February 27th 2020

રેતમાં કુંપળ ખિલી નથી…

ખોયેલ મારી જિંદગી મુજ ને જડી નથી.
મરવા મને ફુરસત હજી સહેજે મળી નથી.

કરતા રહ્યા સીતમ અને જીવાડતાં રહ્યાં,
દિલમાં દુઆની પણ કમી જોવા મળી નથી.

રાખી હતી ખ્વાહિશ અમે, ઉપવન બનાવવા,
રણની કિન્તુ આ રેતમાં, કુંપળ ખિલી નથી.

રસતા ભલે છૂટા પડ્યા, આગળ મળી ગયા,
પણ, તું પડી છૂટી છતાં, આવી મળી નથી.

આંખો મહિં અંગાર છે, દિલમાં બધે પત્થર,
લાવા સમી આવી કૃતિ, જગમાં જડી નથી.

એના મરણની આ સભા ને એ સૂતો હતો,
ખુદની પ્રશસ્તિ આટલી કદી ય સુણી નથી.

જ્યારે ગયા છો આપ મુજ દુનિયા તજી, પુષ્પો !
તકદીર પરની પાંદડી, બિલકુલ ખસી નથી.

એવો હતો રાજા સ્વયં, સોનું બની ગયો,
એને હજુ માણસ થવા, યુક્તિ મળી નથી.

દરપણ મહી હું આટલું કો’ને જોવા મથ્યો,
ઓળખ મળી નથી અને છાયા ખસી નથી.

આવો નહીં તો આવવા કોશિશ કરી જુઓ,
સંગના ઉમંગની ઈચ્છા, ઓછી થઈ નથી

બે વાત યાદ રહી જશે, આખા જીવન સુધી,
સીડી ચઢી ગઈ ખરી , પણ પાછી વળી નથી.

આ મંડપ ને પિયરિયાઓ, આંસુ બની ગયા,
ડોલી ‘મનુજ’ એમાં વહી, પાછી ફરી નથી.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૨૭/૨૦૨૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment