November 18th 2010

….કદી કરવું પડે છે

ના મળે જો કાંઇ તો તે પણ જતું કરવું પડે છે.
રાહમાં પારોઠનું પગલું કદી ભરવું પડે છે.

સાથ કેવો? વાટ કેવી? એ જરા જોવું પડે છે,
માછલીને જળ મહીં ક્યારેક તરફડવું પડે છે.

લોક એવું છો કહે પણ આ ફક્ત એક ભાસ છે,
આસમાંને પણ, કદી કોઈ જગા ઝુકવું પડે છે.

જર, જમીં, જોરૂ કરે કજિયો પલક મારો તમે,ને-
આપના ખિસ્સા મહીં લીલાશને સે’વું પડે છે.

હો ભલે માયા તણા સો મણ વજનનું ગુલબદન,
પ્રાણ સરકી જાય તો એ લાશને તરવું પડે છે.

દેવકી, મંદોદરી, કુંતિ અને કૈકેયી, પણ-
મા ખરેખર મા જ રે’ છે, લોકને કે’વું પડે છે.

ઊડવાના હોય સપના છો ભલા માણસ તમારા-
પણ, છતાં, અગણિત વખત નીચે ભલા પડવું પડે છે.

હ્રદયથી આંખો સુધી અશ્કો ઉપર ચઢતા રહે,પણ-
ઢાળ છે તો નીરને પાછા પગે વ્હેવું પડે છે.

આદમી અહીં આદમી બનવા કરે હરકત, પરંતુ-
કોણ કે’ છે આદમીને જાનવર બનવું પડે છે.

વાદળાં ડૂસકે ચઢે તો તે વરસવા માંડશે, પણ-
એ જ વાદળ ગરજશે તો ભટકતા ફરવું પડે છે.

દૂધ પાણીને અલગ જે પાડશે તે હંસ છે, પણ-
લોભમાં ભરવાડને એ એકઠું કરવું પડે છે.

આંખમાં જેની અસંખ્ય ઝંખનાઓ હણહણે છે,
ભર-બહારે એ કળીને કાં ભલા ખરવું પડે છે.

ચાલમાં સહુની તફાવત કેટલો ઉત્કટ રહે છે,
હંસલાની જેમ ચાલે કાગ તો હસવું પડે છે.

કરકસર કરવી જરૂરી છે, પરંતુ, કૃપણતામાં-
એ કદી ના પરિણમે, એવું અચુક શિખવું પડે છે.

બે ઘડી પે’લા ચમકતો ને હવે ખરતો સિતારો-
જોઇ સમજ્યો, આસમાંને પણ કદી ઝુકવું પડે છે.

ફળ, ફૂલ કે પશુ પક્ષીના ગુણ અવગુણ અપનાવી,
આદમીને આદમી બનવા ઘણું મથવું પડે છે.

પત્થર એ પત્થર જ રે’ છે, એ કદી પીઘળે નહીં,
પણ, રહે જો જળ મહીં, એને ય પીઘળવું પડે છે.

કરકસર ને કૃપણતા એ મા અને માસી સમા છે,
મા રહે છે મા સદા, માસીને મા બનવું પડે છે.

યાદ છે કો’કે કહ્યું’ તું ભીંતને પણ કાન છે, ને-
ભીંત ખુદ જાસૂસ હો એ સત્ય,પણ, સમજવું પડે છે.

ઊડવાની સહેલ સુંદર, તે છતાં ક્યાં છૂટકો છે,
તણખલાને પણ પછી નીચે જ પછડાવું પડે છે.

ચાર છે મીનાર ઉંચા આસમાંને છેદતાં, ને-
રાતના આકાશની છાતી રજત ખૂને વહે છે.
(રદિફ અને કફિયાની ક્ષતિ બદલ માફી ચાહું છું)

હાથમાં આવેલ પાનું હુકમનું હોઈ શકે છે,
પણ,’મનુજ’ એક્કા વગર જીતી જવા મથવું પડે છે.

– ‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૧૭/૨૦૧૦

ગા લ ગા ગા ના બંધારણ મુજબ અખંડ રમલ છંદની
એક રચના થઇ ગઇ. અસ્તુ.

1 Comment »

  1. અતિ સુન્દર રચના , સત્ય હકીકત દર્શાવી છે .

    Comment by hema patel . — November 19, 2010 @ 8:24 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment