January 21st 2010

આદતો…. ઈબાદતોની

આદતો ઇબાદતોની આજ બદલાઈ રહી છે.
જાત આખી જાતમાંથી આજ વટલાઈ રહી છે.

એ ગયા એવી અદાથી, શું થયું પાછું અચાનક,
એમના પાછા વળ્યાની વાત ચરચાઈ રહી છે.

સફરમાં સંગાથની સાંકળ નડે એવું નહિં બને-
હા,સનમની ચૂપકીદીની જાળ વિખરાઈ રહી છે.

નાક વચ્ચે છે છતાં કેવો મઝાનો સંપ છે, અહિં-
આંખ રૂએ એક તો બીજી ય છલકાઈ રહી છે.

યાર સાથે યારના આ યારની રંગરેલિયાંઓ,
એમની આંખોંમાં ચશ્મેદીદ ઝડપાઈ રહી છે.

શ્વાસમાં વિશ્વાસ હોવો છે જરૂરી જિવનમાં,પણ-
આંધળા અવિશ્વાસની ઉણપ વરતાઈ રહી છે.

ચાલવું પડશે, હવે બે હાથથી એવી શીખામણ,
પગ નથી જે અપંગના એને જ કહેવાઈ રહી છે.

કા’નની ભૂરાશમાં રાધા ભળી છે રતુંબડી, ને-
આજ એ ઘનશ્યામ થઈને સઘળે પુજાઈ રહી છે.

રાત નિકળી છે ભિખારણ જેમ અજવાળું કમાવા,
ચાંદનું છે પાત્ર કરમાં ને ભિક્ષા માંગી રહી છે.

અય મનુજ,એ જાય છે,અભિસાર કરવા કે છિનાળું
માનુનીની ચાલથી આ વાત પરખાઈ રહી છે.

ગઝલ બંધારણઃ (અખંડ) રમલ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦-૨૪-૨૦૦૯

January 21st 2010

જુઠા તર્કો

તર્કો જુઠા છે એમના એ એહવાલમાં.
ઇન્કાર ભારોભાર છે એ એકરારમાં.

આવે નહીં જો એ હવે બસ એમની મર્જી,
કરતો રહીશ હું આવવા અરજી પર અરજી,
અમને પુરો વિશ્વાસ છે મુજ એતબારમાં.
તર્કો જુઠા છે એમના…..

લૌકિક કંઇ જોઇ શકે, એવી દ્રષ્ટિ નથી,
શમણાં વગરની વાસ્તવિક એની સૃષ્ટિ નથી,
પાંખો કપાયેલી અને ઊડે વિરાનમાં.
તર્કો જુઠા છે એમના……

રાણી ભલે એ હો’ ભિખારી છે પુરાણમાં,
કુંડળ કવચ માંગ્યું ‘મનુજ’ બસ વાત વાતમાં,
દિકરા થકી દિકરો લુંટ્યો’ તો સહેજ વારમાં.
તર્કો જુઠા છે એમના……

એક સુંદર ગેય ગીતની રચના થઇ ગઇ…!
ન-કાર ભારોભાર છે…તો માફ કરશો.
છંદ બાંધણીઃ
ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા.
‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧-૨૦-૨૦૧૦

January 21st 2010

રસતા

ખાલી-ભર્યા, વાંકા-ચુકા રસતા ઘણા મળ્યા.
એવાં, જુઓ ને, આદમી વસતા ઘણા મળ્યા.

દિલનું દરદ છુપાવતાં આંસુ સરી પડે,
આંસુ છતાં, પી ને પછી હસતા ઘણા મળ્યા.

જેણે બનાવ્યો છે મને, એને બનાવતા,
પ્ત્થર ઉપર પત્થર સમું ઘસતા ઘણા મળ્યા.

દાના બની, અખબારમાં છબીઓ મુકાય છે,
ગરજ્યા વગર વાદળ પણ વરસતા ઘણા મળ્યા.

રસતે મળ્યા, રસતા ઘણા, રસતો ભુલાવવા,
જાતે જ ખુદ ખોવાયલા, રસતા ઘણા મળ્યા.

ચાલ્યા કર્યું, ભૂલા પડ્યા, રસતે ઘડી ઘડી,
કા’ના સમા કંઇ ભોમિયા હસતા ઘણા મળ્યા.

કુદરત ભલે કોપે, છતાં, માનવ રહે અડગ,
ખંડેર કંઇ નગરો ફરી વસતા ઘણા મળ્યા.

સંસારના સંગ્રામમાં કો’ક જ રહે પડખે,
પાછા પગે, માટી-પગા ખસતા ઘણા મળ્યા.

બસ રાહ જોતો ક્યારનો ઊભો હતો ‘મનુજ’,
ને, કાફલા મુજ આંખથી ખસતા ઘણા મળ્યા.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૧-૧-૨૦-૨૦૧૦
ગઝલઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા
૨૪ માત્રા.