July 17th 2008

વિધાતાનો અભિશાપ

ભગાની વહુને પતરું વાગ્યું. ચારેક દિવસે મટ્યું ના મટ્યું ને આખા શરીરે ખેંચ આવવી શરૂ થઇ ગઇ. ભગો દવાખાને દોડ્યો. ડોક્ટરે સરવાર કરવાની ના પાડી, ને તાલુકાની મોટી હોસ્પીટલમાં એને લઈ જવા કહ્યું. ભગો કકળ્યો, પણ ડોક્ટર ધરાર ના માન્યો. “ધનૂરની મારી પાસે કોઇ દવા જ નથી”, એમ કહીને ટાઢા પાણીએ ખસ કાઢી.
આખા ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ. ભગાની વહુને તો તાલુકાની હોસ્પીટલે લઇ જતાં, અર્ધા રસ્તેથી જ અગ્નિસંસ્કાર માટે પછી લાવવી પડી.
એ જ સાંજે, વળી ગામમાં અચરજ ફેલાયું, જ્યારે કંપાઉન્ડરના છોકરાને પગમાં ખીલી વાગ્યા બાદ ધનૂરનું ઈંજેક્ષન અપાયું. આખું ગામ અને ભગો સમસમીને બેસી રહ્યાં. લોકોએ ડોક્ટર સામે ફરિયાદ કરવા ભગાને સમજાવ્યો. પણ, ભગો તો આખા પંથકનો ભગત હતો. અરે, સાચા અર્થમાં ભગત હતો. એના ભોળા મને તો ડોક્ટરને ક્યારની ય માફી આપી દીધી હતી. અને, આમ આ વાત પર પડદો પડી ગયો.
એક દિવસ, ડોક્ટરને ઘેર નાગ નિકળ્યો. ગભરાટમાં દોડાદોડી કરતી ડોક્ટરની પુત્રીને આભડી ગયો. લોકો ભેગા થયા. ડોક્ટર આવ્યા. દવાઓ જોઇ. એન્ટીડોટ પર એક્ષ્પાયરી ડેટ જોઇ. ડોક્ટરે દુઃખ્માં માથું ધુણાવ્યું. લાચાર ડોક્ટરનું મોં જોઇ લોકો સમજી ગયા. દર્દીને તાલુકાની હોસ્પીટલમાં ખસેડવી જોઇએ માની ગાડું જોડ્યું. ડોક્ટર, “જલ્દી કરો, જલ્દી કરો” બોલ્યા. એટલામાં, ગીગા પટેલને યાદ આવ્યું ને બોલ્યા, ” અરે, કોઇ ભગાને બોલાવો. એના જેવો ઝેર ચૂસનારો આખા પંથકમાં કોઇ નથી.”
લોકો દોડ્યા, ભગલાને ઘેર. ભગાને વાત કરી. વાત જાણી કે તરત જ ભગો પગમાં ચાખડીઓ ઘાલી, પછેડી લેવા દોડ્યો. પણ, પાછું કંઇક યાદ આવ્યું એટલે પછેડી પાછી મૂકી, જોડા કાઢી, ટાઢાશથી હિંચકે હિંચકવા બેઠો. ભગતને લોકોએ વેર મૂકી દેવા સમજાવ્યો. ભગતે નમ્રતાપૂર્વક આંખમાં આંસુ સાથે હાથ જોડી, બધાને પાછા ચાલી જવા કહ્યું. લોકો, ભગતના નામ પર થૂ…કરી, એની બોતેર પેઢી તારાજ થઇ જાય એવા વેણ કાઢી, ચાલી ગયા.
આ બાજુ, તાલુકાની હોસ્પીટલે જવાના અર્ધા રસ્તે છોકરી ફાટી પડી. એના અગ્નિસંસ્કાર કરવા, લોકો ગામ બહાર ટીંબે ઊભા કરેલા સ્મશાને એકઠા થવા લાગ્યા. લોકોને અચરજ થયું, જ્યારે એમણે જોયું કે ભગો સહુથી પહેલો આવીને છાતીફાટ રડતો હતો. લોકોએ બહુ પૂછ્યું, તો જવાબ આપ્યો, ” શું કરું…ભાઇઓ, મારા ત્રણ છોકરાઓની મા ગણો તો મા ને બાપ ગણો તો બાપ, તે હું એક જ છું. મારા વિષે તમે લોકો ગમે તેમ વિચાર કરો તે પહેલા હું ઇચ્છું છું કે તમે બધા…મારું આ મોં… જૂઓ…”, અને એણે એનું પોતાનું મોં બધાની સામે ખોલ્યું.
ભગાનાં મોઢામાં ત્રણ-ચાર મોટા-મોટા ચાંદા હતા.