ખુદને અંગ
સંગીતા પસરીજા ચિત્ર 4
ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ
વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ
મનોજ મહેતા
સંગીતા પસરીજા ચિત્ર 4
ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ
વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ
મનોજ મહેતા
અવન ભર્થેના ચિત્ર 2
નાજુક બે આ ગરદનો ને કેવો છે આ ભાર
થાય ગમે તે હવે ઉગારી લેવો છે આ ભાર
મળો નહીં તો મળવા કહી જો.
વજ્ર સમો હાથ હવે ગ્રહી જો.
નદી સમાવું સમુદ્ર થઈ ને,
ઝર્ણું બની આજ મહીં વહી જો.
જરા હયાની રફતાર જોવા,
સપ્તપદી તું ફરવા કહી જો.
ભરી શુળોથી શિર તાજ મુક્યો,
હવે મસીહા બનવા કહી જો.
જળે થળે ને દળમાં ભમો છો,
ભલા અમારા દિલમાં રહી જો.
છુપાવિયાં સૌ શમણાં નિમીષે,
જગાડવાને અમને કહી જો.
તમે જ દીધાં સિતમો બધા,તો-
શરાબ સાથે સનમો સહી જો.
જુઓ વિધાતા અતિથી બની છે,
ધરો હસ્ત ને લખવા કહી જો.
ઉધારના જીવનનું શું કે’વું-
કર્જ કર્યું તો ભરવા કહી જો.
ન પોયણી પંકજ થાય ખુલી,
કિસ્મતને તું ખિલવા કહી જો.
શરીરના સર્વ છિદ્રો ખુલ્યા,તો-
દિવાસળીના ભડકે બળી જો.
કૃષ્ણ સમો ગ્રંથ ઉકેલવાને-
તુ રાધિકા ગાઇડને પઢી જો.
હવા મળી તો ‘મનુજે’ ચઢાવ્યો,
હવા વિના ઊપર તું રહી જો.
– ‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૦૩/૨૦૦૮
ગઝલ-છંદ ઉપેન્દ્રવજ્રા, ગણ બદ્ધ
ગણ-જ,ત,જ,ગ,ગ.
અક્ષરમેળ- ૧૧ અક્ષરો.
અસ્તિત્વ માટે લડશું હવે તો.
હા, લાશ થૈ ને તરશું હવે તો.
કેવાં વિધાનો વિધિનાં થયા છે,
ફૂલો થયા તો ફળશું હવે તો.
કેવો નશો આ તુજ આંખ કેરો,
ચાલું ન ચાલું લથડું હવે તો.
ખોટો ખરો છું મજનૂ તમારો,
લૈલા થશો જો મળશું હવે તો.
તાકાત છે નૈ ચઢવા મિનારો,
આકાશમાં શું ઉડશું હવે તો.
સીધા કદી વિસ્તરવું હશે, તો-
પૃથ્વી સમા કૈં વળશું હવે તો.
સાફો ચલાવે ફળિયું રડાવી,
જો ઘૂમટો કે’ વરશું હવે તો.
પ્યાલો ઉઠાવી મુખ પાસ,સાકી-
લાવી ન ઢોળો, ઢળશું હવે તો.
જાણે અજાણે થઇ ભૂલ મારી,
માફી છપાવા મથશું હવે તો.
કાંડે ચુડી ને નજરૂં અધીરી,
આર્સી ધરી શું કરશું હવે તો.
જંપી ગયા છો, શિર ટેકવીને,
ખોળો ન ખાલી કરશું હવે તો.
વર્ષો વિતાયાં વનવાસ જેવા,
હા, રામ રાજ્ય કરશું હવે તો.
અંગો ઉમંગો વિકલાંગ છે, ને-
ઝાલો ન ઝાલો પડશું હવે તો.
ખાવા મળ્યું તો બસ ખાઇ લીધું,
કોર્ટ કચેરી ભરશું હવે તો.
છોડો કિનારો મઝધાર જાવા,
પામો કિનારો હરસું હવે તો.
ભાગ્ય ન જાગે ‘મનુજે’ જગાડ્યું,
ત્રાંસા બજાવી જગવું હવે તો.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૨/૧૭/૨૦૦૮
ગઝલ-છન્દઃ ઈન્દ્રવજ્રા, ગણ-બદ્ધ =ત,ત, જ,ગ,ગ,
અક્ષરમેળ છંદ, ૧૧ અક્ષર યતિ-૫ અને ૧૧ અક્ષરે.
સમજવા કરું હાડમારી હવે તો.
સમજમાં ન આવે અમારી હવે તો.
હતું એ જ તાળું અને એ જ ચાવી,
ન ખોલી શક્યો આલમારી હવે તો.
ઘટાઓ વરસતી રહી આંધળી,પણ્-
જુઓ નાવડીની ખુમારી હવે તો.
બતાવું કરી કેમ કોઈ પરાક્રમ,
નથી આ મગજમાં બિમારી હવે તો.
કરુ છું હું કોશીશ તજવા, હવામાં-
મહલ બાંધવાની ગમારી હવે તો.
જમાનો બતાવે જુઓ ખેલ ન્યારો,
સિંહારૂઢ ખરની સવારી હવે તો.
ઘસાઈ રઇસના પગ ગોઠણ આવ્યા,
ફરે વાહનોમાં ભિખારી હવે તો.
અગર મૌનને જાણવું છે ‘મનુજ’,તો-
કરો બંધ પળપળ લવારી હવે તો.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૨/૦૫/૨૦૦૭
ગઝલ- છંદ અરબી/ભુજંગી (લગાગા)
નજર એ છો બધે ભટકે, હું કાજળ થઇ સમાયો છું.
હ્ર્દયના એ લહૂની હું, બની રતાશ છુપાયો છું.
સિતમ સહેવા હવે તો બસ મને આદત પડી ગઇ છે,
સમય પજવી ગયો છે ને હવે મુજથી સતાયો છું.
ખતમ થઇ જિન્દગાની એમના બસ એક જ બોલ પર,
અને, બીજો શબદ સુણવા હવે જીવંત રખાયો છું.
મનાવાને ઘણા યે આવિયા ને હાથ ધોવાયાં,
કરું કેવી રીતે વાકિફ કે હું ખુદથી રિસાયો છું.
ચમનમાં આટલી મસ્તી અને કલશોર આ શાનો?
ખયાલ આયો પછી કે હું બની વસંત વધાયો છું.
નિરાશા ખુદ હવે આશા વિના ફફડી રહી’તી,ને-
બનીને ધ્રૂસકું એક ડૂસકામાંથી વિલાયો છું.
ચગેલો હું ગગનમાં ખૂબ ઊંચે ઉન્નત મસ્તકે,
કપાઇને ખજાનામાં કૃપણને ઘર લવાયો છું.
સળગતી આગને ભડકાવતા પહેલાં તમે સમજો,
દિશામાં હું તમારી થઇ પવન ધસમસ ફુંકાયો છું.
દશા મારી સમજવી હોય તો સમજો કહે ‘મનુજ’,
ભરેલો જામ છું ખાલી થતાં પાછો ભરાયો છું.
‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૮/૨૦૦૭
ગઝલ- છંદઃ મફાઈલુન (લગાગાગા)
પળ પળ આભાર સમું કૈંક કહ્યા કરે છે,
આભારનો આ ભાર, બસ, વહ્યા કરે છે,
એના આભારમાં કદી ભાર હશે, તો-
કૃતજ્ઞતાનું ઝરણું દિલે વહ્યા કરે છે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭
જે કંઇ કામ કરે છે, પાર પડે છે,
જામ ભર્યો નથી ને નશો ચડે છે,
સફળતા મિડાસની જેમ વળગી છે;
સોનાનો કોળિયો જ ગળે નડે છે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭
સમય નથી અને કામો વધ્યા કરે છે,
સીડી ચઢતાં સોપાનો વધ્યા કરેછે,
ધનની જેમ આહીં સમય વપરાય છે;
અને, સ્વાધિન ગુલામો વધ્યા કરે છે.
સમય નથી ને કામો બાકી છે,
નાચવું છે, પણ, ફરસ વાંકી છે,
ઘાંચીનો બેલ ફર્યા કરે છે;
ઘાણીમાં તલ ભરવાં બાકી છે.
‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૧/૦૬/૨૦૦૭
તમને મળવા અમને પળ છે.
પળની લંબાઈ તો છળ છે.
અચરજ ભરી આ તરસ કેવી,
આગળ પાછળ મૃગજળ છે.
લોકો કેવાં કામ કરે છે,
આખા શહેરમાં ખળભળ છે.
ઊંઘ ન આવે તો લાગે છે,
બિસ્તરમાં આ અઢળક સળ છે.
આવે તો જાવા ના દેશો,
લક્ષ્મી ખુદ જાતે ચંચળ છે.
સપના વિણવા સૂવું પડે છે,
આંખ ખુલે ને સામે ભળ છે.
શુકન અપશુકન થતા રહે છે,
પગ મુકીએ ત્યાં દળદળ છે.
ખેલ ખતમ ને વાગે છે,એ-
વેશ બદલવાનું ભુંગળ છે.
એણે શનિની વાત કરી,તો-
‘મનુજ’ કહે મને મંગળ છે.
-‘મનુજ’ હ્યુસ્તોનવી
૧૦/૨૦/૨૦૦૭
ગઝલ-છંદઃ ફાઈલાતુન {ગાગાગાગા}