November 8th 2007

સમયની વાત

નજર એ છો બધે ભટકે, હું કાજળ થઇ સમાયો છું.
હ્ર્દયના એ લહૂની હું, બની રતાશ છુપાયો છું.

સિતમ સહેવા હવે તો બસ મને આદત પડી ગઇ છે,
સમય પજવી ગયો છે ને હવે મુજથી સતાયો છું.

ખતમ થઇ જિન્દગાની એમના બસ એક જ બોલ પર,
અને, બીજો શબદ સુણવા હવે જીવંત રખાયો છું.

મનાવાને ઘણા યે આવિયા ને હાથ ધોવાયાં,
કરું કેવી રીતે વાકિફ કે હું ખુદથી રિસાયો છું.

ચમનમાં આટલી મસ્તી અને કલશોર આ શાનો?
ખયાલ આયો પછી કે હું બની વસંત વધાયો છું.

નિરાશા ખુદ હવે આશા વિના ફફડી રહી’તી,ને-
બનીને ધ્રૂસકું એક ડૂસકામાંથી વિલાયો છું.

ચગેલો હું ગગનમાં ખૂબ ઊંચે ઉન્નત મસ્તકે,
કપાઇને ખજાનામાં કૃપણને ઘર લવાયો છું.

સળગતી આગને ભડકાવતા પહેલાં તમે સમજો,
દિશામાં હું તમારી થઇ પવન ધસમસ ફુંકાયો છું.

દશા મારી સમજવી હોય તો સમજો કહે ‘મનુજ’,
ભરેલો જામ છું ખાલી થતાં પાછો ભરાયો છું.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૮/૨૦૦૭
ગઝલ- છંદઃ મફાઈલુન (લગાગાગા)

1 Comment »

  1. દશા મારી સમજવી હોય તો સમજો કહે ‘મનુજ’,
    ભરેલો જામ છું ખાલી થતાં પાછો ભરાયો છું.

    સરસ્

    Comment by vijays — November 10, 2007 @ 3:38 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment