January 30th 2024

તમને ફરી મળવાને

આ કેવી ઘડી આવી, તમને ફરી મળવાને.
આંખોમાં આંસુ લાવી, તમને ફરી મળવાને.

જેટલી મળી ઉર્મિઓ, એટલા મળ્યા ઉમંગો,
સજતા રહ્યા એ સ્વપ્નો, અંગો ને મળે અંગો,
શ્રદ્ધા એ પ્યાસ લાવી, તમને ફરી મળવાને.

સાગરના નીર ટપકે, એના બદનથી નિતરી,
તનનો ઉન્માદ છલકે, વદનના વળાંક ચિતરી,
તક એ ફરીથી આવી, તમને ફરી મળવાને.

કે’વાને તો ઘણું હતું, પણ, એ નથી કે’વાયુ,
ઘણું આપવાનું પણ હતું, દિલ પણ નથી દેવાયું,
માંગુ છું એક પળ, છતાં, તમને ફરી મળવાને.

તમે હમસફર હતા કદિ, તમે હમનવા હતા કદિ,
પલકોમાં જો વસ્યા કદિ, ધડકનમાં ય ધડક્યા કદિ,
તમે મારા થઇ ને આવો, તમને ફરી મળવાને.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૨૩/૨૦૨૪

(થોડા સમયના અરસા બાદ એક કવિતાની
રચના થઈ ગઈ)

February 27th 2020

પંક્તિમાં હજુ અડધો લખાયો છુ.

નજર એ છો બધે ભટકે, હું કાજળ થઈ સમાયો છું.
હ્રદયના એ લહૂની હું બની લાલી છુપાયો છું.

સિતમ સહેવા હવે તો બસ મને આદત પડી ગઈ છે,
સમય પજવી ગયો છે, ને હવે મુજ થી મુંઝાયો છુ.

ખતમ થઈ જિંદગાની એમના બસ એક જ બોલ પર,
પછી બીજા વધુ સુણવા, હવે જીવતો રખાયો છું.

નિરાશા ખુદ હવે આશા વિના ફફડી રહી છે, ત્યાં-
બનીને આહ એક ડૂસકાં મહીંથી હું વિલાયો છુ.

મનાવાને ઘણાએ આવિયા ને હાથ ધોવાયા,
કરૂં હું કેમ કરી વાકિફ કે હું ખુદ થી રીસાયો છું.

ચમનમાં આટલી મસ્તી અને કલશોર આ, શાનો?
ખયાલ આવ્યો પછી કે હું બની વસંત વધાયો છું.

ચગેલો હું ગગનમાં ખૂબ ઊંચે ઊંચા મસ્તકે,
કપાયો તો ખજાનામાં કૃપણને ઘર લવાયો છું.

સહારો છોડતાં છુટશે તમારો સાથ અને મંઝિલ,
કલમથી એક પંક્તિમાં હજુ અડધો લખાયો છુ.

ઠરેલી આગને ભડકાવતાં પહેલા તમે, સમજો,
વળેલી રાખ છું એ જ્ઞાત છે, તો પણ સચવાયો છું

હજુ હમણાં જ મેં જાણ્યું , ખૂટે છે આપના શ્વાસો,
દિશામાં હું તમારી થઈ પવન, ધસમસ ફૂંકાયો છુ.

દશા મારી સમજવી હોય તો સમજો, કહે ‘મનુજ’
ભરેલો જામ છું, ખાલી થતાં પાછો ભરાયો છું.

“મનુજ” હ્યુસ્તોનવી
૦૨/૦૨/૨૦૨૦

February 27th 2020

જિંદગી (નજમ)

કેવું જીવન છે, ગમે કે ના ગમે, સેહવાનું.
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

જિંદગી ચાર દિવસની તો હજુ બાકી છે,
હર ઘડી એક પ્રહર જેવી મને લાગી છે,
એક એવો હું કૃપણ છું કે તારી યાદોને,
સાચવીને જ ખરચવાની ઘડી પાકી છે,
કેવી ધડકન છે કહે છે નથી ધડકવાનું,
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

જિંદગી છે અધૂરી બસ હવે અધૂરી સહી,
માટી છે, ચાકડો છે ને કુંભકારી છે,
કાચની બનવા જશે જ્યારે એ જે પળે,
માવજતમાં નજાકત પણ ભળે જરૂરી સહી
કેવું વાસણ છે પડ્યું તો ય નથી ખખડવાનું,
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

જિંદગી ખુદ કરે નર્તન અને નચાવે છે,
કઠપુતળિયો બની હસાવે છે, રડાવે છે,
આપીને ખભો ઉપર ચઢવા કરે ઇશારો,ને-
ઉપર ચઢ્યા પછી પડો તો ફરી ઉઠાવે છે,
કેવું ઘેટું છે સિંહની ખાલમાં, ગરજવાનું
નથી અહિં કે નથી ત્યાં ય હવે રેહવાનું.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૭/૨૨/૨૦૧૮

February 27th 2020

નાવની હિંમત વધી ગઈ

ખુશ્બુ ભળી તો ફૂલની કિંમત વધી ગઈ.
સાહિલને જોઈ નાવની હીંમત વધી ગઈ.

પાણી મળ્યું, પ્રકાશ મળ્યો, દુરસ્ત માટીમાં,
તાજા બિયારણની પછી બરકત વધી ગઈ.

ખોટો હતો, ખખડ્યો ઘણો, રૂપિયો જહાનમાં,
હાથોમાં પરખાયો પછી, હુજ્જત વધી ગઈ.(તકરાર)

અહિં બાગમાં કંઈ કેટલા ફૂલો જમા થયા,
ને, ભ્રમરની ચાલમાં પછી રંગત વધી ગઈ.

સેવા વિના ન મેવા મળે, એવું સાંભળી,
જે રાહમાં મળે એની ખિદમત વધી ગઈ.

જીવતો હતો ત્યારે કશી કિંમત હતી નહીં,
પણ, હું ખર્યો ગગનથી ને મન્નત વધી ગઈ.

ઝરણું વહે છે દીલથી આંખોની તરફ,
પાંપણમાં કૈદ થયું, અને સિદ્દત વધી ગઈ.(પ્રતિષ્ઠા)

વિનય ભર્યો વિશ્વાસ એણે શ્વાસમાં ભર્યો,
મુર્દા જીવનમાં જિવવાની સવલત વધી ગઈ.

મિલન થયું ને સોનામાં ભળી ગઈ સુગંધ,
ભળતા વફા, ‘મનુજ’ની મિલ્કત વધી ગઈ.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૬/૨૦/૨૦૧૮

February 27th 2020

બધા

જગમાં બધા ભલા નથી, બૂરા બધા નથી,
જીવતાં ન આવડે છતાં, મરતાં બધા નથી.

ન્યાયાલયોમાં લોકો સાચું કહે છે, પણ-
સોગંદ લઈને બોલતા, સાચા બધા નથી.

થાક્યો હું તમને શોધી ત્યારે મને થયું,
રસ્તા છૂટા પડે, પણ, મળતા બધા નથી.

ઠોકર જો ખાધી પ્યારમાં, આંસુ વહે છે , પણ-
આંખોમાં આંસું હોય, તે રડતા બધા નથી.

વૃક્ષો બધા ઉભા રહે, ઉન્નત કરી મસ્તક,
તૂફાનમાં ઝુકે, છતાં, પડતા બધા નથી.

અવકાશમાં જુઓ ભલે, ઇચ્છા કરી ઘણી,
તારા ભલે જુએ બધું, ખરતા બધા નથી.

બૂરા કરમ કરી પછી, ટાઢા થતાં બધા,
પશ્ચાતાપની આગમાં બળતા બધા નથી.

કે’વત ફક્ત કે’વત રહે,, માનો યા ન માનો,
કરડે કદી એ કૂતરાં, (જે) ભસતાં બધા નથી.

મૂછે ભલે એ તાવ દે, રાખી ભલે બંદુક,
ડાકુ કરે દે’કારો તો, ધસતાં બધા નથી.

પામે ઘણું જિવનમાં ને મળતું રહે અઢળક-
દેતા રહે સઘળું છતાં, ખોતા બધા નથી.

જોવાને સ્વપ્ન અય ‘મનુજ’ સુવું પડે છે, પણ-
દિવસે જુએ જે સ્વપ્નો, સૂતા બધા નથી.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૦૯/૨૦૧૮

April 18th 2017

ક્ષણ

તમે માનો, જો પળ છે, દૂર-સુદૂર,
આ જીવન,પણ છે, મોતથી સુમધૂર.

જુઓ, અટકળ કરે, મન જીવવાને,
પાઈ લપસ્યા કરે, રુપિયો બનવાને,
ધૂળ રજકણ બને, ઉંચે ઊડવાને,
બીજ વળગણ કરે, વૃક્ષ બનવાને,
ભ્રમર ચાહે વન ઉપવન ભમવાને,
ચન્દ્ર ભટકે ગગન ઉજળો થાવાને,
ક્રિયા ઝાઝી પણ કર્તા છે ક્ષણભંગૂર,
આ જીવન, પણ છે, મોતથી સુમધૂર.

પળનો શ્વાસ જુઓ, અવિશ્વાસ જુઓ,
પળનું અંતર જુઓ કે વૃધ્ધિ જુઓ,
પળનું માપ જુઓ યા વજન જુઓ,
પળનાં રાગ જુઓ અથવા રંગ જુઓ,
પળનાં વેણ સૂણો, શ્રવણનું ઝેર જુઓ,
પળની ખ્યાતિ જુઓ, અધોગતિ જુઓ,
ભાસ, આભાસનો આ કેવો મગરૂર!
આ જીવન, પણ છે, મોતથી સુમધૂર

તમે માનો, જો પળ છે, દૂર-સુદૂર,
આ જીવન,પણ છે, મોતથી સુમધૂર.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૪/૦૮/૨૦૧૭
(અમારા અંતરંગ મિત્રો, શ્રીમતિ સ્મિતાબેન
અને નિશીથભાઇ વસાવડાએ તા. ૦૪/૧૫/૨૦૧૭
ના રોજ, એમના નિવાસસ્થાને રાખેલા એક
મિલન સમારંભમાં, હું કાંઈક- ‘ઝિંદગી’
વિષય પર- બોલું એવી ઇચ્છા દર્શાવી હતી.
અને, એક સુંદર નઝમ ની રચના થઈ ગઈ.)

April 5th 2016

કરુણ પ્રશસ્તિ

કાગળના કોડિયાનો દીવો પધરાવીને પાણીથી વાત કરી લીધી,
આંખોના આંસુએ પાંપણની ના છતાં, હેલી મુષળધાર કરી લીધી.

શૈશવના સોણલા રમકડામાં સાચવીને
રાખ્યા’તા ઉપર માળિયામાં શાચવીને
ચાન્દનીની ચાદર્માં પાડેલા ડાઘ જોઈ
ઝાકળથી ભાત ભરી લીધી…….. કાગળના કોડિયાનો

યૌવન ઘેન ઘોળયાં, આંખોનાં ઝરુખામાં
પીધા પીવડાવ્યાં, ઝુલ્ફની ધૂપ છાંવમાં
કામ રૂપી અગ્નિએ, રૂ ની એ ગાંસડી,
ધબકતી નવજાત કરી લીધી…….. કાગળના કોડિયામાં

ફૂટ્કળિયા મિંઢળ, મોતી શાં ટૂટ્યાં, પળમાં,
સંબંધો ડુસકે ચઢી પાછા વળ્યાં, પળમાં
યાદોને ફૂલ સમજી, સમયની દોરડીમાં
પરોવીને હાર કરી લીધી………

કાગળના કોડિયાનો દીવો પધરાવીને પાણીથી વાત કરી લીધી,
આંખોના આંસુએ પાંપણની ના છતાં, હેલી મુષળધાર કરી લીધી.

‘મનુજ’ હ્યુસ્તોનવી – ૦૭/૨૪/૨૦૦૩

September 12th 2010

કુંપળ ખીલી નથી

ખોયેલ મારી જિંદગી, મુજને જડી નથી.
મરવા મને ફૂરસત હજી સહેજે મળી નથી.

કરતા રહ્યા સીતમ અને જીવાડતા રહ્યાં,
દિલમાં દુઆની પણ કમી, જોવા મળી નથી.

રાખી હતી ખ્વાહિશ અમે, ઉપવન બનાવવા,
રણની કિન્તુ આ રેતમાં, કુંપળ ખિલી નથી.

આંખો મહીં અંગાર છે, દિલમાં બધે પત્થર,
લાવા સમી આવી કૃતિ, જગમાં જડી નથી.

એના મરણની આ સભા ને એ સુતો હતો,
ખુદની પ્રશસ્તિ આટલી, ક્યારે સુણી નથી.

કેવો હતો રાજા સ્વયં, સોનું બની ગયો,
એને હજુ માણસ થવા, યુક્તિ મળી નથી.

જ્યારે ગયા છો આપ મુજ દુનિયા તજી,પુષ્પો!
તકદીર પરની પાંદડી, બિલકુલ ખસી નથી.

જોવા મથ્યો દરપણ મહીં, કોને હું આટલું,
વરસો થયા ઊભો જ છું, છાયા મળી નથી.

બે વાત યાદ રહી જશે, આખા જિવન સુધી,
સીડી ઉપર તું ચઢી ખરી, પાછી વળી નથી.

રસતા ભલે છૂટા પડ્યા, આગળ મળી ગયા,
પણ, તું પડી છૂટી છતાં, આવી મળી નથી.

આવો નહીં તો આવવા, કોશિશ કરી જુઓ,
સંગનાં ઉમંગની શ્રદ્ધા, ઓછી થઈ નથી.

આ માંડવો ને પિયરિયા, આંસુ બની ગયા,
ડોલી ‘મનુજ’ એમાં વહી, પાછી ફરી નથી.

– ‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૯-૧૨-૨૦૧૦
છંદ બંધારણઃ
ગા ગા લ ગા, ગા ગા લ ગા, ગા ગા લ ગા લ ગા
આશા છે કે આપ સહુને આ કૃતિ પણ અન્ય કૃતિઓની જેમ ગમશે.
સૂચનો, સુધારા વિગેરે જણાવશો.

May 8th 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી

“ફ”

ક્રમ્ શબ્દ  અર્થ શબ્દ પ્રયોગ
૧. ફકીરી લટકા સહેલો ઉપાય. ફકીરી લટકે કંઈ રાજરોગ મધુપ્રમેહ જાય્?
૨. ફગડું છુટ્ટુ ફગડું દીકરાને પરણાવ્યો જાણે બળદને રાશ પહેરાવી
૩. ફગર ફુલોથી ભરેલી ાળી વસંત આવ્યાનાં વધામણા ,ડાળે ડાળે ફગર ફાલે
૪. ફગવા જુવારની ધાણી હોળી આવે અને ફગવા અને ખજુર વહેંચાય્
૫. ફગળાવુ બેહોશ થવું બીકનાં માર્યા કેટલાક તો ત્યાં જ ફગળાઇ પડ્યા
૬. ફગોડું ઢોંગી કેટલાકે રડારૉળ કરવાનાં ફગોડા કર્યા
૭. ફજન ખુશી રાજાનાં શિરપાવને પામી ફજન થી નમન કર્યુ.
૮. ફજ્જર્ વહેલી સવાર્ ફજ્જરની ઉગમણી દિશા કંકુવરણી થતી જતી હતી
૯. ફઝલી આંબો બંગાળની ફઝલી કેરી સ્વાદમાં મીઠી અને વજની હોય છે
૧૦. ફટાણાં બીભત્સ ગીતો વરરાજા પરણવા આવે ત્યારે ગવાતા ફટાણા નો રિવાજ જતો રહ્યો છે.
૧૧. ફટાયા પાટવી કુંવર જે ના હોય્ ભરત ફટાયો બને તે મંથરાને કબુલ નહોંતુ.
૧૨. ફડક ચિંતા, ઉડવું તે ફડક્નું માર્યુ હૈયું તેનુ ઉંચે ગગને ફડક્યું
૧૩. ફડદ તુમારનું પાનુ ફડદીયું ફાટ્યુ એટલે તે કામ કરવું જ પડે
૧૪. ફડબાજ્ જુગારી ફડબાજને ત્યાં ક્યારેક ફાકા તો ક્યારેક રાજાપાટ
૧૫. ફડિણી ગોંફણ મોહનની ફડિણી ચાલે અને પક્ષીઓ સૌ ભાગે
૧૬. ફણક કાંસકો વાળ એવા કપાવે કે ફણક્ ની જરૂર જ નહિં
૧૭. ફણિભુજ ગરૂડ સાપને ખાનારો તેથી તે ફણિભુજ કહેવાયો
૧૮. ફતજ મૂળો ફતજ રાતા અને સફેદ બંને પ્રકારનાં થાય્
૧૯. ફતૂર્ ધતિંગ, શાંત પ્રજાને ઉશ્કેરવા ફતૂરો નાખી અંગ્રેજો જતા રહેતા
૨૦. ફતંગ દેવાળીયો આવકો કરતા જેની જાવકો વધુ તે ફતંગ કહેવાય્
૨૧. ફફૂંડી ફૂગ ફફૂંડી ના રોગ કષ્ટદાયક હોય છે
૨૨. ફરજી શતરંજની રાણી ફરજીબંધ આવે ત્યારે શતરંજની રમત પુરીથાય્
૨૩. ફરફંદ છળ કપટ ફરફંદી થોડા દિવસ સચ્ચાઇ વરસો વરસ.
૨૪ ફર્લાંગ માઈલનો આઠમો ભાગ્ બે ફર્લાંગ ચાલુને તેમનુ ઘર આવે