October 20th 2007

અચરજ ભરી તરસ

તમને મળવા અમને પળ છે.
પળની લંબાઈ તો છળ છે.

અચરજ ભરી આ તરસ કેવી,
આગળ પાછળ મૃગજળ છે.

લોકો કેવાં કામ કરે છે,
આખા શહેરમાં ખળભળ છે.

ઊંઘ ન આવે તો લાગે છે,
બિસ્તરમાં આ અઢળક સળ છે.

આવે તો જાવા ના દેશો,
લક્ષ્મી ખુદ જાતે ચંચળ છે.

સપના વિણવા સૂવું પડે છે,
આંખ ખુલે ને સામે ભળ છે.

શુકન અપશુકન થતા રહે છે,
પગ મુકીએ ત્યાં દળદળ છે.

ખેલ ખતમ ને વાગે છે,એ-
વેશ બદલવાનું ભુંગળ છે.

એણે શનિની વાત કરી,તો-
‘મનુજ’ કહે મને મંગળ છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૨૦/૨૦૦૭

ગઝલ-છંદઃ ફાઈલાતુન {ગાગાગાગા}

2 Comments »

 1. મઝા આવી ગઇ

  એણે શનિની વાત કરી,તો-
  ‘મનુજે’ કહ્યું મને મંગળ છે.

  Comment by vijays — October 21, 2007 @ 3:00 am

 2. ઊંઘ ન આવે તો લાગે છે,
  બિસ્તરમાં આ અઢળક સળ છે.

  મનોજ ભાઇ,
  તમે ખૂબ સાચી વાત કહી.
  પથારીના નાના સળ જેવો નજીવો વિચાર જ્યારે મનમાં સળવળતો હોય છે ત્યારે ઊંઘ હરામ થઇ જાય છે જ.

  Comment by girishdesai — October 30, 2007 @ 3:19 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment