May 23rd 2020

વાર તો લાગે છે

અંકૂર માંથી ફણગો ફૂટતાં, વાર તો લાગે છે.
શ્વાસ જતાં માયાથી છૂટતાં, વાર તો લાગે છે.

આ કરું, તે કરું, પેલું કરું કે ના કરવાનું કરું છું,
કરવું હશે જે, તે કરવામાં, વાર તો લાગે છે.

એક હાથથી બીજા હાથમાં, ફરતો રહ્યો’છે, એ,
ખોટા સિક્કાને ઘર મળતાં, વાર તો લાગે છે.

સંબંધોના રસતા ઉપર, ત્રિભેટાઓ આવે,
લાગણીઓની ગાંઠને છૂટતાં, વાર તો લાગે છે.

બળ, બુદ્ધિ ને ધન વધે માટે, બંદગી કરતા રે’જો,
અઘરાને સહેલું કરવામાં, વાર તો લાગે છે.

બૂરો માણસ, બૂરા ધંધા, શાને કરતો ફરે છે?
પાપની ગાગરને છલકાતાં, વાર તો લાગે છે.

રાજાઓના સપના જોવા, સૂતો રહે, આ માણસ,
પત્તાઓના મહેલો બનતાં, વાર તો લાગે છે.

લાશ થયો પણ તરતો રહ્યો છું, સરિતાના પાણીમાં,
કાણું પડે તો હોડીને ડૂબતાં, વાર તો લાગે છે.

અભિમન્યુના ચક્રવ્યુહ છે, આ જિવનના રસ્તા,
એક પછી એક એને ભેદવામાં, વાર તો લાગે છે.

ચાદર જેટલી એટલા પગને પહોળા કર,”મનુજ’
તકદીર પરના પાનને ખસતાં, વાર તો લાગે છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૪/૨૭/૨૦૨૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment