બધા
જગમાં બધા ભલા નથી, બૂરા બધા નથી,
જીવતાં ન આવડે છતાં, મરતાં બધા નથી.
ન્યાયાલયોમાં લોકો સાચું કહે છે, પણ-
સોગંદ લઈને બોલતા, સાચા બધા નથી.
થાક્યો હું તમને શોધી ત્યારે મને થયું,
રસ્તા છૂટા પડે, પણ, મળતા બધા નથી.
ઠોકર જો ખાધી પ્યારમાં, આંસુ વહે છે , પણ-
આંખોમાં આંસું હોય, તે રડતા બધા નથી.
વૃક્ષો બધા ઉભા રહે, ઉન્નત કરી મસ્તક,
તૂફાનમાં ઝુકે, છતાં, પડતા બધા નથી.
અવકાશમાં જુઓ ભલે, ઇચ્છા કરી ઘણી,
તારા ભલે જુએ બધું, ખરતા બધા નથી.
બૂરા કરમ કરી પછી, ટાઢા થતાં બધા,
પશ્ચાતાપની આગમાં બળતા બધા નથી.
કે’વત ફક્ત કે’વત રહે,, માનો યા ન માનો,
કરડે કદી એ કૂતરાં, (જે) ભસતાં બધા નથી.
મૂછે ભલે એ તાવ દે, રાખી ભલે બંદુક,
ડાકુ કરે દે’કારો તો, ધસતાં બધા નથી.
પામે ઘણું જિવનમાં ને મળતું રહે અઢળક-
દેતા રહે સઘળું છતાં, ખોતા બધા નથી.
જોવાને સ્વપ્ન અય ‘મનુજ’ સુવું પડે છે, પણ-
દિવસે જુએ જે સ્વપ્નો, સૂતા બધા નથી.
                          ‘મનુજ’ હ્યુસ્તોનવી
                         ૦૩/૦૯/૨૦૧૮