February 12th 2014

અરે અરે…!

ચાંદમાં પણ ડાઘ છે, અરે અરે!
વ્યર્થ તું ચિંતા કરે, અરે અરે!

અધર ચાંપી અધર પર ચુમી ભરી,
વાદળીએ ચાંદને, અરે અરે!

મશ્કરાને શિર વિરોધ નંધાવ્યો,
હાઇ હિલના સેંડલે, અરે અરે!

ના ગમ્યુંતો એમણે ચઢાવિયો,
ધ્વજ બનાવી વાંસડે, અરે અરે!

રાઇ, કોકમ, કાચલી નથી, છતાં-
દાળમાં કૈં કાળું છે, અરે અરે!

ઘાવ જાણે કેટલા પડ્યા હશે,
વાતમાં શું દરદ છે, અરે અરે!

ભ્રમર શું ચંપા તરફ જરા હસ્યો-
બાગમાં અફવા ઉડે, અરે અરે!

હા, બિલાડીએ જણ્યા ગલૂડિયાં,
ગામમાં પંચાત છે, અરે અરે!

એક દી’ જાવાનું છે ‘મનુજ’,કિન્તુ-
લાકડા આજે વિણે, અરે અરે!

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૧૧/૨૦૧૪
(છંદ રચનાઃ ગાલગા ગાગાલગા લગાલગા)