માટી, ચાકડો અને કુંભકાર
માટી, ચાકડો અને કુંભકાર રજુ કરતા સર્વ શ્રી મનોજ મહેતા, કલ્પના મહેતા. ઉદયન શાહ. અને અમિત પાઠક
રસ તરબોળ કરી દેતા આ કાર્યક્રમનાં મુખ્ય કલાકારો શ્રીમતિ ઉમા નગરશેઠ, મનોજ મહેતા,ઉદયન શાહ અને કલ્પના મહેતા
આ કાર્યક્રમના યજમાન શીમતિ વિભાબેન મહેતા, સભા સંચાલક્ ઉમાબેન અને ઉદયન શાહ.. એક ભાવુક ક્ષણે
ગુજરાતી સાહિત્ય સરિતાની ૮૨મી ( ડિસેમ્બર મહિનાની) બેઠક શ્રી રાજર્ષિ અને વિભા મહેતાને ત્યાં ઉજવી. ૧૩મી ડીસેમ્બરની સાંજે સાત વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતા અને હ્યુસ્ટન નાટ્ય કલાવૃંદનાં ૭૦ વધુ સભ્યોએ માણ્યો શ્રી મનોજ મહેતાનો એક નવતર પ્રયોગ “માટી ચાકડો અને કુંભકાર” જેમાં વિના કોઇ પણ સંગીત વાજીંત્ર, ગુજરાતી ગઝલને જુદી જુદી પ્રાપ્ય કેરીયોકી પર સર્વ શ્રી મનોજ મહેતા, કલ્પના મહેતા અને ઉદયન શાહે બે કલાક સુધી તેઓનાં સુમધુર કંઠે શ્રોતાઓને જકડી રાખ્યા. સભા સંચાલીકા શ્રીમતી ઉમાબેન નગરશેઠે ગીત પહેલા દરેક શાયરને અને તેમણે લખેલી શાયરીઓથી શ્રોતા વર્ગને પરિચિત કરાવ્યા. નિર્ધારીત સમયે કાર્યક્રમ શરુ કરતા ઉમાબહેને કહ્યું-
” માટી, ચાકડો અને કુંભકાર આ પ્રત્યેક હસ્તિ, પોત પોતનું અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. એ સર્વ વિદિત છે કે માટી જ્યારે ચાકડા પર ચઢે, ચાકડો ફરે અને કુંભકારનો અનુભવી હાથ આ માટી પર ચોક્કસ રીતે ફરે, તો…. એક અવનવો આકાર માટી ધારણ કરે છે. હવે માની લઇએ કે ગુજરાતી ગઝલ-કાવ્ય એ માટી છે. સુરીલું સંગીત એ ચાકડો છે અને કુંભકારનો હાથ ફરતાં એમાંથી જે આકાર કે સ્વરૂપ આપણને અનુભવવા મળે તે આ કાર્યક્રમ છે. આકારને પામવા માટે માટીમાં પાણી ભળે એ જરૂરી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો માટી અને પાણીના તત્વોના સંયોજનમાં અવકાશ હોય જ. ચાકડા પર ચઢતા એ માટીને પવન મળે, અને પછી અગ્નિમાંથી આ આકાર પસાર થાય તો તેને ઘડો, ગાગર, માટલું ….વિગેરે વિગેરે કહેવાય છે.
હવે આ માટી તે… ખરેખર મનુષ્ય જાત કે પ્રાણી જીવ. આ ચાકડો તે જીવનનું ચક્ર, ભવાટવી, જનમ મરણ…જે કહેવું હોય તે કહી શકાય. પરંતુ ખુબી તો જુઓ… આ આકારને જીવંત બનાવનાર ને રાખનાર… કુંભકાર …તે ખરેખર તો નિરાકાર છે. આપણે એને વિભુ, નિયંતા, ઈશ, પ્રભુ, અલ્લાહ, મસીહા, ગોડ વિગેરે નામે ઓળખીએ છીએ. આજે આપણે જે સુરીલા સંગીત તથા ગુજરાતી ગઝલ-કાવ્યની રસલ્હાણમાં ભીંજાશું તેમાં ક્યાંક ક્યાંક આ નિરાકાર છૂપાએલો હશે. એનો… મહિમા હશે, એની લીલા હશે, એના કદાચ દીધેલા સિતમ હશે..એમ પણ બને. પ્રભુ …મળે ના મળે, હા…આસ્વાદ જરૂર મળશે. તો ચાલો, સૂર, સંધ્યા અને સંગીતના સુમધુર સંયોજનમાં સામેલ થઇ જઇએ”
આ પ્રોગ્રામનું એક ઉજળુ પાસુ એ હતું કે સ્થાનિક શાયરોની ૫ કૃતિઓને પણ આ મહેફીલમાં સ્થાન મળ્યુ. તે શાયરો હતા રસિક મેઘાણી, સુમન અજમેરી,સુરેશ બક્ષી ,વિશ્વદીપ બારડ અને મનોજ મહેતા. અન્ય જાણીતા શાયરો હતા- અવિનાશ વ્યાસ, સુરેશ દલાલ્, પ્રિયકાંત મણીયાર્ મુકેશ જોશી, આદીલ મન્સુરી, મનોજ ખંડેરીયા, શુન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી અને મરીઝ. આ પ્રયોગ નવતર એટલા માટે હતો કે જે કેરીયોકી વગાડાઈ હતી તે કર્ણ પ્રિય અને મધુર તો હતી જ અને તેના ઉતાર ચઢાવ સાથે ગુજરાતી શાયરી ગાયકો જે ગાતા હતા તે સાંભળતા ક્યાંય એવુ નહોંતુ લાગતુ કે આ સંગીત આ ગઝલ માટે ન હોય્.. કુલ ૧૮ ગઝલ રજુ થઈ અને દરેકે દરેક ગઝલ ને અંતે પ્રેક્ષકોની ખુબ જ દાદ મળી..સભાને અંતે સૌ કલાકારોને સમગ્ર સભાએ ઉભા થઈને બહુમાન આપ્યુ.
મનોજભાઇ મહેતા પોતે નીવડેલા રંગભુમીનાં કલાકાર હોવા ઉપરાંત શાયર પણ છે. આજે તેઓ ની સર્જકતાના મુગુટમા ગાયક તરીકે પીંછુ ઉમેરાયું.. કલ્પના મહેતા પહેલી વાર ગાયીકા સ્વરુપે આવ્યા અને સૌને મંત્ર મુગ્ધ કરી ગયા. ઉદયન શાહે તેમના ધીર અને સ્થીર અંદાજમાં શ્રોતાઓની ઘણી દાદ મેળવી. ઉમા બહેને બહુ સલુકાઈથી આ પ્રોગ્રામનાં સર્વે કાર્યકરોનો હાર્દિક આભાર માન્યો હતો અને શ્રોતાઓની વહાલપુર્વક કદર કરી હતી.
દરેક્ને માટે આ સાંજ ખુબ તાજગી ભરેલી હતી. નવતર પ્રયોગથી ગુજરાતી સાહિત્ય સરિતા ફરી એક વખત ઉભરી. સમગ્ર પ્રોગ્રામને અંતે કો ઓર્ડીનેટર કીરીટ ભક્તાએ પ્રેમથી સુરતી ખીચડી કઢી અને રીંગણ બટાટાનું શાક પીરસ્યુ અને કો ઓર્ડીનેટર તરીકે તેમના આ પ્રોગ્રામથી સંતુષ્ઠ જણાયા. અમિત પાઠક જેમણે સ્વર નિયંત્રણ સંભાળ્યુ હતુ તે પણ પ્રફુલ્લીત હતા અને શ્રી કે. સી મહેતાને કહેતા સંભળાયા કે આવો પ્રોગ્રામ તો ૧૦૦૦ માણસો બેસી શકે તેવા સ્ટફોર્ડ સ્ટેડિયમમાં થવો જોઈએ. ગુજરાતી ગઝલોને પ્રાપ્ય કેરિયોકીમાં વગાડવાની પરિકલ્પના હતી અને તે પ્રયોગ અદભુત રીતે સફળ થયો તેવુ સૌનાં ચહેરા પર દેખાતું હતુ.
આ પ્રોગ્રામ ટુંક સમયમાં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબ પેજ www.gujaratisahityasarita.org ઉપર મુકાશે.
ગુજરાત ટાઇમ્સે લીધેલી નોંધ અત્રે મુકી છે
હ્યુસ્ટન સાહિત્ય સરિતા દ્વારા રજૂ થયેલા એક નવતર પ્રયોગ માટી ચાકડો અને કુંભકાર નો વિડિયો અહીં ઊપલબ્ધ છે.