September 21st 2017

પુનર્જન્મ

આ સમય કો’ ઢળી રહ્યું છે, હસ્તિ સમેટી ખુદની,
એ જ પછી ઊગી રહ્યું છે, જ્યોતિ પ્રસારી ખુદની.

-જન્મ-

આગમન સાથે થાળી ઉપર વેલણ રણકી ઉઠ્યાં,
કો’કે પેંડા, કો’કે જલેબી ફળિયે ફળિયે મૂક્યાં,
ક્યાંક કોઇ અભાગણીના આંસૂડા ના ખૂટ્યાં,
એક પળ માં જણનારીએ ક્યાંક સ્વાસ મૂક્યાં,
જોષ જોવડાવવા ક્યાંક કશે માવતર ઊમટ્યા,
આશ, ઉમંગ ને સપનાના વાવેતર આંખે ખડક્યાં,

પાણી છે, પ્રકાશ છે, માટી, પવન ને તેજ છે,
એવી કુંપળ ખિલી ઉઠી છે, હસ્તિ બનાવી ખુદની

-મૃત્યુ-

અંતે કોઇને ઠાઠડી, તો કોઇને પેટી સાંપડી,
માટી, માટીમાં મળી કે પંચ મહાભૂતમાં મળી,
મુઠ્ઠી હતી જે વળેલી, ખુલી જતાં જ ફરી વળી,
વાતાવરણમાં બે મીનીટના મૌનની છાયા ઢળી,
લૌકિક આયુષ્ય રેખાઓ ઓગળી જતી ભાળી,
આંખ ક્યાંક હસી ઊઠી તો કોઈની રડતી ભાળી,

શ્વેત, કાળાં વસ્ત્રોની, આખર સલામી મળી નથી, ને-
કાચા, પાકાં, ફળ ખર્યા છે, હસ્તિ ગુમાવી ખુદની.

-પુનર્જન્મ –

વન વગડો હો હરિયાળો કે નિર્જળ રણનો વાસ,
રેત, માટી કે પથ્થરિયાળો, કંકર, દળદળ ઘાસ,
હળ કે ટ્રેક્ટર ફરી વળ્યાં છો, પાડી ઘેરા ચાસ,
પરસેવાથી લથપથ એવા વિત્યાં કેટલાં ય માસ,
ફળનાં ઠળિયાં થોકર ખાતાં, ઠીબે ચઢે આસપાસ,
અનાયાસે પણ ફળી ઉઠે, કદિ કોઇ નિરાશની આશ,

બીજ, ઠળિયા, અંકૂર, ગોટલી, ઈંડા, બચ્ચા ને પરાગ-
ભટકે સ્વયંભુ ભવાટવીમાં, હસ્તિ બદલાવી ખુદની.

-‘મનુજ’ હ્યુસ્તોનવી – ૧૧-૧૮-૨૦૦૬
(છંદોક્ત રુપાંતર તારિખઃ ૦૯/૧૬/૨૦૧૭)