આકાર-નિરાકાર
વાત મારી તમારી નથી, બસ હવે.
જો, બધાને પડ્યો છે મહીં રસ હવે.
હા, રડારોળ તો દીલ માં ચાલુ છે,
સુણ, જૉકર બન્યાની હસાહસ હવે.
પાપ અહીંયા કર્યે જાય છે, એટલાં-
જાય ન્હાવા પછીથી બનારસ હવે.
હાડ પીંજર સમા, હાલતાં ચાલતાં,
આગ સ્પર્શી ગઇ, એક દિવસ હવે.
બીજ બોયાં પછી જળ ન પાયું કદી,
કેમ નો આવશે  ફસલમાં કસ હવે,
રાખ, આકાર ને  રૂપ  રંગ  જુદા,
જાણુ છું, તું  નિરાકાર છે બસ હવે.
સત્ય ને  કાળ ને  સુંદરમને ભજો,
જીવ તું શીવ થઇ અનંતે વસ હવે.
ધડકનો સ્વાસનો  એક્તારો બની,
જિવન-સંગીતનો પીરસે રસ હવે.
આવનારી ઘડી, હાલની આ ઘડી-
ને કહેતી રહે,  ‘મનુજ’ ખસ હવે.   
            -‘મનુજ’ હ્યુસ્તોનવી
               ૧૦/૧૭/૨૦૦૭
ગઝલ- ફાઇલુન { ગાલગા }