February 27th 2020

રેતમાં કુંપળ ખિલી નથી…

ખોયેલ મારી જિંદગી મુજ ને જડી નથી.
મરવા મને ફુરસત હજી સહેજે મળી નથી.

કરતા રહ્યા સીતમ અને જીવાડતાં રહ્યાં,
દિલમાં દુઆની પણ કમી જોવા મળી નથી.

રાખી હતી ખ્વાહિશ અમે, ઉપવન બનાવવા,
રણની કિન્તુ આ રેતમાં, કુંપળ ખિલી નથી.

રસતા ભલે છૂટા પડ્યા, આગળ મળી ગયા,
પણ, તું પડી છૂટી છતાં, આવી મળી નથી.

આંખો મહિં અંગાર છે, દિલમાં બધે પત્થર,
લાવા સમી આવી કૃતિ, જગમાં જડી નથી.

એના મરણની આ સભા ને એ સૂતો હતો,
ખુદની પ્રશસ્તિ આટલી કદી ય સુણી નથી.

જ્યારે ગયા છો આપ મુજ દુનિયા તજી, પુષ્પો !
તકદીર પરની પાંદડી, બિલકુલ ખસી નથી.

એવો હતો રાજા સ્વયં, સોનું બની ગયો,
એને હજુ માણસ થવા, યુક્તિ મળી નથી.

દરપણ મહી હું આટલું કો’ને જોવા મથ્યો,
ઓળખ મળી નથી અને છાયા ખસી નથી.

આવો નહીં તો આવવા કોશિશ કરી જુઓ,
સંગના ઉમંગની ઈચ્છા, ઓછી થઈ નથી

બે વાત યાદ રહી જશે, આખા જીવન સુધી,
સીડી ચઢી ગઈ ખરી , પણ પાછી વળી નથી.

આ મંડપ ને પિયરિયાઓ, આંસુ બની ગયા,
ડોલી ‘મનુજ’ એમાં વહી, પાછી ફરી નથી.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૨૭/૨૦૨૦

February 27th 2020

પંક્તિમાં હજુ અડધો લખાયો છુ.

નજર એ છો બધે ભટકે, હું કાજળ થઈ સમાયો છું.
હ્રદયના એ લહૂની હું બની લાલી છુપાયો છું.

સિતમ સહેવા હવે તો બસ મને આદત પડી ગઈ છે,
સમય પજવી ગયો છે, ને હવે મુજ થી મુંઝાયો છુ.

ખતમ થઈ જિંદગાની એમના બસ એક જ બોલ પર,
પછી બીજા વધુ સુણવા, હવે જીવતો રખાયો છું.

નિરાશા ખુદ હવે આશા વિના ફફડી રહી છે, ત્યાં-
બનીને આહ એક ડૂસકાં મહીંથી હું વિલાયો છુ.

મનાવાને ઘણાએ આવિયા ને હાથ ધોવાયા,
કરૂં હું કેમ કરી વાકિફ કે હું ખુદ થી રીસાયો છું.

ચમનમાં આટલી મસ્તી અને કલશોર આ, શાનો?
ખયાલ આવ્યો પછી કે હું બની વસંત વધાયો છું.

ચગેલો હું ગગનમાં ખૂબ ઊંચે ઊંચા મસ્તકે,
કપાયો તો ખજાનામાં કૃપણને ઘર લવાયો છું.

સહારો છોડતાં છુટશે તમારો સાથ અને મંઝિલ,
કલમથી એક પંક્તિમાં હજુ અડધો લખાયો છુ.

ઠરેલી આગને ભડકાવતાં પહેલા તમે, સમજો,
વળેલી રાખ છું એ જ્ઞાત છે, તો પણ સચવાયો છું

હજુ હમણાં જ મેં જાણ્યું , ખૂટે છે આપના શ્વાસો,
દિશામાં હું તમારી થઈ પવન, ધસમસ ફૂંકાયો છુ.

દશા મારી સમજવી હોય તો સમજો, કહે ‘મનુજ’
ભરેલો જામ છું, ખાલી થતાં પાછો ભરાયો છું.

“મનુજ” હ્યુસ્તોનવી
૦૨/૦૨/૨૦૨૦

February 27th 2020

જિંદગી (નજમ)

કેવું જીવન છે, ગમે કે ના ગમે, સેહવાનું.
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

જિંદગી ચાર દિવસની તો હજુ બાકી છે,
હર ઘડી એક પ્રહર જેવી મને લાગી છે,
એક એવો હું કૃપણ છું કે તારી યાદોને,
સાચવીને જ ખરચવાની ઘડી પાકી છે,
કેવી ધડકન છે કહે છે નથી ધડકવાનું,
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

જિંદગી છે અધૂરી બસ હવે અધૂરી સહી,
માટી છે, ચાકડો છે ને કુંભકારી છે,
કાચની બનવા જશે જ્યારે એ જે પળે,
માવજતમાં નજાકત પણ ભળે જરૂરી સહી
કેવું વાસણ છે પડ્યું તો ય નથી ખખડવાનું,
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

જિંદગી ખુદ કરે નર્તન અને નચાવે છે,
કઠપુતળિયો બની હસાવે છે, રડાવે છે,
આપીને ખભો ઉપર ચઢવા કરે ઇશારો,ને-
ઉપર ચઢ્યા પછી પડો તો ફરી ઉઠાવે છે,
કેવું ઘેટું છે સિંહની ખાલમાં, ગરજવાનું
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૭/૨૨/૨૦૧૮

February 27th 2020

નાવની હિંમત વધી ગઈ

ખુશ્બુ ભળી તો ફૂલની કિંમત વધી ગઈ.
સાહિલને જોઈ નાવની હીંમત વધી ગઈ.

પાણી મળ્યું, પ્રકાશ મળ્યો, દુરસ્ત માટીમાં,
તાજા બિયારણની પછી બરકત વધી ગઈ.

ખોટો હતો, ખખડ્યો ઘણો, રૂપિયો જહાનમાં,
હાથોમાં પરખાયો પછી, હુજ્જત વધી ગઈ.(તકરાર)

અહિં બાગમાં કંઈ કેટલા ફૂલો જમા થયા,
ને, ભ્રમરની ચાલમાં પછી રંગત વધી ગઈ.

સેવા વિના ન મેવા મળે, એવું સાંભળી,
જે રાહમાં મળે એની ખિદમત વધી ગઈ.

જીવતો હતો ત્યારે કશી કિંમત હતી નહીં,
પણ, હું ખર્યો ગગનથી ને મન્નત વધી ગઈ.

ઝરણું વહે છે દીલથી આંખોની તરફ,
પાંપણમાં કૈદ થયું, અને સિદ્દત વધી ગઈ.(પ્રતિષ્ઠા)

વિનય ભર્યો વિશ્વાસ એણે શ્વાસમાં ભર્યો,
મુર્દા જીવનમાં જિવવાની સવલત વધી ગઈ.

મિલન થયું ને સોનામાં ભળી ગઈ સુગંધ,
ભળતા વફા, ‘મનુજ’ની મિલ્કત વધી ગઈ.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૬/૨૦/૨૦૧૮

February 27th 2020

બધા

જગમાં બધા ભલા નથી, બૂરા બધા નથી,
જીવતાં ન આવડે છતાં, મરતાં બધા નથી.

ન્યાયાલયોમાં લોકો સાચું કહે છે, પણ-
સોગંદ લઈને બોલતા, સાચા બધા નથી.

થાક્યો હું તમને શોધી ત્યારે મને થયું,
રસ્તા છૂટા પડે, પણ, મળતા બધા નથી.

ઠોકર જો ખાધી પ્યારમાં, આંસુ વહે છે , પણ-
આંખોમાં આંસું હોય, તે રડતા બધા નથી.

વૃક્ષો બધા ઉભા રહે, ઉન્નત કરી મસ્તક,
તૂફાનમાં ઝુકે, છતાં, પડતા બધા નથી.

અવકાશમાં જુઓ ભલે, ઇચ્છા કરી ઘણી,
તારા ભલે જુએ બધું, ખરતા બધા નથી.

બૂરા કરમ કરી પછી, ટાઢા થતાં બધા,
પશ્ચાતાપની આગમાં બળતા બધા નથી.

કે’વત ફક્ત કે’વત રહે,, માનો યા ન માનો,
કરડે કદી એ કૂતરાં, (જે) ભસતાં બધા નથી.

મૂછે ભલે એ તાવ દે, રાખી ભલે બંદુક,
ડાકુ કરે દે’કારો તો, ધસતાં બધા નથી.

પામે ઘણું જિવનમાં ને મળતું રહે અઢળક-
દેતા રહે સઘળું છતાં, ખોતા બધા નથી.

જોવાને સ્વપ્ન અય ‘મનુજ’ સુવું પડે છે, પણ-
દિવસે જુએ જે સ્વપ્નો, સૂતા બધા નથી.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૦૯/૨૦૧૮

February 27th 2020

ના મારે છેડો ફાડવો નથી…

(હજુ હમણાં બે દિવસ પહેલાં જ ‘બેઠક’ નોએક આર્ટીકલ જોયો અને ટાઈટલ ગમી ગયું અને પછી એક સુંદર મૌલિક રચના રચાઈ ગઈ. )

ના મારે છેડો ફાડવો નથી.
ના અહિં કે ત્યાં લાડવો નથી.

આ ખભે કે ખગે બહુ ચઢી લીધું,
એ લ્હાવો, હવે માણવો નથી.

તમ કો’ તો બાપા, સેંથો પુરું,
ખેતરમાં ભાગ પાડવો નથી.

ઘરનો છોરો શાને ઘંટી ચાટે?
માસ્તરને લોટ આપવો નથી.

બા’ર નફરતની ગંદકી કેટલી,
કચરો એ ઘરમાં લાવવો નથી.

આવે યાદ સનમ કે વતનની ધૂળ,
ભવિષ્યમાં ઇતિહાસ લાવવો નથી.

ટીપે ટીપે સરોવર ભરાય, એ-
ખબર છે, પણ, ભૂંડ-ભોટવો નથી.

વારંવાર પડ્યો છું, એટલે, ‘મનુજ’-
અંધારામાં ખાડો ખોદવો નથી.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૨/૦૪/૨૦૧૭
શબ્દાર્થઃ ભૂંડ ભોટવો= Piggy Bank
(આ છેડો… કેમ ફાટતો હોય છે, અહીં કેટલાક કારણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.)

February 27th 2020

परवरदिगार!

अपनी किस्मत से मांगा जो पाया नहीं।
हाथ हजारों है पर कुछ दे पाया नहीं।

पहले तू मुझमें ही बीलकुल रेहता था,
अब मेरी तू छडी नहीं, हम साया नहीं ।

धागों से बांधे फूलों के ठिक पीछे से,
तुझको साफ नज़र कुछ भी आता नहीं।

सजदे ऐसे उठानेकी आदत क्या हूई,
बनके पत्थर बैठा तू ऊठ पाता नहीं।

गलती किसकी है, माफी मिलेगी नहीं,
मैं तेरे दर पे, तू मेरे दर आया नहीं।

कुछ सुना था कभी कोई कथाओं में,
तू ऐसा कि तेरा कहीं कोई साया नहीं।

मन्नतें मांग कर, फूल हाथों में लिये,
राह देखी बहुत पर तू आया नहीं।

डोली कांधों पे थी, पर मना कर दीया,
फिर ना केहना तुम्हें कोई लाया नहीं।

तोडे इतने है दील तुने, मेरे खुदा-
शहर में कोई खाली मयखाना नहीं।

साथ आये है, साथ ही है, फिर भी क्युं?
अपनों की मेह्फिल में अपना सा नही।

तेरी नज़र ने हम को ऐसे बांधा है ,
अब मै अपनी नज़र से देख पाता नहीं

धागों ताविजों के उलझे ये चक्कर में,
बंधा क्या ‘मनुज’ बस खुल पाता नहीं।

क्या ‘मनुज’ ये सीला खत्म होगा कभी?
जाम खाली कोई अब छलकाता नहीं।

‘मनुज’ ह्युस्तोनवी
०४/१७/२०१७