November 8th 2016

આભાસ

આ ફૂલ સી નાજુક પલક પર આસ જો ભટક્યા કરે.
ચટ્ટાન તોડી વહી જવા, કોમળ ઝરણ છટક્યા કરે.

ઈચ્છા મને એવી ખરી માથું મળે મજબૂત, તો-
જીવન પછી દુઃખ ડૂંગરા માથે ભલે ખડક્યા કરે.

આ પાપના કંઈ કેટલાં, એ પોટલાં વેંઢારશે,
છ ઘટાડતાં એ બાર બીજાં ઊંચકી ભટક્યા કરે.

આ તરફ તો ચાહત તણો સાગર હલકતો થઈ ગયો,
ને, એમની કાગળ કશ્તિ એમાં તરવા સરક્યા કરે.

લાખો ઘરેણા તો કરે કુરબાન સધવા, જગતમાં,
જો ચાંદલો ચૂડી સલામત ને નફ્સ ધબક્યા કરે.

ચગડોળની આ તરફ હું છું ને તમે પેલી તરફ,
પળ પળ પરિઘ ચગડોળનો ઓછો થવા ભટક્યા કરે.

વસમી જુદાઈનો અનુભવ કરતો રહી, વિખુટો પડી,
મંદીરનો ઘંટારવ સર્વેના કર્ણ પર રણક્યા કરે.

ચાહત સરી આવી ‘મનુજ’ ખોળે અને જંપી ગઈ,
સિતમો હવે ચારે તરફ ફોજો ભલે ખડક્યા કરે.

(છંદ રચનાઃ રજઝ
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા)

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૮/૨૦૧૬