December 6th 2007

મૌન ની લવારી

સમજવા કરું હાડમારી હવે તો.
સમજમાં ન આવે અમારી હવે તો.

હતું એ જ તાળું અને એ જ ચાવી,
ન ખોલી શક્યો આલમારી હવે તો.

ઘટાઓ વરસતી રહી આંધળી,પણ્-
જુઓ નાવડીની ખુમારી હવે તો.

બતાવું કરી કેમ કોઈ પરાક્રમ,
નથી આ મગજમાં બિમારી હવે તો.

કરુ છું હું કોશીશ તજવા, હવામાં-
મહલ બાંધવાની ગમારી હવે તો.

જમાનો બતાવે જુઓ ખેલ ન્યારો,
સિંહારૂઢ ખરની સવારી હવે તો.

ઘસાઈ રઇસના પગ ગોઠણ આવ્યા,
ફરે વાહનોમાં ભિખારી હવે તો.

અગર મૌનને જાણવું છે ‘મનુજ’,તો-
કરો બંધ પળપળ લવારી હવે તો.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૨/૦૫/૨૦૦૭
ગઝલ- છંદ અરબી/ભુજંગી (લગાગા)

November 8th 2007

સમયની વાત

નજર એ છો બધે ભટકે, હું કાજળ થઇ સમાયો છું.
હ્ર્દયના એ લહૂની હું, બની રતાશ છુપાયો છું.

સિતમ સહેવા હવે તો બસ મને આદત પડી ગઇ છે,
સમય પજવી ગયો છે ને હવે મુજથી સતાયો છું.

ખતમ થઇ જિન્દગાની એમના બસ એક જ બોલ પર,
અને, બીજો શબદ સુણવા હવે જીવંત રખાયો છું.

મનાવાને ઘણા યે આવિયા ને હાથ ધોવાયાં,
કરું કેવી રીતે વાકિફ કે હું ખુદથી રિસાયો છું.

ચમનમાં આટલી મસ્તી અને કલશોર આ શાનો?
ખયાલ આયો પછી કે હું બની વસંત વધાયો છું.

નિરાશા ખુદ હવે આશા વિના ફફડી રહી’તી,ને-
બનીને ધ્રૂસકું એક ડૂસકામાંથી વિલાયો છું.

ચગેલો હું ગગનમાં ખૂબ ઊંચે ઉન્નત મસ્તકે,
કપાઇને ખજાનામાં કૃપણને ઘર લવાયો છું.

સળગતી આગને ભડકાવતા પહેલાં તમે સમજો,
દિશામાં હું તમારી થઇ પવન ધસમસ ફુંકાયો છું.

દશા મારી સમજવી હોય તો સમજો કહે ‘મનુજ’,
ભરેલો જામ છું ખાલી થતાં પાછો ભરાયો છું.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૮/૨૦૦૭
ગઝલ- છંદઃ મફાઈલુન (લગાગાગા)

November 7th 2007

આભાર (મુક્તક)

પળ પળ આભાર સમું કૈંક કહ્યા કરે છે,
આભારનો આ ભાર, બસ, વહ્યા કરે છે,
એના આભારમાં કદી ભાર હશે, તો-
કૃતજ્ઞતાનું ઝરણું દિલે વહ્યા કરે છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭

November 7th 2007

નિવૃત્તી (મુક્તક)

જે કંઇ કામ કરે છે, પાર પડે છે,
જામ ભર્યો નથી ને નશો ચડે છે,
સફળતા મિડાસની જેમ વળગી છે;
સોનાનો કોળિયો જ ગળે નડે છે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭

November 7th 2007

પ્રવૃત્તી (મુક્તકો)

સમય નથી અને કામો વધ્યા કરે છે,
સીડી ચઢતાં સોપાનો વધ્યા કરેછે,
ધનની જેમ આહીં સમય વપરાય છે;
અને, સ્વાધિન ગુલામો વધ્યા કરે છે.

સમય નથી ને કામો બાકી છે,
નાચવું છે, પણ, ફરસ વાંકી છે,
ઘાંચીનો બેલ ફર્યા કરે છે;
ઘાણીમાં તલ ભરવાં બાકી છે.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭

October 20th 2007

અચરજ ભરી તરસ

તમને મળવા અમને પળ છે.
પળની લંબાઈ તો છળ છે.

અચરજ ભરી આ તરસ કેવી,
આગળ પાછળ મૃગજળ છે.

લોકો કેવાં કામ કરે છે,
આખા શહેરમાં ખળભળ છે.

ઊંઘ ન આવે તો લાગે છે,
બિસ્તરમાં આ અઢળક સળ છે.

આવે તો જાવા ના દેશો,
લક્ષ્મી ખુદ જાતે ચંચળ છે.

સપના વિણવા સૂવું પડે છે,
આંખ ખુલે ને સામે ભળ છે.

શુકન અપશુકન થતા રહે છે,
પગ મુકીએ ત્યાં દળદળ છે.

ખેલ ખતમ ને વાગે છે,એ-
વેશ બદલવાનું ભુંગળ છે.

એણે શનિની વાત કરી,તો-
‘મનુજ’ કહે મને મંગળ છે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૨૦/૨૦૦૭

ગઝલ-છંદઃ ફાઈલાતુન {ગાગાગાગા}

October 19th 2007

આકાર-નિરાકાર

વાત મારી તમારી નથી, બસ હવે.
જો, બધાને પડ્યો છે મહીં રસ હવે.

હા, રડારોળ તો દીલ માં ચાલુ છે,
સુણ, જૉકર બન્યાની હસાહસ હવે.

પાપ અહીંયા કર્યે જાય છે, એટલાં-
જાય ન્હાવા પછીથી બનારસ હવે.

હાડ પીંજર સમા, હાલતાં ચાલતાં,
આગ સ્પર્શી ગઇ, એક દિવસ હવે.

બીજ બોયાં પછી જળ ન પાયું કદી,
કેમ નો આવશે ફસલમાં કસ હવે,

રાખ, આકાર ને રૂપ રંગ જુદા,
જાણુ છું, તું નિરાકાર છે બસ હવે.

સત્ય ને કાળ ને સુંદરમને ભજો,
જીવ તું શીવ થઇ અનંતે વસ હવે.

ધડકનો સ્વાસનો એક્તારો બની,
જિવન-સંગીતનો પીરસે રસ હવે.

આવનારી ઘડી, હાલની આ ઘડી-
ને કહેતી રહે, ‘મનુજ’ ખસ હવે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૧૭/૨૦૦૭
ગઝલ- ફાઇલુન { ગાલગા }

October 6th 2007

સરસ્વતી વંદના

હે કૃપાનીધિ મા સરસ્વતી, ચરણોમાં તારા નમું સદા,
શ્રદ્ધાના પુષ્પો કરે ધરી, શરણે હું તારા રહું સદા.

તુજ હાથમાં વીણા વસે, પુસ્તક, સ્ફટિક માળા મળે,
પધ્માસને તું આરૂઢે, સમીપે મયૂર કેકા કરે,
તું છે શુભ્રવસ્ત્ર વિભુષિણી, દર્શન હું તારા કરું સદા.

તુજ આંખ અમી વર્ષા કરે, આશિષ જ્ઞાન દીવા કરે,
સંજ્ઞાનું જ્ઞાન તું જ દે, પ્રજ્ઞાનું દાન તું જ દે,
અજ્ઞાનનો કૂપ પરહરી, તુજ જ્ઞાન સિંધુ તરું હું સદા.

‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૫/૨૯/૨૦૦૩

« Previous Page