ના, નથી કરી…!
સાવિત્રીનો પતિ, અમરત મોટા દવાખાનાના ખાટલે પડ્યો હતો. એમ જ કહો ને કે એ તો ‘ભુંગળીઓનો સ્વામી થઈ ગયો છે, મારો નહીં.’ એવું સાવિત્રીને લાગતું હતું. જ્યાં જુઓ ત્યાંથી, એના શરીરમાં ભુંગળીઓ જ ભુંગળીઓ નાખેલી હતી. ડોક્ટરોએ પણ એના જીવવાની આશા છોડી દેવા સલાહ આપી હતી. એને કહેવામાં આવ્યું હતું કે ‘ અમરતનું તો મગજ જ મરી ગયું છે.’
હજુ હમણાં જ એ દવાખાને આવી હતી ને અચાનાક એણે અમરતના રૂમમાં ઉચાટ ભરી ચહેલ પહેલ અનુભવી. જાત જાતની સિસોટીઓના અવાજો વચ્ચે ડોક્ટરો, નર્સો તથા અન્ય લોકોની આવન જાવન વધી. હજુ હમણાં જ વેઈટીંગ રુમમાંથી ધસી આવેલા એના સસરા અને જેઠે, એને વેઈટીંગ રુમમાં જઈ રાહ જોવા માટે કહ્યું. એના જીવમાં ફરી ધ્રાસકો પડ્યો. અને એ ધીમા પગલે વેઇટીંગ રુમમાં ગઈ. એને લાગ્યું કે એનું હ્ર્દય જ બેસી ગયું હતું. મન સુન્ન થઈ ગયું હતું. અને, એવો જ સુનકાર પછી અમરતના રુમમાં પણ છવાઈ ગયો. ડોક્ટરો, નર્સો, ને પછી તો બધા જ રુમમાંથી નિકળી ગયા અને પોત પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા.
બે ડોક્ટરો, નર્સ, એના અમરતના બાપા અને એનો જેઠ વાતો કરતા કરતા વેઈટીંગ રુમમાં આવ્યા. અને એને જેની દહેશત હતી તે જ વાત ફરી પાછી નિકળી. સહુના કહેવા પ્રમાણે હવે તો ‘ભુંગળીઓ પાછી કાઢી લેવી જોઈએ..’ એવું કાંઈક… કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો અને એ અંગેની રજા લેવા માટે જ આ બધા એની પાસે આવ્યા હતા. એને ખબર હતી કે એનું પરિણામ શું આવશે. એણે હ્રદય પર પથરો મૂકી દીધો અને આંખોએ એનું કામ કરી દીધું. બધા જ રુમમાંથી બહાર ગયા અને એને ખાત્રી થઈ ગઈ કે અમરતની અને એની પોતની પણ જીંદગી હવે એના હાથ માંથી બહાર નિકળી ગઈ હતી.
અને એમ જ થયું. એક કલાકમાં જ તો બધું પતી ગયું. એને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે એણે બધાને એની ચુડીઓના ટૂકડા બતાવી દીધા. એટલામાં, હાલની સર્વ પરિસ્થીતિથી અજાણ એવાં, એના સાસુમા, ધરમકુંવરબાએ વેઈટીંગ રુમમાં પ્રવેશ કર્યો. એની બાજુમાં બેસતાં પ્રેમથી બોલ્યાં, ‘જો ને આ આવતા થોડું મોડું થઈ ગયું. આ અમરતે પેલું નવું કબાટ બનાવડાવ્યું હતું ને…એ મૂકવા ગોપાળ આવ્યો હતો. પણ અલી, આ રઘવાટમાં તને પૂછવાનું તો ભૂલી જ ગઈ કે આ આજે કડવા ચોથ છે, તે તેં કરી છે ને?
રોકાયેલા આંસુ ફરી ધસી આવ્યાં, એ ફક્ત એટલું જ બોલી શકી, ‘ ના, નથી કરી…!
—— **********—— ૧૨/૨૨/૨૦૧૩