January 30th 2024

પ્રભુ શ્રી રામ આવ્યા છે

જૂઓને અયોધ્યા નગરીમાં, ભારત વર્ષના સહુ રુદિયામાં,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

રામજી તો છે નહિ ભૂતકાળ, રામજી છે સકળ અનંતકાળ,
રામજી છે વચન ને વિશ્વાસ, રામજી છે દુષ્ટોનો વિનાશ,
ભજી લો, સેંકડો વર્ષો પશ્ચાત, કરી લો નામ એનું આત્મસાત,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

વર્ષોનો વનવાસ પણ વેઠ્યો, શબરીના બે બોર પણ ચાખ્યા,
મા સીતાનો વિરહ પણ વેઠ્યો, દરિયામાં પથરાઓને તાર્યા,
દુષ્ટને દંડ ઉંચિત આપીને, વિજયની વરમાળા પ્હેરીને,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

કરી લો મનથી એક જ નિર્ધાર, રાખશું તમને નિજ મનને દ્વાર,
ભલે ધરતિ ટુટે, ફાટે આકાશ, તમારું નામ જપવાનું વારંવાર,
વિનય, વિધાનના વિકાસ કાજે, સુખાકારી, સમૃદ્ધિ, સત્ય કાજે,
પ્રભુ શ્રી રામ આવ્યા છે, પ્રભુ શ્રી રામ આવ્યા છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૨૪/૨૦૨૪

January 30th 2024

શું થઇ ગયો?

ન જમા રહ્યો, ન ઉધાર છતાં ય હિસાબ થઇ ગયો.
આંકડા વગરના ગણિતની જ કિતાબ થઇ ગયો.

ગભરાવાનું મારે નો’તુ, ન છુપાવવાનું, પણ-
રાઝ મારી જઠરમાં જઈ, તેજાબ થઇ ગયો.

મિલ્કતનો ગર્વ ન’તો છતાં, પણ એની નજરમાં-
સોના રૂપાથી ભરેલો, કિનખાબ થઇ ગયો.

ડભોઇ, બરોડા, હ્યુસ્ટનના એલીફ ને રિચમંડ,
પાંચ ગામના પાણી પી હું, પંજાબ થઇ ગયો.

એણે જ્યારે મને કહ્યું, ‘તારું આ કામ નથી,’-
હું તો નહિ પણ મારો અહમ, બેતાબ થઇ ગયો.

કદર કરવામાં કસર નથી બાકી રાખી, છતાં-
ખીંટી ઉપર ટીંગાડેલો, હું ખિતાબ થઇ ગયો.

લાગણીઓના જોમમાં જ ‘મનુજ’ એવું તે શું હશે?
દિલના દરિયાની હલચલનો, સૈલાબ થઇ ગયો.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૨૦/૨૦૨૪

January 6th 2024

વસવસો

ન તમારો થૈને રહી શક્યો, ન તો હું જ મારો થઇ શક્યો.
ઉડતો રહ્યો આકાશમાં,પણ, ન તો હું સિતારો થઇ શક્યો.

એને કાજ મેં શું નથી કર્યું, ન તો મેં કશું ય બાકી રાખ્યું,
કહેતામાં હું દરિયો બન્યો,પણ, છતાં ન ખારો થઇ શક્યો.

એમના રસ્તાઓ વિષમ હતા, એમનું ભ્રમણ વસમું હતું,
ન પરબ,મકામ, ન બહાર,ચમન,ન તો હું સહારો થઇ શક્યો,

સમંદરના નીરમાં ડૂબતી, એમની પુકાર સુણી, છતાં-
પતવાર સજેલી નાવ થઇ, ન તો હું કિનારો થઇ શક્યો.

પળભરને માટે ઘડી મળી, ઘડીને જોવા ના પળ મળી,
શું થયું એવું મને કે હું, ન ખરાબ ન સારો થઇ શક્યો.

એમને શિશિરમાં જોયા’તા, થરથરતા ને ધ્રુજતા, ને-
ગરમીમાં ઉપર ચઢે એવો, ન હુંફાળો પારો થઇ શક્યો.

ન કહ્યું, એ રાહ ભૂલી ગયા, ન કરી ફરિયાદ અંધકારની,
દીવડો સળગાવી શિર ઉપર, ના ‘મનુજ’ મિનારો થઇ શક્યો.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧/૦૩/૨૦૨૪
( માત્રામેળ છંદ: એક પંક્તિમાં 16 + 16 માત્રા)

November 20th 2023

માર્ગાવરોધ અને ઉપમાર્ગ

દિલમાં દર્દ શું થયું ને લોટરી આવી ગઈ.
ને પછી, છૂરી ફરી, જિવતર ફરી લાવી ગઈ.

પ્રાણવાયુ ઘણો હતો, ને ફાવતો ન હતો, ખરું-
પણ, હવે જૂઓ, હવાની લેરખી ભાવી ગઈ.

ભાનમાં બેભાનમાં કેવાં વિતાવ્યા દીવસો-
પરિજનોની ચાકરી જાણે સુગંધ લાવી ગઈ.

જીભની હઠ એક એવા રોગની તરફ લઇ ગઈ,
પણ, હવે ડાયેટિંગ તણા સબક શીખાવી ગઈ.

પલકની અલપઝલપ અને સ્વાસનાં વંટોળિયા,
જીંદગી અણસારથી, મતલબ બતાવી ગઈ.

એ નિરાકાર, નિશ્ચલ અવસ્થા સમિપ આવી, અને-
તુજ સ્મરણની જ ચિનગારી, ચેતન જગાવી ગઈ.

‘મનુજ’ ગાડું એક પહિયા પર ખસે, દોડે નહીં,
તેં નવાં, સીનો ચિરી આપ્યાં, ઝડપ આવી ગઈ.

‘મનુજ’ હ્યુસ્તોનવી
09/19/2023
તા. ક.- મારા હ્રદયના રુધિરાભિષરણના માર્ગમાં અવરોધ આવ્યા
બાદ તબિબોએ એના ઉપચાર અંગે, ઉપમાર્ગ બનાવ્યો, તે પછી
આ ગઝલની રચના કરી છે. અસ્તુ,

November 20th 2023

લોહી નો વેપાર

યુદ્ધમાંથી કાફલા આવ્યા કરે છે.
મોતના હકદારને લાવ્યા કરે છે.

દૂધ ફોરે છે હજી એના મુખ મહીં,
ગન ઉપર ઘોડા ઝટ ચઢાવ્યા કરે છે.

કોણ કોનું સાંભળે છે,આ જગતમાં,
ઝેરની ભીંતો સહુ ચણાવ્યા કરે છે.

વાદના કાઢે વિવાદો આ બધા, ને-
વાતમાં તલવારને લાવ્યા કરે છે.

ખૂનનો વેપાર જેણે આદર્યો છે,
અમનના ગીતો મહીં લાવ્યા કરે છે.

જર, જમીં, જોરૂ, કજીયાના કછોરૂં,
કોણ કોને ભાગ, લલચાવ્યા કરે છે.

શું કરું ને જાનહાની થાય, એવી-
લાગણીને આતંકી ચાવ્યા કરે છે.

પેટનું પાણી ના હાલે, એ બધા, જણ-
ગીત- ખુરશીની રમત લાવ્યા કરે છે.

ચાલ ને જિતવા, કશેક અમન મળે, તો-
પ્રેમના ખેતર ‘મનુજ’ વાવ્યા કરે છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૦૮/૨૦૨૩

બંધારણ: ગા લ ગા ગા, ગા લ ગા ગા, ગા લ ગા ગા

November 20th 2023

હસતું દોજખ

સામે જ તો મંઝિલ હતી, રસતો નથી મળ્યો.
રોતલ નસીબમાં કોઈ, હસતો નથી મળ્યો.

પથ્થર છું ઈંટ છું હું, એની ખબર નથી,
ખંડેરમાં કો’ મુજ સમો, વસતો નથી મળ્યો.

જેને હું જોઉં છું હવે, ઉર્જા વગરનો છે,
લોઢાની સાથે ચકમક, ઘસતો નથી મળ્યો.

દિવસો જુદાઈના ગયા, આશા મરી ન’તી,
વિશ્વાસ આ સંબંધનો, ખસતો નથી મળ્યો.

આ તે કેવી જગા હતી, હસતું હતું દોજખ,
જોયા ઘણા વિદુષકો,પણ, હસતો નથી મળ્યો.

પરિચય પરિણયમાં મળે, એવું સ્વપ્ન હતું,
રિશ્તો છતાં પણ આગળ, ખસતો નથી મળ્યો.

ટકે શેર ભાજી ખાજા, મોંઘું મળ્યું જીવન,
જુઓ ને હવે માણસ, પણ, સસતો નથી મળ્યો.

નહીં ઘરનો ના ઘાટનો, શ્વાન નહીં, માણસ-
‘મનુજ’ એ કરડે છે, કિન્તુ ભસતો નથી મળ્યો.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૯/૨૯/૨૦૨૩
બંધારણ: ગા ગા ગા ગા = 14 + 10

November 18th 2023

લેખન એ નશો છે, હા, વિજયને ચઢે, એવો કોઈને નહીં.

હ્યુસ્ટનમાં બહુ શખ્શો જોયા,પણ, વિજય જેવો કોઈ નહી.
ગુજ્જુ સાહિત્યને વિકસાવનાર, વિજય જેવો કોઈ નહી.

સિક્કાની બે બાજુઓ હોય છે, એની સહુને જાણ છે,
સાહિત્ય-નાણાનું રોકાણ કરાવનાર, વિજય જેવો કોઈ નહી.

મનન, ચિંતન, કથા, નવલકથાઓમાં શબ્દોના તોરણો જોયા,
ગુ.સા.સ.માં સૌથી વધુ લખનાર,પણ, વિજય જેવો કોઈ નહી.

લેખન, વિવેચન, પ્રકાશન, પ્રસ્તુતિ, જેનો ડાબા હાથનો ખેલ,
ગુ.સા.સ.માં લેખકો વધારનાર,પણ, વિજય જેવો કોઈ નહી.

લખવા પ્રોત્સાહિત કરવું કોઈને, તે સહુને હસ્તગત નથી હોતું,
‘મનુજ’ને વધુ લખતો કરનાર, પણ, વિજય જેવો કોઈ નહી.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૧૮/૨૦૨૩

– આજે તા. ૧૧/૧૮/૨૦૨૩ના રોજ, હ્યુસ્ટન ખાતે, ગુજરાતી ભાષાની
વૃધ્ધિના શિલ્પકાર શ્રી વિજયભાઈના સન્માન પ્રસંગે સાભાર પ્રસ્તુત કરું છું.

May 6th 2023

મૃત્યુની એ ક્ષણે

સાથે કશું ન આવશે, મૃત્યુની એ ક્ષણે.
યમરાજ સાક્ષી બનશે, મૃત્યુની એ ક્ષણે.

પુરુષાર્થ એટલો કરી, ભેગું કર્યું ઘણું,
તકદીર પણ ફૂટી જશે, મૃત્યુની એ ક્ષણે.

ચેહરો ચિતરાવ્યો ઘણો, સાંધા બદલ્યા,પણ-
માટી, માટીમાં જશે, મૃત્યુની એ ક્ષણે.

જિવતર પાણી, ધૂળ છે, અગન, પવન, આકાશ-
સહુ તુજથી છૂટી જશે, મૃત્યુની એ ક્ષણે.

ન ચાહું હીરા-મોતી, ના વાડી-મહેલાત,
રામ નામ મુખમાં હશે, મૃત્યુની એ ક્ષણે.

રેખાઓ કોતરાવી, આવ્યો છું જગ મહીં,
મૂઠ્ઠી એ ખૂલી જશે, મૃત્યુની એ ક્ષણે.

સામે ગંગા તટ મળે, જમના મળે, છતાં-
પાણી, નસીબ ના હશે, મૃત્યુની એ ક્ષણે.

અરજ અમારી આટલી, સહુને કરું છું ખાસ,
આંસુ ના આંખમાં હશે, મૃત્યુની એ ક્ષણે.

કેવી ‘મનુજ’ દશા હતી, તહેનાતમાં ઘણા,
ડાઘુ ય ક્યાંય ના મળશે, મૃત્યુની એ ક્ષણે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૦૬/૨૦૨૩

September 9th 2020

હા, એ સ્લેટ મારી હતી…

એક સમયે જે કોરી-કટ હતી, હા, એ સ્લેટ મારી હતી.
અક્ષરોથી ઠાંસી જે ભરી હતી, હા, એ સ્લેટ મારી હતી.

જોવા એને કોઇ શિક્ષકે લીધી, કે મારા પ્રેમાળ પિતાએ-
સુંદર શે’રો મારી પાછી આપી, હા, એ સ્લેટ મારી હતી.

કદી એ પડી કે કોઇએ પાડી, ને ફરી પાછી એ તૈયાર-
કંઇ નવું લખવાની ધગશ વાળી, હા, એ સ્લેટ મારી હતી.

ક્યારેક મેં એને પાણીથી કે ક્યારેક મેં થૂંકી લુંછી હતી,
છ્તાં ય કોઇ પણ રોગ વગરની, હા, એ સ્લેટ મારી હતી.

ફલાણાએ કહ્યું કે લખો ને ઢીંકણાએ કહ્યું કે ભૂંસો,
જે કાંઇ લખાવ્યું તે લખતી રહી, હા, એ સ્લેટ મારી હતી.

હાંફળી ફાંફળી પાછળ દોડી મારી માએ બૂમ પાડી હતી,
“લે, બેટા, દફતરમાં મૂક પાછી”, હા, એ સ્લેટ મારી હતી.

“જો, ‘મનુજ’!” કહ્યું પિતાએ, “અંક ગણવા શું લાવ્યો છું?”
બાજુમાં મણકા વાળી, પહેલી, હા, એ સ્લેટ મારી હતી.

-શિક્ષક દિને, સર્વે શિક્ષકોને અર્પણ…

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૯/૦૪/૨૦૨૦

May 27th 2020

દીવાલો તમે તોડી ના શક્યા.

તમને મળવા અમે આવી ના શક્યા.
સૂતી તકદીર જગાડી ના શક્યા.

સીધી આંખો હતી સીધા રસતા,
ઉલ્ટા ચશ્મા જ કઢાવી ના શક્યા.

જેવો ધાર્યો તમે એવો હું નથી,
જેવો ઇચ્છ્યો’તો, બનાવી ના શક્યા.

બસ, હું એટલો સમીપ આવી ગયો-
કે, એ પાલવમાં મુખ ઢાંકી ના શક્યા.

સાથે રહેવાની વાતો માનું છું,
પણ, દીવાલો તમે તોડી ના શક્યા.

દિલમાં કે ખયાલોમાં કે શમણાંમાં-
ક્યાં ખોવાઉં એ વિચારી ના શક્યા.

કાલે, જે આજ થવાનું હતું, તે થયું-
પેપર ફૂટ્યું તે છુપાવી ના શક્યા.

તારી મહેફિલ હતી, ‘મનુજ’ ના હતો,
મારી ચર્ચા વગર રહી ના શક્યા.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૨૬/૨૦૨૦

Next Page »