May 6th 2023

મૃત્યુની એ ક્ષણે

સાથે કશું ન આવશે, મૃત્યુની એ ક્ષણે.
યમરાજ સાક્ષી બનશે, મૃત્યુની એ ક્ષણે.

પુરુષાર્થ એટલો કરી, ભેગું કર્યું ઘણું,
તકદીર પણ ફૂટી જશે, મૃત્યુની એ ક્ષણે.

ચેહરો ચિતરાવ્યો ઘણો, સાંધા બદલ્યા,પણ-
માટી, માટીમાં જશે, મૃત્યુની એ ક્ષણે.

જિવતર પાણી, ધૂળ છે, અગન, પવન, આકાશ-
સહુ તુજથી છૂટી જશે, મૃત્યુની એ ક્ષણે.

ન ચાહું હીરા-મોતી, ના વાડી-મહેલાત,
રામ નામ મુખમાં હશે, મૃત્યુની એ ક્ષણે.

રેખાઓ કોતરાવી, આવ્યો છું જગ મહીં,
મૂઠ્ઠી એ ખૂલી જશે, મૃત્યુની એ ક્ષણે.

સામે ગંગા તટ મળે, જમના મળે, છતાં-
પાણી, પણ, ન મળી શકે, મૃત્યુની એ ક્ષણે.

અરજ અમારી આટલી, સહુને કરું છું ખાસ,
આંસુ ના આંખમાં હશે, મૃત્યુની એ ક્ષણે.

કેવી ‘મનુજ’ દશા હતી, તહેનાતમાં ઘણા,
પણ, ડાઘુ ના મળી શકે, મૃત્યુની એ ક્ષણે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૦૬/૨૦૨૩

October 31st 2022

इस मक़ाम पर ।

क्या कुछ नहीं किया ज़िन्दगी ने इस मक़ाम पर,
पहुँचे तो पहुँचे भी कुछ देर से इस मक़ाम पर।

मुमकिन से नामुमकिनको बदलना भी चाहा था,
सोच भी थी, यहीं कभी, आयेंगे इस मक़ाम पर।

जीना यहाँ, मरना यहाँ, सुना जब दिल से दिल लगा,
ये भी सुनेंगे, जी ते जी मरते रहें इस मक़ाम पर।

सागर नहीं, सुराही नहीं, साक़ी नहीं तो क्या-
फिर भी नशे में लड़खड़ाते रहे इस मक़ाम पर।

सभी ने कहा, ना दिल मानता, ना हम भी मानते,
भूल गए सच-जूठ की सब परखें इस मक़ाम पर॥

यारों कभी, ऐसा भी कुछ होता रहा ज़िंदगी में –
ख़ुद को सुना, ग़ैर की आवाज़ में इस मक़ाम पर।

ये वादियाँ थी, चाहतोमें बस रहे चित्कारकी-
शिकवे कभी, रुसवे कभी, सिसके इस मक़ाम पर॥

ना इलाज है, ना उपाय है, ये कहाँ पे आ गए है हम,
बिखरे हुए, सांसों के सपने उजड़े इस मक़ाम पर ॥

क्या खो दिया, क्या पा लिया ये समझ आ जाती-
लेकिन ‘मनुज’ फिरते रहे उलझे से इस मक़ाम पर ॥

‘मनुज’ ह्युस्तोनवी
१०/३१/२०२२

September 9th 2020

હા, એ સ્લેટ મારી હતી…

એક સમયે જે કોરી-કટ હતી, હા, એ સ્લેટ મારી હતી.
અક્ષરોથી ઠાંસી જે ભરી હતી, હા, એ સ્લેટ મારી હતી.

જોવા એને કોઇ શિક્ષકે લીધી, કે મારા પ્રેમાળ પિતાએ-
સુંદર શે’રો મારી પાછી આપી, હા, એ સ્લેટ મારી હતી.

કદી એ પડી કે કોઇએ પાડી, ને ફરી પાછી એ તૈયાર-
કંઇ નવું લખવાની ધગશ વાળી, હા, એ સ્લેટ મારી હતી.

ક્યારેક મેં એને પાણીથી કે ક્યારેક મેં થૂંકી લુંછી હતી,
છ્તાં ય કોઇ પણ રોગ વગરની, હા, એ સ્લેટ મારી હતી.

ફલાણાએ કહ્યું કે લખો ને ઢીંકણાએ કહ્યું કે ભૂંસો,
જે કાંઇ લખાવ્યું તે લખતી રહી, હા, એ સ્લેટ મારી હતી.

હાંફળી ફાંફળી પાછળ દોડી મારી માએ બૂમ પાડી હતી,
“લે, બેટા, દફતરમાં મૂક પાછી”, હા, એ સ્લેટ મારી હતી.

“જો, ‘મનુજ’!” કહ્યું પિતાએ, “અંક ગણવા શું લાવ્યો છું?”
બાજુમાં મણકા વાળી, પહેલી, હા, એ સ્લેટ મારી હતી.

-શિક્ષક દિને, સર્વે શિક્ષકોને અર્પણ…

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૯/૦૪/૨૦૨૦

May 27th 2020

દીવાલો તમે તોડી ના શક્યા.

તમને મળવા અમે આવી ના શક્યા.
સૂતી તકદીર જગાડી ના શક્યા.

સીધી આંખો હતી સીધા રસતા,
ઉલ્ટા ચશ્મા જ કઢાવી ના શક્યા.

જેવો ધાર્યો તમે એવો હું નથી,
જેવો ઇચ્છ્યો’તો, બનાવી ના શક્યા.

બસ, હું એટલો સમીપ આવી ગયો-
કે, એ પાલવમાં મુખ ઢાંકી ના શક્યા.

સાથે રહેવાની વાતો માનું છું,
પણ, દીવાલો તમે તોડી ના શક્યા.

દિલમાં કે ખયાલોમાં કે શમણાંમાં-
ક્યાં ખોવાઉં એ વિચારી ના શક્યા.

કાલે, જે આજ થવાનું હતું, તે થયું-
પેપર ફૂટ્યું તે છુપાવી ના શક્યા.

તારી મહેફિલ હતી, ‘મનુજ’ ના હતો,
મારી ચર્ચા વગર રહી ના શક્યા.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૨૬/૨૦૨૦

May 23rd 2020

જમીં પરની લકીરો સાપની છે.

અમારી વાત ક્યાં છે, આપની છે.
મળો કે ના મળો, મેળાપની છે.

સડક પર કોઈ રાહી ના મળે, તો-
ક્વચિત આ ચાલ, પણ, કોવીદની છે.

મળી ખાદી અને ખુરશી હવે, તો-
દિવાળી, આજ કોના બાપની છે.

ભલે કાંટા મળે ફૂલોને બદલે,
કરી ઈચ્છા ફકત સંગાથની છે.

હવે સીધું સરળ જિવવું મને છે,
ભુલો જે પણ કરી ભુતકાળની છે.

હજી હમણાં જ એના પગલાં જોયા,
જમીં પરની લકીરો સાપની છે.

છલકતા જામ વાળી મેહફિલો, તો-
ઉછળતા જોમના ઉન્માદની છે.

બધે જ શહેરમાં ચર્ચા, અમારા-
સંબંધોમાં પડેલી ગાંઠની છે.

ગગનમાં છે કરોડો તારલાઓ,
નથી ચાંદો છતાં, પણ, રોશની છે.

મુદત જો ખતમ ના થઈ હો, તો-
દર્શન દે જો, ઘડી વિલાપની છે.

બદનના હાટ માંડ્યા છે,ઘણાએ-
નથી ખબર કે કમાણી પાપની છે.

ભય ઉપર વિજયની અનુભૂતિ, જુઓ-
‘મનુજ’ના શ્વાસમાં વિશ્વાસની છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૨૩/૨૦૨૦

May 23rd 2020

છણકા

પડતા બોલ ઝીલું છું એની જરા ય ખબર નથી.
અમને ખબર છે, એમને અમારી કદર નથી.

જીભનો તો કૂચો વાળ્યો, કહી કહીને થાક્યા,
પત્થર ઉપર પાણી સમજો, કોઈ અસર નથી.

ટી વી સમક્ષ બેસી ગયા, વાળીને પલાંઠી,
ઢસરડા હું કર્યા કરું છું, તો પણ નજર નથી.

પીડા હો પીરીયડની અથવા પ્રસૂતિનું ટાણું,
રાંધીને ખવડાવીએ, પણ, એવી સમજ નથી.

સવારમાં પરભાતિયાં, સાંભળવાના મૂકી,
રાગડા સુણવા બેસતાં, સમયની ગમ નથી.

ફાં ફાં માર્યે મળે ન કાંઈ, ઘરમાં શોધે, જો-
ખાંડ-ચાના ડબ્બા, પણ, ક્યાં છે ખબર નથી.

છાપુ-બાપુ ઊંચું મૂકો, કહી કામ પૂછિએ, તો-
રમુજમાં એ પ્રશ્ન કરે, “ચા-બા ગરમ નથી?”

બે વસ્તુની ખરીદીએ, અમસ્તાં ય જો મોકલ્યા-
બે વાર ફોન કર્યા વગર, આવ્યા પરત નથી.

કેવાં ફૂટલા નસીબ છે, ‘મનુજ’ મળ્યા, બાકી-
ગૌરી વ્રતની પૂજા માં, રાખી કસર નથી.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૧૫/૨૦૨૦

May 23rd 2020

વાર તો લાગે છે

અંકૂર માંથી ફણગો ફૂટતાં, વાર તો લાગે છે.
શ્વાસ જતાં માયાથી છૂટતાં, વાર તો લાગે છે.

આ કરું, તે કરું, પેલું કરું કે ના કરવાનું કરું છું,
કરવું હશે જે, તે કરવામાં, વાર તો લાગે છે.

એક હાથથી બીજા હાથમાં, ફરતો રહ્યો’છે, એ,
ખોટા સિક્કાને ઘર મળતાં, વાર તો લાગે છે.

સંબંધોના રસતા ઉપર, ત્રિભેટાઓ આવે,
લાગણીઓની ગાંઠને છૂટતાં, વાર તો લાગે છે.

બળ, બુદ્ધિ ને ધન વધે માટે, બંદગી કરતા રે’જો,
અઘરાને સહેલું કરવામાં, વાર તો લાગે છે.

બૂરો માણસ, બૂરા ધંધા, શાને કરતો ફરે છે?
પાપની ગાગરને છલકાતાં, વાર તો લાગે છે.

રાજાઓના સપના જોવા, સૂતો રહે, આ માણસ,
પત્તાઓના મહેલો બનતાં, વાર તો લાગે છે.

લાશ થયો પણ તરતો રહ્યો છું, સરિતાના પાણીમાં,
કાણું પડે તો હોડીને ડૂબતાં, વાર તો લાગે છે.

અભિમન્યુના ચક્રવ્યુહ છે, આ જિવનના રસ્તા,
એક પછી એક એને ભેદવામાં, વાર તો લાગે છે.

ચાદર જેટલી એટલા પગને પહોળા કર,”મનુજ’
તકદીર પરના પાનને ખસતાં, વાર તો લાગે છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૪/૨૭/૨૦૨૦

February 27th 2020

રેતમાં કુંપળ ખિલી નથી…

ખોયેલ મારી જિંદગી મુજ ને જડી નથી.
મરવા મને ફુરસત હજી સહેજે મળી નથી.

કરતા રહ્યા સીતમ અને જીવાડતાં રહ્યાં,
દિલમાં દુઆની પણ કમી જોવા મળી નથી.

રાખી હતી ખ્વાહિશ અમે, ઉપવન બનાવવા,
રણની કિન્તુ આ રેતમાં, કુંપળ ખિલી નથી.

રસતા ભલે છૂટા પડ્યા, આગળ મળી ગયા,
પણ, તું પડી છૂટી છતાં, આવી મળી નથી.

આંખો મહિં અંગાર છે, દિલમાં બધે પત્થર,
લાવા સમી આવી કૃતિ, જગમાં જડી નથી.

એના મરણની આ સભા ને એ સૂતો હતો,
ખુદની પ્રશસ્તિ આટલી કદી ય સુણી નથી.

જ્યારે ગયા છો આપ મુજ દુનિયા તજી, પુષ્પો !
તકદીર પરની પાંદડી, બિલકુલ ખસી નથી.

એવો હતો રાજા સ્વયં, સોનું બની ગયો,
એને હજુ માણસ થવા, યુક્તિ મળી નથી.

દરપણ મહી હું આટલું કો’ને જોવા મથ્યો,
ઓળખ મળી નથી અને છાયા ખસી નથી.

આવો નહીં તો આવવા કોશિશ કરી જુઓ,
સંગના ઉમંગની ઈચ્છા, ઓછી થઈ નથી

બે વાત યાદ રહી જશે, આખા જીવન સુધી,
સીડી ચઢી ગઈ ખરી , પણ પાછી વળી નથી.

આ મંડપ ને પિયરિયાઓ, આંસુ બની ગયા,
ડોલી ‘મનુજ’ એમાં વહી, પાછી ફરી નથી.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૨૭/૨૦૨૦

February 27th 2020

ના મારે છેડો ફાડવો નથી…

(હજુ હમણાં બે દિવસ પહેલાં જ ‘બેઠક’ નોએક આર્ટીકલ જોયો અને ટાઈટલ ગમી ગયું અને પછી એક સુંદર મૌલિક રચના રચાઈ ગઈ. )

ના મારે છેડો ફાડવો નથી.
ના અહિં કે ત્યાં લાડવો નથી.

આ ખભે કે ખગે બહુ ચઢી લીધું,
એ લ્હાવો, હવે માણવો નથી.

તમ કો’ તો બાપા, સેંથો પુરું,
ખેતરમાં ભાગ પાડવો નથી.

ઘરનો છોરો શાને ઘંટી ચાટે?
માસ્તરને લોટ આપવો નથી.

બા’ર નફરતની ગંદકી કેટલી,
કચરો એ ઘરમાં લાવવો નથી.

આવે યાદ સનમ કે વતનની ધૂળ,
ભવિષ્યમાં ઇતિહાસ લાવવો નથી.

ટીપે ટીપે સરોવર ભરાય, એ-
ખબર છે, પણ, ભૂંડ-ભોટવો નથી.

વારંવાર પડ્યો છું, એટલે, ‘મનુજ’-
અંધારામાં ખાડો ખોદવો નથી.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૨/૦૪/૨૦૧૭
શબ્દાર્થઃ ભૂંડ ભોટવો= Piggy Bank
(આ છેડો… કેમ ફાટતો હોય છે, અહીં કેટલાક કારણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.)

February 27th 2020

परवरदिगार!

अपनी किस्मत से मांगा जो पाया नहीं।
हाथ हजारों है पर कुछ दे पाया नहीं।

पहले तू मुझमें ही बीलकुल रेहता था,
अब मेरी तू छडी नहीं, हम साया नहीं ।

धागों से बांधे फूलों के ठिक पीछे से,
तुझको साफ नज़र कुछ भी आता नहीं।

सजदे ऐसे उठानेकी आदत क्या हूई,
बनके पत्थर बैठा तू ऊठ पाता नहीं।

गलती किसकी है, माफी मिलेगी नहीं,
मैं तेरे दर पे, तू मेरे दर आया नहीं।

कुछ सुना था कभी कोई कथाओं में,
तू ऐसा कि तेरा कहीं कोई साया नहीं।

मन्नतें मांग कर, फूल हाथों में लिये,
राह देखी बहुत पर तू आया नहीं।

डोली कांधों पे थी, पर मना कर दीया,
फिर ना केहना तुम्हें कोई लाया नहीं।

तोडे इतने है दील तुने, मेरे खुदा-
शहर में कोई खाली मयखाना नहीं।

साथ आये है, साथ ही है, फिर भी क्युं?
अपनों की मेह्फिल में अपना सा नही।

तेरी नज़र ने हम को ऐसे बांधा है ,
अब मै अपनी नज़र से देख पाता नहीं

धागों ताविजों के उलझे ये चक्कर में,
बंधा क्या ‘मनुज’ बस खुल पाता नहीं।

क्या ‘मनुज’ ये सीला खत्म होगा कभी?
जाम खाली कोई अब छलकाता नहीं।

‘मनुज’ ह्युस्तोनवी
०४/१७/२०१७

Next Page »