July 18th 2008

વહુ તેડાવી

ઘણા વખતથી જેઠાના પુત્ર ગીગાની વહુ એને પિયર વળી ગઇ હતી. જેઠાએ આજે તો ગીગાને એની પિયર પાછી વળી ગયેલી વહુને તેડી મંગાવવા ખૂબ સમજાવ્યો. પોતે જાતે જઇને કાક્લૂદી કરીને પણ એને તેડી લાવશે એવી વાત માંડી. પોતાની પત્નિ સવલીની નામરજી હોવા છતાં, એણે એને જબરજસ્તીથી કાબુમાં રાખી. અને, આખરે સમજાવટ તથા ધાક -ધમકી જેને માટે વાપરવા પડ્યાં તે પુત્ર-વધૂને, પોતાના છોકરા માટે, તેના પિયર માંથી પાછી તેડી લાવવા માટે તે પુત્ર -વધૂના ગામે જઇ પહોંચ્યો.
વહુને તેની સાવકી સાસુ, હવે ભવિષ્યમાં કોઇ પણ જાતનો ત્રાસ (!) આપે નહીં, એવું પિયરિયાઓને ગળે ઉતારતાં નાકે દમ આવ્યો. ગમે તેમ, પણ, મન મનાવીને, જેઠાએ આપેલી હૈયાધારણને અનુકૂળ થઇને તથા છોડીનું જ ભલું છે સમજીને પિયર પક્ષ સમાધાનના નિર્ણય પર આવ્યો.
માનેલી હાર-જીત, શંકા-કુશંકા અને દુઃખ-સુખની મીશ્ર લાગણીના ભાવ-અભાવ મોં પર છવાયા ના છવાયા ને વિદાયનો પ્રસંગ પિયર પક્ષે પતાવ્યો.
હરખઘેલો તે, તેના જેટલી જ પ્રફૂલ્લિત એવી પુત્ર-વધુને લઇને, પોતાના ગામમાં પ્રવેશ્યો. તેનું ઘર બંધ હતું. તાળુ મારેલું હતું. તેણે ઘર ખોલ્યું. અને, વહુનો ગૃહ-પ્રવેશ થયો.
તેણે અચરજ ભરેલી નજરે સામે પડેલો કાગળ જોયો. હાથમાં લીધો. એની ભણેલી ગણેલી પત્નીએ લખેલો કાગળ હતો. એટલામાં, બાજુના ઘરવાળી રેવતીએ આવી ને એના કાનમાં મોં ઘાલીને વાત કરવા માંડી. ને પછી, એણે પોતાનું માથું કૂટ્યું.
હા, ગીગાની વહુને પાછી ઘેર લાવવામાં, તેની પોતાની બીજીવારની વહુ સવલી એના પિયર પાછી વળી ગઇ હતી.

July 17th 2008

વિધાતાનો અભિશાપ

ભગાની વહુને પતરું વાગ્યું. ચારેક દિવસે મટ્યું ના મટ્યું ને આખા શરીરે ખેંચ આવવી શરૂ થઇ ગઇ. ભગો દવાખાને દોડ્યો. ડોક્ટરે સરવાર કરવાની ના પાડી, ને તાલુકાની મોટી હોસ્પીટલમાં એને લઈ જવા કહ્યું. ભગો કકળ્યો, પણ ડોક્ટર ધરાર ના માન્યો. “ધનૂરની મારી પાસે કોઇ દવા જ નથી”, એમ કહીને ટાઢા પાણીએ ખસ કાઢી.
આખા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ. ભગાની વહુને તો તાલુકાની હોસ્પીટલે લઇ જતાં, અર્ધા રસ્તેથી જ અગ્નિસંસ્કાર માટે પછી લાવવી પડી.
એ જ સાંજે, વળી ગામમાં અચરજ ફેલાયું, જ્યારે કંપાઉન્ડરના છોકરાને પગમાં ખીલી વાગ્યા બાદ ધનૂરનું ઈંજેક્ષન અપાયું. આખું ગામ અને ભગો સમસમીને બેસી રહ્યાં. લોકોએ ડોક્ટર સામે ફરિયાદ કરવા ભગાને સમજાવ્યો. પણ, ભગો તો આખા પંથકનો ભગત હતો. અરે, સાચા અર્થમાં ભગત હતો. એના ભોળા મને તો ડોક્ટરને ક્યારની ય માફી આપી દીધી હતી. અને, આમ આ વાત પર પડદો પડી ગયો.
એક દિવસ, ડોક્ટરને ઘેર નાગ નિકળ્યો. ગભરાટમાં દોડાદોડી કરતી ડોક્ટરની પુત્રીને આભડી ગયો. લોકો ભેગા થયા. ડોક્ટર આવ્યા. દવાઓ જોઇ. એન્ટીડોટ પર એક્ષ્પાયરી ડેટ જોઇ. ડોક્ટરે દુઃખ્માં માથું ધુણાવ્યું. લાચાર ડોક્ટરનું મોં જોઇ લોકો સમજી ગયા. દર્દીને તાલુકાની હોસ્પીટલમાં ખસેડવી જોઇએ માની ગાડું જોડ્યું. ડોક્ટર, “જલ્દી કરો, જલ્દી કરો” બોલ્યા. એટલામાં, ગીગા પટેલને યાદ આવ્યું ને બોલ્યા, ” અરે, કોઇ ભગાને બોલાવો. એના જેવો ઝેર ચૂસનારો આખા પંથકમાં કોઇ નથી.”
લોકો દોડ્યા, ભગલાને ઘેર. ભગાને વાત કરી. વાત જાણી કે તરત જ ભગો પગમાં ચાખડીઓ ઘાલી, પછેડી લેવા દોડ્યો. પણ, પાછું કંઇક યાદ આવ્યું એટલે પછેડી પાછી મૂકી, જોડા કાઢી, ટાઢાશથી હિંચકે હિંચકવા બેઠો. ભગતને લોકોએ વેર મૂકી દેવા સમજાવ્યો. ભગતે નમ્રતાપૂર્વક આંખમાં આંસુ સાથે હાથ જોડી, બધાને પાછા ચાલી જવા કહ્યું. લોકો, ભગતના નામ પર થૂ…કરી, એની બોતેર પેઢી તારાજ થઇ જાય એવા વેણ કાઢી, ચાલી ગયા.
આ બાજુ, તાલુકાની હોસ્પીટલે જવાના અર્ધા રસ્તે છોકરી ફાટી પડી. એના અગ્નિસંસ્કાર કરવા, લોકો ગામ બહાર ટીંબે ઊભા કરેલા સ્મશાને એકઠા થવા લાગ્યા. લોકોને અચરજ થયું, જ્યારે એમણે જોયું કે ભગો સહુથી પહેલો આવીને છાતીફાટ રડતો હતો. લોકોએ બહુ પૂછ્યું, તો જવાબ આપ્યો, ” શું કરું…ભાઇઓ, મારા ત્રણ છોકરાઓની મા ગણો તો મા ને બાપ ગણો તો બાપ, તે હું એક જ છું. મારા વિષે તમે લોકો ગમે તેમ વિચાર કરો તે પહેલા હું ઇચ્છું છું કે તમે બધા…મારું આ મોં… જૂઓ…”, અને એણે એનું પોતાનું મોં બધાની સામે ખોલ્યું.
ભગાનાં મોઢામાં ત્રણ-ચાર મોટા-મોટા ચાંદા હતા.

July 16th 2008

કુમાર અસંભવ!

પ્રીતિએ ચલચિત્ર જોવા માટે જીદ પકડી. ફિલ્મનું નામ હતું, ‘ PREGNANCY AND CHILDBIRTH ‘. તેના પતિ અને સંસ્કૃતના પ્રોફેસર કુમારે મોકો મળ્યો જાણીને મોંઘવારી અને ટૂંકા પગાર અંગે ભાષણ ચાલુ કર્યું. છેવટે, નવી નવેલી નવોઢાની વાત માનવી પડી. જાણવા જેવું ઘણું જોયું, ન જાણવા જેવું વળી તેનાથી વધુ જોયું. સુગ અને આનંદનું સંમીશ્રણ બન્નેના મુખ પર જોવા મળ્યું, એક બીજાને. છતાં, બન્ને વાત કરવાનાં મુડમાં ન હતા.
રીક્ષા બજાર ચોકમાં જેવી ઘૂસી કે તેમણે ટોળું જોયું, દુકાનો તોડતું, કેબીનો બાળતું, લુંટ-ફાટ કરતું. એમને તરત જ ખ્યાલ આવી ગયો. મોંઘવારી-આંદોલને જોર પકડ્યું હતું. શોર બકોર, લુંટ-ફાટ, બળવાની તિવ્ર વાસ અને અરાજકતા, જ્યાં નજર નાખો ત્યાં ફેલાયેલા હતાં. રીક્ષા પણ ફસાઇ ગઇ. વધુ કશું ય વિચાર્યા વગર પ્રિતી અને કુમારે દોડવા માંગ્યું. અને, પોલિસના વાહનોની સાયરનોનો અવાજ પણ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. દોડ ધામ શરૂ થઇ ગઇ. લોકો કચરાઇ જવા લગ્યાં. કચરાયેલા ચિસો પાડવા લાગ્યા. સામેની બાજુથી પોલિસોએ ડંડાબાજી શરૂ કરી,પણ લોકોએ પોલિસોને મારી હઠાવ્યા. પોલિસોએ હવે વ્યુહ બદલ્યો. આશ્રુવાયુનાં ટેટા શરૂ થયાં. છતાં, લોકો ગાંઠ્યાં નહીં. અને અંતે, પોલિસે તેનું આખરી શસ્ત્ર ઉગામ્યું.
કુમારને લાગ્યું કે તેના સાથળના મૂળમાં કશુંક પક્ષી જેવું કરડ્યું. પછી, તેણે સખત વેદનાની સાથે, સાથળની નીચે તરફ ગરમાવો વહેતો અનુભવ્યો. આંખે અંધારા વળવા લાગ્યા.જમીન આસમાન ગોળ-ગોળ ફરવા લાગ્યા. અને, તે કાંઇ પણ બોલે તે પહેલા, રૂધિરના ખબોચિયામાં ફસડાઇ પડ્યો. પ્રીતિ ગભરાઇને ચિસો પાડવા લાગી. થાકીને અંતે એ કુમારના ઘવાયેલા શરીર ઉપર માથું નાખી રડવા લાગી. મોંઘવારી આંદોલનના લડવૈયાઓને (!) પ્રીતિની લાચારી સોંઘી લાગી. અત્યારે કોઇ પણ બહાદૂરનો બેટો (!) ઊભા રહેવાની કાયરતા (!) બતાવવા તૈયાર ન હતો.
અંતે એ જ થયું. પોલિસની સમયસૂચકતાને પરિણામે મોંઘવારીના આંદોલન નો આ હિંસક (!) લડવૈયો, મહાત્મા ગાંધી હોસ્પીટલમાં અને પછી ત્યાંના ઓપરેશન થીયેટરમાં પ્રવેશ પામ્યો. ઘણી જહેમત બાદ, જાડા કાચના ચશ્માવાળા, તોળી તોળીને અંગ્રેજી શબ્દો બોલતા સર્જને ઓપરેશન થીયેટરની બહાર નિકળીને ઊંડો સ્વાસ લીધો.
દરદીને રજા આપવાનો સમય આવ્યો. ડોક્ટરે દંપતિને શુભેચ્છાઓ પાઠવી. અને, અંતે જેની સાથે હોસ્પીટલના રોકાણ દરમિયાન લાગણીનો સંબંધ બંધાયો હતો એવા એમના આ દર્દી…સંસ્કૃતના પ્રોફેસર…કે જેમનું પ્રિય પુસ્તક હતું ‘કુમારસંભવઃ’, એને ગળગળા સાદે જણાવી દીધું કે ..કુમાર કે કુમારિકા… હવે તો તમારે માટે અસંભવ !!!

July 15th 2008

સુંદર-અસુંદર

એ સુંદર યુવતી સોસાયટીના શાંત અને નિર્જન રસ્તે મલપતી પસાર થઇ રહી હતી. પાછળ, હું પણ તેની સુડોળ પીઠનું ડોલન જોતો-માણતો જઇ રહ્યો હતો. અચાનક, એ સ્ત્રી ઊભી રહી ગઇ. કારણ શોધવા મેં આજુ-બાજુ દ્રષ્ટી ફેરવી. કાળી ભમ્મર અને બિહામણી લાગે એવી એક બિલાડી, રસ્તાની એક બાજુ પર ઘૂરકતી રસ્તો ક્રોસ કરવા માટે ઊભી હતી. હું એ સ્ત્રીનો ભય સમજ્યો. કોઇ ચોક્કસ કે અચોક્કસ કામ અર્થે જતી એ સ્ત્રી નો ભય સમજ્યો. સ્ત્રીને અપશુકન થાય એ પોષાય એમ નહોતું, એમ મને લાગ્યું. અને, એટલે જ એ સ્ત્રી, બિલાડી રસ્તો ક્રોસ કરે તે પહેલા જ, દોડીને રસ્તા પર આગળ નિકળી ગઇ. હું જોતો જ રહ્યો. હા, આખરે એ વહેમી સ્ત્રીએ આવી પડનારા સંભવિત અપશુકનનો ભય વટાવી દીધો હતો.
હવે, આ બાજુ, બિલાડી રસ્તો પસાર કરવા ઊભી જ હતી. બિલાડી આ બે-પગા પ્રાણીની આવી આ આકસ્મિક હિલચાલથી ડરી ગઇ. પણ, છતાં ય હિંમત કરી ને એ રસ્તો ક્રોસ કરવા દોડી. અને, વળાંક પરથી ઝડપથી ધસમસતી આવતી કારને, તે…ન તો પસાર કરી શકી કે ન તો પોતાની ગતિ પર કાબુ રાખી શકી. અને, જે બનવાનું હતું તે બન્યું.
કારનો માલિક, બીકનો માર્યો, કારને ઝડપથી હંકારી ગયો. આખા ય આ બનાવનો મૂક પ્રેક્ષક જેવો હું, એ તરફડતી, છેલ્લા સ્વાસ લેતી સુંદર બિલાડીને જોઇ રહ્યો. પછી, અમારી બન્નેની વિષાદભરી નજર એકબીજા પરથી હઠી ને ઝડપથી પસાર થતી એ બિહામણી સ્ત્રીના ચૂડેલ જેવા વાંસા ને જોઇ રહી.

July 15th 2008

સિંહનું ચામડું

પાણીના ભરેલા માટલાં, કોઠીઓ તથા પાણી પીવાના પવાલાં લઇને એક હ્રુસ્ટપુષ્ટ જુવાન-સાધુ હાઇવે પરના રસ્તાની એક બાજુ પર બેઠો હતો. મોટરમાં, બસમાં કે સ્કુટર પર પસાર થતા મુસાફરો અહીં તરસ છિપાવવા વાહનો થોભાવતાં. આવું ઉત્કૃષ્ટ કક્ષાનું સામાજીક કામ, નિસ્વાર્થ ભાવે કરતા આ સાધુને મુસાફરો મનોમન આશિર્વાદ આપતા. પાણી પીવડાવવા માટે એ કાંઇ પણ લેતો ન હતો. મોટરમાં કે બસમાં નિયમીત રીતે આ હાઇવે પર આવ-જા કરનારા લોકો તેને માટે કાંઇક ને કાંઇક -અનાજ નો કોથળો કે ફળોનો કરંડિયો વિગેરે- આગૃહપૂર્વક મૂકી જતાં. અને આ ભલો સાધુ નિરપેક્ષ પણે એ જ કોથળા કે કરંડિયા બીજી ગાડીઓના મુસાફરોને પ્રસાદ સ્વરુપે, નમ્રતાપૂર્વક આશીર્વાદ સાથે આપી દેતો. તેનું પોતનું ગુજરાન એ આજુબાજુના જંગલમાં થતાં ફળફૂલો દ્વારા ચલાવતો. નદી કિનારે ઝૂંપડી બાંધીને એક્ટાણું કરીને તે રહેતો. અરે, કેટલીક વાર તો એ પોલિસોને પણ આશિર્વાદ સમ બની જતો. પોલિસ કોઇ ચોક્કસ નંબર ની ગાડી વિષે પૂછે, તો તે કઇ બાજુ ગઇ તે તેમને જણાવતો. અને, તેથી જ તો હાઇવે પેટ્રોલ પોલિસ પણ એના પર ખુશ રહેતી.
એક દિવસ, એક પરદેશી લાગતી ગાડી અહીં આવી ઊભી રહી. મોટા ગોળમટોળ પેટવાળા શેઠજી એમાંથી ઊતર્યા અને ડ્રાઇવર પાસે એક ફળનો મોટો કરંડિયો ઉતરાવ્યો. સામાન્ય લહેકામાં શેઠજીએ સાધુ ને પૃચ્છા કરી, “બાપજી, કેમ ચાલે છે ? “. સામન્ય રીતે ખુશખુશાલ રહેતા સાધુએ, આજે અણગમો બતાવીને કહ્યું, ” ઠીક છે, પણ….નદીએથી પાણી લાવવામાં મહેનત બહુ પડે છે.” અને, ત્યારે જ ત્યાં એક બસ આવીને ઊભી રહી. તેમાથી ઉતરતાં પેસેન્જરોને જોઇને ઉતાવળથી શેઠનાં કાનમા મોંઢુ ઘાલીને પૂછ્યું, ” કારનો નંબર…? મેઇક.. ? મોડેલ…?” અને , પછી કડવાશથી પરંતુ મોઢું હસતું રાખી પૂછી નાંખ્યું, ” કેટલા વાગ્યે…?”. અને પછી, પહેલા પેસેન્જરને નજીક આવતો જોઇ હળવેકથી ડ્રાઇવરના હાથમાંથી કરંડિયો લઇ એણે માટલા અનેં કોઠીઓની બાજુમા મૂંકી દીધો. અને શેઠજીને પછી ધ્યાનથી સાંભળવા લાગ્યો.

April 8th 2008

ભાસ-આભાસ

આંખ મ્હારી ને હવે મેં શું નિહાળ્યું, જાણવું છે!
પ્રેમનાં આ વ્હેણમાં મેં શું ગુમાવ્યું, જાણવું છે!

જે રમકડાનાં થયા ટુકડા ઘણાં, ટૂટી જતાંમાં,
એ ફરી જોડી નવું કોણે બનાવ્યું, જાણવું છે!

ચાંદ ચાંદરણું લઈ આવે કદી આકાશમાં, પણ-
ધરતિ પર આ સ્વર્ગ કોણે અહિં ઉતાર્યું, જાણવું છે!

ચાલતા લથડી, ધરાશાયી થયો છું હું, છતાં પણ-
મુજ વજન કોણે ખભા પર લઇ ઉપાડ્યું, જાણવું છે!

કરગરીને નત મસ્તકે, જિંદગી માગી અમારી,
ને, પછી ડોકું, કયા કારણ ઉતાર્યું, જાણવું છે!

મોરના ટહુકા પૂકારે, રાહ જૂએ મારગ ધુળીયા,
વતનની ધૂળે, ઘણું યે કે’વડાવ્યું, જાણવું છે!

સાત સાગરમાં ‘મનુજ’ તરતા રહ્યા છો, તો પછી,કાં-
ઢાંકણીમાં જળ લઈ, ડૂબી બતાવ્યું, જાણવું છે!

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૪/૦૭/૨૦૦૮
છંદ- રમલઃ સાલિમ મુસમ્મન છંદ- ગાલગાગા નાં ચાર
આવર્તનોવાળો અખંડ ગણીય છંદ. ફા.ઇ.લા.તુન=ગાલગાગા.
=૨+૧+૨+૨=૭ માત્રાઓ ગુણ્યા ૪= ૨૮ માત્રાઓ એક પંક્તિમાં
હોય છે. એક શેરમાં ૫૬ માત્રાઓ હોય છે. ભાઇ શ્રી ‘રસિક’ મેઘાણીના,
શેરમાં ‘વજન’ હોવા અંગેના, તથા ‘વસ્તુ’ હોવા માટેના અત્યાગ્રહને
માન આપીને જેની રચના કરી છે, તે આ સાથે એમને અર્પણ કરું છું-

March 30th 2008

લાગણીની બાદબાકી

આ પરવતો નીલી ઘટાઓને કદી નડતા હતા.
ને, આંતરી રસતો, ભિંજવવા માંગણી કરતા હતા.

મન થાય તો માંગી લઉં, પાડી નથી ધાડો કદી,
ચુકવ્યું બધાનું કરજ મેં, ખુદા ખિસ્સા ભરતા હતા.

આ લાગણીની બાદબાકીની ખબર ત્યારે પડી-
સંબંધની ઠેસો ભર્યું જ્યારે ગણિત ગણતા હતા.

સાજન, સગાં ચાલી ગયા, સજની રહી ગઇ એકલી,
પૈઠણ મરક મરકી રહી, મિંઢળ ભડકે બળતા હતાં.

દિવસો જુદાઈ ના ગયા, જાશે હવે બીજા ઘણા,
સાગર ઉલેચી યાદના, ખાલી જગા ભરતા હતા.

ફૌલાદના સરદાર ને રૂદે ગુલાબ ભર્યું રતન,
નાગો ફકિર સંગ એમના, અંગરેજને ડારતાં હતા.

સ્વેત શિશિર ગયો ભાગતો, બીજી તરફ એ ધરતિની,
કારણ, વસંતી રંગ તો અહિં આવવા મથતા હતા.

આ ઝાંઝવા જેવું જિવન કેવું લપસણું વ્હેણ છે,
જિવતાં ડુબે લોકો અને તરવા શબો બનતા હતા.

એ ચિત્ર હવે કેવું હશે, કોનું હશે, ન ખબર પડી,
કારણ, ‘મનુજ’ના કર, હવા રંગો વડે ભરતા હતા.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૯/૨૦૦૮
છંદ- રજઝ – જેમાં ગાગાલગા ના ચાર ગણીય આવર્તનો છે.
મુસ.તફ.ઇ.લુન = મૂળ ગણ = ૨+૨+૧+૨ = ગાગાલગા.
એક પંક્તિમાં ૭ ગુણ્યા ૪ = ૨૮ માત્રાઓ હોય છે, અને આખો
શેર ૫૮ માત્રાઓનો હોય છે. ફરી એક વાર પ્રો. સુમન અજમેરીને
એમના નવા પુસ્તકના, સાહિત્ય જગતને પ્રદાન બદલ ધન્યવાદ સાથે-
અને, ‘રસિક’ મેઘાણીજીના ગઝલમાં ‘વજન’ લાવવાના સકારાત્મક આગ્રહને
ધ્યાનમાં રાખી, અને એને માન આપી, એમને આ અર્પણ કરું છું.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૯/૨૦૦૮

March 23rd 2008

ઢળી મૂછો, પડ્યા લીંબુ !

કહું છું હું તને એવી જગાએ આવવા માટે.
કરીએ આપ-લે દિલની જિવનને જીવવા માટે.

ધુમાડો ફેફસાંમાં ખાંસતા ઠાંસી ભલે દીધો,
ઠસો ઠસ ભીડ ઉમટી છે, મના ફરમાવવા માટે.

તમોને એમ છે જાણે તમે ઘરમાં સલામત છો,
ઉઘાડો દ્વારને નિકળો ઘડી ભર ભટકવા માટે.

વતન આવ્યો જ છું, બસ, મરણ પણ વતનમાં જ મળે,
મુઠી ભર ધૂળ આ માથે ભરું દફનાવવા માટે.

કરીએ શું જઈ એવી જગાએ ભીડમાં, કે જ્યાં-
મળે સહુ પોતપોતાની કથા બિરદાવવા માટે.

ખુદા મારો જ સાચો છે કહેનારા બહેરુપિયા,
ધરમના નામ પર નિકળી પડે વટલાવવા માટે.

શુકન કહિશું, કમોસમના વરસતા માવઠાને, કે-
વિધાતાના સિતમ, છતમાં સુરાખો આપવા માટે ?

સમયના ગરભમાં એવો દટાયો છું,અય,હમસફર!
કરું કોશિશ ચિરીને પેટ બા’ર કઢાવવા માટે.

કરે નિંદર બહારવટું, ઢળી મૂછો, પડ્યાં લીંબુ,
ઉઠાવો કલમ ‘મનુજ’ સુતું જહાન જગાડવા માટે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૧/૨૦૦૮
છંદ-હઝજ (લ ગા ગા ગા= ૧+૨+૨+૨)
૭ માત્રા ના ચાર આવર્તનો, ૨૮ માત્રા પ્રત્યેક પંક્તિમાં.
પ્રત્યેક શેરમાં, ૫૬ માત્રાઓ કુલ હોય છે.
– ‘મનુજ’ હ્યુસ્તોનવી

March 19th 2008

એ જ આ સાંજ છે !

રાહ જોતો રહ્યો, એ જ આ સાંજ છે.
ચાંદ ભૂલો પડ્યો, એ જ આ સાંજ છે.

હા, જલાવી પતંગ, થર થરે સિસકતો,
દીપ જલતો રહ્યો, એ જ આ સાંજ છે.

કાળની કોટડી, કોઇ સંત્રી નથી,
કૈદ ખુદને કર્યો, એ જ આ સાંજ છે.

વાલિયે એક દી’, લૂંટવું છોડિયું,
રામ-સીતા ભજ્યો, એ જ આ સાંજ છે.

હાથમાં હાથ ને બંધ આંખે દિઠો,
એક તારો ખર્યો, એ જ આ સાંજ છે.

ચાંદનીએ જરા ચાદરો પાથરી,
સાગર ઝુમી ઉઠ્યો, એ જ આ સાંજ છે.

મય ન પીવા કહે, સાકિયા, પણ છતાં-
જામ ખાલી કર્યો, એ જ આ સાંજ છે.

કસકની કલમથી ગઝલ દિલ પર લખી,
હાથ બળતો રહ્યો, એ જ આ સાંજ છે.

આંખ સુંદર હતી, સ્વેત રાધા સમી,
શ્યામ કીકી બન્યો, એ જ આ સાંજ છે.

કોણ બળવાન છે, જાણવા કૂપમાં-
સિંહ કૂદી પડ્યો, એ જ આ સાંજ છે.

સાચ છે, વચન છે, ધરમ પાલન ‘મનુજ’,
કળિ કકળતો રહ્યો, એ જ આ સાંજ છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૮/૨૦૦૮
છંદ-મુતદારિક, જેમાં ગાલગા નાં ચાર આવર્તનો છે.
અખંડ ગણીય છંદ છે. ફા. ઇ. લુ. ન. (ગાલગા=૨+૧+૨ માત્રા)
એક પંક્તિમાં ૫ ગુણ્યા ૪ આવર્તનો = ૨૦ માત્રા. આ
વીસ માત્રી છંદ કહેવાય છે. કુલ ૪૦ માત્રા એક શેરમાં હોય છે.
આ છંદ આપણા ઝૂલણા છંદને મળતો આવે છે, પણ ઝૂલણા છંદમાં
પ્રત્યેક પંક્તિમાં ૧૨ અક્ષરો નિસ્ચિત હોય છે. -‘મનુજ’ હ્યુસ્તોનવી

March 11th 2008

માધવ કેમ નથી, મધુવનમાં ?

અમથાં અમે જ ઘડી ઘડી ઝગડો કરી મળતાં હતાં.
ખુદ થી અગર કદિ ગૈર થી રસતો પુછી મળતાં હતાં.

મતભેદ તો થઇ જાય છે, મનભેદ તો કરવો નથી,
મત ને હણી મન મેળવી ઉમદા જિવન જિવતાં હતાં.

અણથક હતો પ્રવાસ ને અનઘડ હતો પ્રયાસ,પણ-
વળગી ધરી, પહિયા બની, રથના અમે ફરતાં હતાં.

ચલતા ભલા સહુ સાધુઓ, કરે મોક્ષનો ઉદઘોષ જે,
બસ, એ જ ચળવળ માણવા, અપનાવવા મથતાં હતાં.

વસમું ગણિત જગમાં હવે બનશે ઉધાર અને જમા,
પળ એક જાવક હોય તો ય હિસાબમાં ભુલતાં હતાં.

વસમી હતી મધુવન મહીં ગિરિધર તણી અનવેષણા,
બસ, રાધિકા વિસરી ગઇ, વનરાવને મળતાં હતાં.

ચકલા અને ચકલી તણું ઘર આંગણું ઘણું શોભતું,
ચકલી હવે ચોખા અને ચકલો ઘઊં ચણતા હતાં.

ચરખે ફરી ચગડોળ સમ પરતંત્રતા જ્યમ પરહરી,
અમ એ જ ભારતવાસની ખાદી બની ફરતાં હતાં.

રજની ડુબે પળમાં અને ભળ ભાંખળું ઝટ થઇ જતું,
નયનો મળે ન મળે ‘મનુજ’, વસમા વિરહ નડતાં હતાં.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૦/૨૦૦૮
છંદ- કામિલ-મુત.ફા.ઇ.લુન-લલગાલગા ના ચાર આવર્તનો-
પ્રથમ બન્ને લઘુ લઘુ તરીકે જ અનિવાર્ય છે. બે લઘુના સ્થાને એક ગુરુ
કરી શકાતો નથી. પ્રત્યેક કડીમાં ૨૮ માત્રા હોય છે. શેર ૫૬ માત્રાનો
હોય છે. આ ગઝલ લખવાની પ્રેરણા મુ. શ્રી સુમન અજમેરીના પુસ્તક
‘ગઝલ’ ! સંરચના અને છંદ-વિધાનના અભ્યાસ બાદ સ્ફુરી છે. એમને
મારા કોટિ કોટિ પ્રણામ સાથે આ ગઝલ… અર્પણ કરું છું. આમાં ક્યાંક બીજો
લઘુ હલન્ત થયો છે, અનિવાર્ય બે લઘુઓ ગુરુ બન્યા છે, ઘણી ક્ષતિઓ હશે,
પરન્તુ, મારા આ નમ્ર પ્રયાસની ક્ષતિઓને ક્ષમ્ય ગણશો એવી અભ્યર્થના.
નવા પ્રયોગમાં ગઝલની શુદ્ધતા પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૧૦/૨૦૦૮

« Previous PageNext Page »