પુનર્જન્મ !
II મૃત્યુ II
ત્સુનામી ઓ ત્સુનામી !
અનેક્ને કર્યા અનામી !
તારી ગોદે લીધા કેટલાં, પોટલાં મૃત્યુના,
ગણતા થાકી જવાય એટલા, ઓટલા મૃત્યુના!
પેઢી ઉપર પેઢીને તેં ગાયબ કરી દીધી,
આજીવિકાની નૌકાઓને નાબુદ કરી દીધી,
ટાપુ ઉપર પાણી ફેરવી નકશો બદલી નાંખ્યો,
જળ તળેથી ભૂમિ કાઢી, રસ્તો કોરી કાઢ્યો,
કોની સાથે કરવા બેઠા, વેપલા મૃત્યુના !
II જીવન II
ત્સુનામી ઓ ત્સુનામી !
જિર્ણોધ્ધારને સલામી !
ભલે કર્યો તેં કે’ર પણ, વસી રહી છે ઝિંદગી,
સહુની અથાક care બાદ, પાછી વળી છે ઝિંદગી !
કણ કણ તો થઈ એકત્ર, વિશાળ રૂપને ધારે,
મણ મણના આ સંગથન, ધૂપમાં છાંવ લાવે,
બણબણતા એ જ્વર સમસ્ત, દૂમ દબાવી ભાગે,
ગણગણતા સહુ સ્નેહ-ભ્રમર, સહકારને વધારે,
દેશથી પરદેશથી, આવી રહી છે, ઝિંદગી !
‘મનુજ’ હ્યુસ્તોનવી
લ.તા.- જાન્યુઆરી ૧૧, ૨૦૦૫
પ્ર. તા.- ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૪
( ઘણા સમય પહેલાં, ઇન્ડોનેશિયામાં આવેલા ત્સુનામી બાદ લખાયેલી આ રચનાએ આખરે શબ્દ દેહે web જગતમાં અવતરણ કર્યું, તેનો આનંદ વ્યક્ત કરી ને વિરમું છું )