February 27th 2020

પંક્તિમાં હજુ અડધો લખાયો છુ.

નજર એ છો બધે ભટકે, હું કાજળ થઈ સમાયો છું.
હ્રદયના એ લહૂની હું બની લાલી છુપાયો છું.

સિતમ સહેવા હવે તો બસ મને આદત પડી ગઈ છે,
સમય પજવી ગયો છે, ને હવે મુજ થી મુંઝાયો છુ.

ખતમ થઈ જિંદગાની એમના બસ એક જ બોલ પર,
પછી બીજા વધુ સુણવા, હવે જીવતો રખાયો છું.

નિરાશા ખુદ હવે આશા વિના ફફડી રહી છે, ત્યાં-
બનીને આહ એક ડૂસકાં મહીંથી હું વિલાયો છુ.

મનાવાને ઘણાએ આવિયા ને હાથ ધોવાયા,
કરૂં હું કેમ કરી વાકિફ કે હું ખુદ થી રીસાયો છું.

ચમનમાં આટલી મસ્તી અને કલશોર આ, શાનો?
ખયાલ આવ્યો પછી કે હું બની વસંત વધાયો છું.

ચગેલો હું ગગનમાં ખૂબ ઊંચે ઊંચા મસ્તકે,
કપાયો તો ખજાનામાં કૃપણને ઘર લવાયો છું.

સહારો છોડતાં છુટશે તમારો સાથ અને મંઝિલ,
કલમથી એક પંક્તિમાં હજુ અડધો લખાયો છુ.

ઠરેલી આગને ભડકાવતાં પહેલા તમે, સમજો,
વળેલી રાખ છું એ જ્ઞાત છે, તો પણ સચવાયો છું

હજુ હમણાં જ મેં જાણ્યું , ખૂટે છે આપના શ્વાસો,
દિશામાં હું તમારી થઈ પવન, ધસમસ ફૂંકાયો છુ.

દશા મારી સમજવી હોય તો સમજો, કહે ‘મનુજ’
ભરેલો જામ છું, ખાલી થતાં પાછો ભરાયો છું.

“મનુજ” હ્યુસ્તોનવી
૦૨/૦૨/૨૦૨૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment