February 18th 2014

મા સરસ્વતી વંદના

ઓ મા સરસ્વતી તું મને જ્ઞાન દે!

તારી ભક્તિનાં વરદાન દે!———-

ધારે વિણા, માળા, પુસ્તક તું,

પદ્મ આસન પર આરૂઢે તું,

ઓ મા તારા શરણમાં સ્થાન દે!

તારી ભક્તિનાં વરદાન દે!

ઓ મા સરસ્વતી તું મને જ્ઞાન દે!———-

અજ્ઞાનનાં તું તિમીર વિદારે,

જ્ઞાન વિજ્ઞાનનાં ઓજસ ફેલાવે,

ઓ મા મને સુબુધ્ધિ ભાન દે!

તારી ભક્તિનાં વરદાન દે!

ઓ મા સરસ્વતી તું મને જ્ઞાન દે!———-

– ‘મનુજ’ હ્યુસ્તોનવી

૦૫/૧૬/૨૦૦૩

– અને એક પ્રાર્થના થોડા સમય પહેલા રચી હતી, જે આજે જગતને અર્પણ…!

October 6th 2007

સરસ્વતી વંદના

હે કૃપાનીધિ મા સરસ્વતી, ચરણોમાં તારા નમું સદા,
શ્રદ્ધાના પુષ્પો કરે ધરી, શરણે હું તારા રહું સદા.

તુજ હાથમાં વીણા વસે, પુસ્તક, સ્ફટિક માળા મળે,
પધ્માસને તું આરૂઢે, સમીપે મયૂર કેકા કરે,
તું છે શુભ્રવસ્ત્ર વિભુષિણી, દર્શન હું તારા કરું સદા.

તુજ આંખ અમી વર્ષા કરે, આશિષ જ્ઞાન દીવા કરે,
સંજ્ઞાનું જ્ઞાન તું જ દે, પ્રજ્ઞાનું દાન તું જ દે,
અજ્ઞાનનો કૂપ પરહરી, તુજ જ્ઞાન સિંધુ તરું હું સદા.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૨૯/૨૦૦૩