May 20th 2017

કુતુહલ

વાત મારી તમારી નથી, બસ હવે.
જો, બધાને પડ્યો છે મહીં, રસ હવે.

હા, રડારોળ તો દિલમાં ચાલુ છે,
સુણ, વિદુષક બન્યાની હસાહસ હવે.

પાપ અહિંયા કર્યે જાય છે, એટલાં-
જાય ન્હાવા પછીથી બનારસ હવે.

હાડ પીંજર સમાં હાલતાં ચાલતાં-
આગ સ્પર્શી ગઈ એક દિવસ હવે.

બીજ બોયાં પછી જળ ન પાયું કદી,
કેમનો આવશે, ફસલમાં કસ હવે.

ધડકનો શ્વાસનો એક-તારો બની,
જિવન સંગીતનો ઘુંટશે, રસ હવે.

સત્યને, શીવને, સુંદરમને ભજતાં,
જીવ, તું શીવ થઈ અનંતે વસ હવે.

રાખ, આકાર નિતનવા સ્વાંગમાં ભલે,
જાણું છું, તું નિરાકાર છે, બસ હવે.

આવનારી ઘડી, હાલની આ ઘડી-
ને કહેતી રહે છે, ‘મનુજ’, ખસ હવે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૨૦/૨૦૧૭