દરિયામાં પથરાઓને તાર્યા,
દુષ્ટને દંડ ઉંચિત આપીને, વિજયની વરમાળા પ્હેરીને,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

કરી લો મનથી એક જ નિર્ધાર, રાખશું તમને નિજ મનને દ્વાર,
ભલે ધરતિ ટુટે, ફાટે આકાશ, તમારું નામ જપવાનું વારંવાર,
વિનય, વિધાનના વિકાસ કાજે, સુખાકારી, સમૃદ્ધિ, સત્ય કાજે,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૨૪/૨૦૨૪

January 30th 2024

તમને ફરી મળવાને

આ કેવી ઘડી આવી, તમને ફરી મળવાને.
આંખોમાં આંસુ લાવી, તમને ફરી મળવાને.

જેટલી મળી ઉર્મિઓ, એટલા મળ્યા ઉમંગો,
સજતા રહ્યા એ સ્વપ્નો, અંગો ને મળે અંગો,
શ્રદ્ધા એ પ્યાસ લાવી, તમને ફરી મળવાને.

સાગરના નીર ટપકે, એના બદનથી નિતરી,
તનનો ઉન્માદ છલકે, વદનના વળાંક ચિતરી,
તક એ ફરીથી આવી, તમને ફરી મળવાને.

કે’વાને તો ઘણું હતું, પણ, એ નથી કે’વાયુ,
ઘણું આપવાનું પણ હતું, દિલ પણ નથી દેવાયું,
માંગુ છું એક પળ, છતાં, તમને ફરી મળવાને.

તમે હમસફર હતા કદિ, તમે હમનવા હતા કદિ,
પલકોમાં જો વસ્યા કદિ, ધડકનમાં ય ધડક્યા કદિ,
તમે મારા થઇ ને આવો, તમને ફરી મળવાને.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૨૩/૨૦૨૪

(થોડા સમયના અરસા બાદ એક કવિતાની
રચના થઈ ગઈ)

January 30th 2024

શું થઇ ગયો?

ન જમા રહ્યો, ન ઉધાર છતાં ય હિસાબ થઇ ગયો.
આંકડા વગરના ગણિતની જ કિતાબ થઇ ગયો.

ગભરાવાનું મારે નો’તુ, ન છુપાવવાનું, પણ-
રાઝ મારી જઠરમાં જઈ, તેજાબ થઇ ગયો.

મિલ્કતનો ગર્વ ન’તો છતાં, પણ એની નજરમાં-
સોના રૂપાથી ભરેલો, કિનખાબ થઇ ગયો.

ડભોઇ, બરોડા, હ્યુસ્ટનના એલીફ ને રિચમંડ,
પાંચ ગામના પાણી પી હું, પંજાબ થઇ ગયો.

એણે જ્યારે મને કહ્યું, ‘તારું આ કામ નથી,’-
હું તો નહિ પણ મારો અહમ, બેતાબ થઇ ગયો.

કદર કરવામાં કસર નથી બાકી રાખી, છતાં-
ખીંટી ઉપર ટીંગાડેલો, હું ખિતાબ થઇ ગયો.

લાગણીઓના જોમમાં જ ‘મનુજ’ એવું તે શું હશે?
દિલના દરિયાની હલચલનો, સૈલાબ થઇ ગયો.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૨૦/૨૦૨૪

January 6th 2024

વસવસો

ન તમારો થૈને રહી શક્યો, ન તો હું જ મારો થઇ શક્યો.
ઉડતો રહ્યો આકાશમાં,પણ, ન તો હું સિતારો થઇ શક્યો.

એને કાજ મેં શું નથી કર્યું, ન તો મેં કશું ય બાકી રાખ્યું,
કહેતામાં હું દરિયો બન્યો,પણ, છતાં ન ખારો થઇ શક્યો.

એમના રસ્તાઓ વિષમ હતા, એમનું ભ્રમણ વસમું હતું,
ન પરબ,મકામ, ન બહાર,ચમન,ન તો હું સહારો થઇ શક્યો,

સમંદરના નીરમાં ડૂબતી, એમની પુકાર સુણી, છતાં-
પતવાર સજેલી નાવ થઇ, ન તો હું કિનારો થઇ શક્યો.

પળભરને માટે ઘડી મળી, ઘડીને જોવા ના પળ મળી,
શું થયું એવું મને કે હું, ન ખરાબ ન સારો થઇ શક્યો.

એમને શિશિરમાં જોયા’તા, થરથરતા ને ધ્રુજતા, ને-
ગરમીમાં ઉપર ચઢે એવો, ન હુંફાળો પારો થઇ શક્યો.

ન કહ્યું, એ રાહ ભૂલી ગયા, ન કરી ફરિયાદ અંધકારની,
દીવડો સળગાવી શિર ઉપર, ના ‘મનુજ’ મિનારો થઇ શક્યો.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૦૩/૨૦૨૪
( માત્રામેળ છંદ: એક પંક્તિમાં 16 + 16 માત્રા)