January 2nd 2015

માંગણી

આદત આ કેવી પડી છે ગજબની, કરો માંગણીને હું આપું છું તમને.

કાપી લીધા હાથ મારા તમે ને, છતાં હાથ માંગ્યો, હું આપું છું તમને.
.

આકાશે ઉંચા ચઢાવ્યા તમોને, અપાવ્યા સિતારા ને ચંદ્ર તમોને,

સાગર ખુંદાવ્યા જગતના બધાય, અપાવ્યા પરવાળાં ને મોતી બધા ય

ખાધું પીધું રાજ કીધું અમારું, હવે જાન માંગ્યો, હું આપું છું તમને.
.

પોતાનો માની મને જાણતા’તા, પછી પારકો હું અચાનક થયો’તો,

સરકાવ્યો મુજને બદનથી તમારા, સરપ કાંચળી ને તજે એમ મુજને,

સગપણના સાચા ત્રિભેટે મળ્યા છો, ફરી સાથ માંગ્યો, હું આપું છું તમને.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૦૧/૨૦૧૫

( અને એક કવિતાને ઈસુના નવા વર્ષે સુંદર આકાર મળી ગયો.)