અચરજ ભરી તરસ
તમને મળવા અમને પળ છે.
પળની લંબાઈ તો છળ છે.
અચરજ ભરી આ તરસ કેવી,
આગળ પાછળ મૃગજળ છે.
લોકો કેવાં કામ કરે છે,
આખા શહેરમાં ખળભળ છે.
ઊંઘ ન આવે તો લાગે છે,
બિસ્તરમાં આ અઢળક સળ છે.
આવે તો જાવા ના દેશો,
લક્ષ્મી ખુદ જાતે ચંચળ છે.
સપના વિણવા સૂવું પડે છે,
આંખ ખુલે ને સામે ભળ છે.
શુકન અપશુકન થતા રહે છે,
પગ મુકીએ ત્યાં દળદળ છે.
ખેલ ખતમ ને વાગે છે,એ-
વેશ બદલવાનું ભુંગળ છે.
એણે શનિની વાત કરી,તો-
‘મનુજ’ કહે મને મંગળ છે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૨૦/૨૦૦૭
ગઝલ-છંદઃ ફાઈલાતુન {ગાગાગાગા}