February 18th 2008

હવે તો

અસ્તિત્વ માટે લડશું હવે તો.
હા, લાશ થૈ ને તરશું હવે તો.

કેવાં વિધાનો વિધિનાં થયા છે,
ફૂલો થયા તો ફળશું હવે તો.

કેવો નશો આ તુજ આંખ કેરો,
ચાલું ન ચાલું લથડું હવે તો.

ખોટો ખરો છું મજનૂ તમારો,
લૈલા થશો જો મળશું હવે તો.

તાકાત છે નૈ ચઢવા મિનારો,
આકાશમાં શું ઉડશું હવે તો.

સીધા કદી વિસ્તરવું હશે, તો-
પૃથ્વી સમા કૈં વળશું હવે તો.

સાફો ચલાવે ફળિયું રડાવી,
જો ઘૂમટો કે’ વરશું હવે તો.

પ્યાલો ઉઠાવી મુખ પાસ,સાકી-
લાવી ન ઢોળો, ઢળશું હવે તો.

જાણે અજાણે થઇ ભૂલ મારી,
માફી છપાવા મથશું હવે તો.

કાંડે ચુડી ને નજરૂં અધીરી,
આર્સી ધરી શું કરશું હવે તો.

જંપી ગયા છો, શિર ટેકવીને,
ખોળો ન ખાલી કરશું હવે તો.

વર્ષો વિતાયાં વનવાસ જેવા,
હા, રામ રાજ્ય કરશું હવે તો.

અંગો ઉમંગો વિકલાંગ છે, ને-
ઝાલો ન ઝાલો પડશું હવે તો.

ખાવા મળ્યું તો બસ ખાઇ લીધું,
કોર્ટ કચેરી ભરશું હવે તો.

છોડો કિનારો મઝધાર જાવા,
પામો કિનારો હરસું હવે તો.

ભાગ્ય ન જાગે ‘મનુજે’ જગાડ્યું,
ત્રાંસા બજાવી જગવું હવે તો.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૧૭/૨૦૦૮

ગઝલ-છન્દઃ ઈન્દ્રવજ્રા, ગણ-બદ્ધ =ત,ત, જ,ગ,ગ,
અક્ષરમેળ છંદ, ૧૧ અક્ષર યતિ-૫ અને ૧૧ અક્ષરે.