March 19th 2008

એ જ આ સાંજ છે !

રાહ જોતો રહ્યો, એ જ આ સાંજ છે.
ચાંદ ભૂલો પડ્યો, એ જ આ સાંજ છે.

હા, જલાવી પતંગ, થર થરે સિસકતો,
દીપ જલતો રહ્યો, એ જ આ સાંજ છે.

કાળની કોટડી, કોઇ સંત્રી નથી,
કૈદ ખુદને કર્યો, એ જ આ સાંજ છે.

વાલિયે એક દી’, લૂંટવું છોડિયું,
રામ-સીતા ભજ્યો, એ જ આ સાંજ છે.

હાથમાં હાથ ને બંધ આંખે દિઠો,
એક તારો ખર્યો, એ જ આ સાંજ છે.

ચાંદનીએ જરા ચાદરો પાથરી,
સાગર ઝુમી ઉઠ્યો, એ જ આ સાંજ છે.

મય ન પીવા કહે, સાકિયા, પણ છતાં-
જામ ખાલી કર્યો, એ જ આ સાંજ છે.

કસકની કલમથી ગઝલ દિલ પર લખી,
હાથ બળતો રહ્યો, એ જ આ સાંજ છે.

આંખ સુંદર હતી, સ્વેત રાધા સમી,
શ્યામ કીકી બન્યો, એ જ આ સાંજ છે.

કોણ બળવાન છે, જાણવા કૂપમાં-
સિંહ કૂદી પડ્યો, એ જ આ સાંજ છે.

સાચ છે, વચન છે, ધરમ પાલન ‘મનુજ’,
કળિ કકળતો રહ્યો, એ જ આ સાંજ છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૮/૨૦૦૮
છંદ-મુતદારિક, જેમાં ગાલગા નાં ચાર આવર્તનો છે.
અખંડ ગણીય છંદ છે. ફા. ઇ. લુ. ન. (ગાલગા=૨+૧+૨ માત્રા)
એક પંક્તિમાં ૫ ગુણ્યા ૪ આવર્તનો = ૨૦ માત્રા. આ
વીસ માત્રી છંદ કહેવાય છે. કુલ ૪૦ માત્રા એક શેરમાં હોય છે.
આ છંદ આપણા ઝૂલણા છંદને મળતો આવે છે, પણ ઝૂલણા છંદમાં
પ્રત્યેક પંક્તિમાં ૧૨ અક્ષરો નિસ્ચિત હોય છે. -‘મનુજ’ હ્યુસ્તોનવી

2 Comments »

  1. કસકની કલમથી ગઝલ દિલ પર લખી,
    હાથ બળતો રહ્યો, એ જ આ સાંજ છે……ખુબ સુંદર,મનોજભાઇ.

    Comment by devika dhruva — March 19, 2008 @ 2:02 pm

  2. સાગર ઝુમી ઉઠ્યો, એ જ આ સાંજ છે.
    કસકની કલમથી ગઝલ દિલ પર લખી,
    સાચ છે, વચન છે, ધરમ પાલન ‘મનુજ’,
    કળિ કળતો રહ્યો, એ જ આ સાંજ છે.

    ઉપરોક્ત પંક્તિઓમાં ગા લ ગાનો મેળ તુટતો જોવા મળે છે. સુધારો કરવા વિનંતિ.

    Comment by ABHIJEET PANDYA — January 30, 2009 @ 5:03 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment